નવી દિલ્હી: ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં કમરતોડ વધારો કરવામાં આવ્યા છે. નવા ભાવ આજથી જ લાગૂ થઈ ગયા છે. ઘરેલુ એલપીજી સિલિન્ડરના રેટ 6 ઓક્ટોબર 2021 બાદ વધ્યા છે. આજથી ઘરેલુ એલપીજી સિલિન્ડરનો  ભાવ દિલ્હીમાં 899.50 રૂપિયાથી વધીને 949.5 રૂપિયા થઈ ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. હવે તમે જો મુંબઈમાં ઘરેલુ એલપીજી સિલિન્ડર ખરીદશો તો તમારે 949.50 રૂપિયા આપવા પડશે. જ્યારે કોલકાતામાં તમે સિલિન્ડર ખરીદશો તો તમારે 976 રૂપિયા ચૂકવવા પડશે. અગાઉ એલપીજી સિલિન્ડરનો ભાવ 926 રૂપિયા હતો. આ ઉપરાંત ચેન્નાઈમાં ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમત 915.50 રૂપિયાથી વધીને 965.50 રૂપિયા થઈ ગઈ છે. 


ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં ઘરેલુ એલપીજી સિલિન્ડરનો ભાવ 938 રૂપિયાથી વધીને 987.50 રૂપિયા થયો છે. જ્યારે બિહારના પટણામાં એક ઘરેલુ એલપીજી સિલિન્ડર હવે તમને 1039.50 રૂપિયામાં મળશે. જે પહેલા 998 રૂપિયાનો હતો. 


નોંધનીય છે કે પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ લાંબા સમય બાદ એકવાર ફરીથી વધારો કરવામાં આવ્યો છે. ડીઝલ અને પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર 80 પૈસાનો વધારો કરાયો છે. વધેલા ભાવ આજથી જ લાગૂ થઈ ગયા છે. 


કેટલો વધ્યો પેટ્રોલ-ડીઝલનો ભાવ
ડીઝલ અને પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર 80 પૈસાનો વધારો થયો છે. વધેલા ભાવ આજ સવારે 6 વાગ્યાથી લાગૂ થઈ ગયા. અત્રે જણાવવાનું કે પેટ્રોલ ડીઝલના ભાવમાં છેલ્લા 137 દિવસથી વધારો થયો નહતો. ડીઝલ અને પેટ્રોલના રિટેલ ભાવમાં ભલે 137 દિવસમાં વધારો ન થયો હોય પરંતુ જથ્થાબંધ ગ્રાહકો માટે ડીઝલનો ભાવ ખુબ વધી ચૂક્યો છે. જેમાં અચાનક મોટો વધારો ઝીંકાયો છે. તે પણ સીધો 25 રૂપિયાનો વધારો કરાયો. દિલ્હીમાં જથ્થાબંધ ગ્રાહકોને ડીઝલ 115 રૂપિયા પ્રતિ લીટર વેચવામાં આવી રહ્યું છે. આ નિર્ણય બાદ એવું માનવામાં આવી રહ્યું હતું કે પેટ્રોલ અને ડીઝલના રિટેલ ભાવમાં પણ વધારો ઝીંકાશે. 


ગુજરાતમાં શું છે ભાવ?
ગુજરાતમાં પેટ્રોલના ભાવમાં 79 પૈસા અને ડિઝલમાં 85 પૈસાનો વધારો થયો છે. 138 દિવસ સુધી ભાવ પેટ્રોલના સરેરાશ 96 રૂપિયા અને ડીઝલના 89 રૂપિયાએ સ્થિર છે. ઘરેલુ ગેસના ભાવમાં પણ 50 રૂપિયાનો વધારો થયો છે. ગુજરાતમાં LPG સિલિન્ડરનો ભાવ 956.50 રૂપિયા થયો છે. આજથી જ LPGમાં ભાવ વધારા સાથે નવી કિંમત લાગૂ થઈ ગઈ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube