ઝી બ્યુરો/નવી દિલ્હી: દેશમાં ડ્રોન વડે દવાની ડિલીવરી કરવાની પ્રક્રિયા તેજ બની છે. ઉત્તરાખંડનું ઋષિકેશ એઈમ્સ ડ્રોનથી દવાઓની ડિલીવરી શરૂ કરનારું પહેલું એઈમ્સ બન્યું છે, તો બીજી તરફ કોલકાતામાં પણ ડ્રોનથી દવાની ડિલીવરી શરૂ કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફોટોગ્રાફી, વીડિયોગ્રાફી, સર્વેલન્સ અને ખેતરોમાં દવાના છંટકાવ બાદ હવે આરોગ્ય ક્ષેત્રમાં ડ્રોનનાં ઉપયોગના દરવાજા ખુલી ગયા છે...નજીકનાં સમયમાં જ ડ્રોન તમારા ઘરનાં દરવાજા પર દવાની ડિલીવરી કરશે. આ માટેની શરૂઆત થઈ ચૂકી છે. ઉત્તરાખંડનાં દુર્ગમ ક્ષેત્રોમાં ઋષિકેશ એઈમ્સથી દવાઓ પહોંચાડવાની શરૂઆત કરવામાં આવી છે. આ માટે ટિહરીનાં જિલ્લા આરોગ્ય કેન્દ્ર સુધી દવાની ડિલીવરી કરીને સફળ ટ્રાયલ કરવામાં આવ્યું. આ સાથે જ ઋષિકેશ એઈમ્સ દવાની ડિલીવરી કરવામાં ડ્રોનનો ઉપયોગ કરનારું દેશનું પહેલું એઈમ્સ બન્યું છે. 


ડ્રોને 36 કિમીનું અંતર 29 મિનિટમાં કાપ્યું
એઈમ્સનાં હેલિપેડથી ટિહરી સુધીનું 36 કિલોમીટરનું અંતર ડ્રોને 29 મિનિટમાં કાપ્યું હતુ. સડક માર્ગે આ જ અંતર કાપવામાં ત્રણ કલાકનો સમય લાગે છે. ટીબીનાં દર્દી માટેની દવાની ડિલીવરી કરીને ડ્રોન એઈમ્સનાં હેલિપેડ પર પરત પણ આવ્યું હતું. નાનકડાં વિમાન આકારનાં ડ્રોનનું વજન 16.5 કિલોગ્રામ છે. 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડતું આ ડ્રોન 3 કિલો સુધી વજન લઈ જવા સક્ષમ છે. 


ઉત્તરાખંડ માટે ડ્રોનથી ડિલીવરી આશીર્વાદ સમાન
ઉત્તરાખંડ જેવા પહાડી રાજ્યોમાં જરૂરિયાતમંદોને દવા પહોંચવાડવા ડ્રોન આશીર્વાદરૂપ સાબિત થશે. ઈમરજન્સીની સ્થિતિમાં ઉપચાર માટેનાં તબીબી ઉપકરણો પણ ડ્રોનથી પહોંચાડી શકાય છે. આ ઉપરાંત ટેસ્ટ માટે દર્દીઓનાં સેમ્પલ પણ ડ્રોન વડે જ એઈમ્સ સુધી લાવી શકાશે. ચારધામની યાત્રા પર જતાં યાત્રિકો માટે પણ આ ડ્રોન ઉપયોગી સાબિત થશે. ઉંચાઈવાળા વિસ્તારોમાં યાત્રા દરમિયાન ઘણા યાત્રિકો ઓક્સિજનની અછત અનુભવે છે, હાર્ટ એટેક અને બ્રેન સ્ટ્રોકનો ભોગ બને છે, આવા સમયે ડ્રોનની મદદથી જરૂરી દવાઓ અને તબીબી ઉપકરણો સમયસર પહોંચાડી શકાશે. 


કોલકાતામાં પણ ડ્રોનથી દવાની ડિલીવરી
તો આ તરફ કોલકાતામાં પણ ડ્રોનની મદદથી દવાની ડિલીવરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરીને TSAW ટેક્નિક સ્પેસ એન્ડ એરો વર્કસ નામનાં એક સ્ટાર્ટ અપે શરૂ કરી છે. કોલકાતાનાં હાવડાથી સોલ્ટ લેક સુધી ડ્રોન મારફતે દવાની સફળતાપૂર્વક ડિલીવરી કરવામાં આવી. ટ્રાફિકથી ભરચક વિસ્તારમાં ડ્રોન સામે કોઈ નડતર ન આવ્યું.. કોલકાતામાં અન્ય રૂટ પર પણ એક મહિનામાં ડ્રોનથી દવાની ડિલીવરી શરૂ કરવામાં આવશે. 


ડ્રોનથી ડિલીવરી માટે શેની જરૂર પડે છે?
ડ્રોનથી વસ્તુઓની ડિલીવરી માટે તાલીમબદ્ધ કર્મચારીઓ અને DGCAના લાયસન્સની જરૂર પડે છે. ડ્રોન જેટલા વધુ ફેરા લગાવે પરિવહન ખર્ચ તેટલો ઓછો આવે છે. દવા બાદ હવે FMCG પ્રોડક્ટો તેમજ ફૂડ ડિલીવરી માટે ડ્રોનનો ઉપયોગ શરૂ થવાની રાહ આસાન થઈ છે. એ દિવસ હવે દૂર નથી જ્યારે દેશભરમાં ડ્રોનથી વસ્તુઓની ડિલીવરી થતી જોઈ શકાશે.