લોકડાઉનમાં સેવા આપવા બદલ દૂધ ઉત્પાદકોના પ્રયાસોને બિરદાવવામાં આવશે
કોવિડ-19 પહેલાં (1-15 માર્ચ, 2020) અને કોવિડ-19 પછી (16 માર્ચ - 12 એપ્રિલ, 2020)ના સમયગાળા પર નજર નાંખીએ તો, કોવિડ-19 બાદના સમયગાળામાં દૂધની ખરીદી અને પ્રવાહી દૂધના વેચાણની ટકાવારીમાં 8.8%નો ઘટાડો નોંધાયો છે.
આણંદઃ ભારતમાં ડેરીઉદ્યોગ લાખો નાના અને સીમાંત ખેડૂતોની આજીવિકાને સહાયરૂપ થાય છે અને ખાસ કરીને આ કોવિડના રોગચાળામાં ડેરીઉદ્યોગમાંથી પ્રાપ્ત થતી આવક તેમના માટે હાલમાં ખૂબ જ જરૂરી એવી આર્થિક સહાય પૂરી પાડે છે. લાખો ગ્રામ્ય દૂધ ઉત્પાદકોને તેમની મૂળભૂત જરૂરિયાતો સંતોષવા માટે આવક મળી રહે જ્યારે ગ્રાહકોને તેમની પોષણ સંબંધિત જરૂરિયાતોને સંતોષવા દૂધ અને દૂધના ઉત્પાદનો પ્રાપ્ત થાય તે સુનિશ્ચિત કરવા ડેરી મૂલ્ય શ્રૃંખલામાં સંકળાયેલા તમામ લોકો દ્વારા હાથ ધરવામાં આવેલા પ્રયાસોને એનડીડીબીના ચેરમેન દિલીપ રથએ બિરદાવ્યાં હતા.
જ્યારે સમગ્ર દેશ લૉકડાઉનમાં છે ત્યારે ડેરી ક્ષેત્ર કામ બંધ કરી શકે તેમ નથી. પશુઓ ધરાવતા લાખો ઘરો, જેમાંથી મોટાભાગના નાના પશુપાલકો છે, તેમણે ગાયો અને ભેંસોને દોહવાનું, ઘરમાં વધારાના દૂધને ગામના કલેક્શન સેન્ટરોને વેચવાનું ચાલું રાખ્યું છે, જ્યાં દૂધને ભેગું કરવાની, ઠંડુ પાડવાની અને ત્યારબાદ તેને દૂધના પ્રોસેસિંગ પ્લાન્ટમાં લઈ જવાની કામગીરીઓ પણ ચાલુ છે. પ્રોસેસિંગ અને પેશ્ચુરાઇઝેશન કર્યા બાદ પૅક કરેલા દૂધને આઉટલેટ્સ પર વેચવા માટે મોકલવામાં આવે છે, જે આખરે દેશના લાખો ગ્રાહકોના ઘર સુધી પહોંચે છે. કોવિડના ઝંઝાવાત દરમિયાન ડેરી પુરવઠા શ્રૃંખલાની સ્થિરતા સુનિશ્ચિત કરવા તમામ દૂધ ઉત્પાદકો અને ઉત્પાદકોની માલિકીની સંસ્થાઓની અનુકરણીય સેવા ખરેખર અજોડ છે.
દિલીપ રથએ જણાવ્યું હતું કે, ઉત્પાદકોની માલિકીની સંસ્થાઓએ ઘણાં પડકારોનો સામનો કરવો પડ્યો - જેમ કે, ખાનગી / બિનસંગઠિત પ્લેયરોએ ખરીદી બંધ કરી / ઘટાડી દીધી હોવાથી પશુપાલકો પાસેથી દૂધની ખરીદીમાં વધારો કરવો, ઉપલબ્ધતાના અભાવને કારણે ગ્રાહકોની માંગમાં ઘટાડો થવો, મીઠાઈની દુકાનો, રેસ્ટોરેન્ટ્સ, ચાની કીટલીઓ, શાળા દૂધ કાર્યક્રમ વગેરે બંધ થઈ જવા, પ્રોસેસિંગ માટે આવશ્યક માનવશ્રમની ઉપલબ્ધતા ન હોવી, આંતરરાજ્ય પરિવહન પર લાદવામાં આવેલા પ્રતિબંધો, કાચી સામગ્રીના પુરવઠો મેળવવામાં અવરોધો વગેરે.
કોવિડ-19 પહેલાં (1-15 માર્ચ, 2020) અને કોવિડ-19 પછી (16 માર્ચ - 12 એપ્રિલ, 2020)ના સમયગાળા પર નજર નાંખીએ તો, કોવિડ-19 બાદના સમયગાળામાં દૂધની ખરીદી અને પ્રવાહી દૂધના વેચાણની ટકાવારીમાં 8.8%નો ઘટાડો નોંધાયો છે.
એનડીડીબીના ચેરમેનએ દૂધની ખરીદી અને દૂધના વેચાણની વચ્ચેના ગાળાને ઘટાડવા માટેના માર્ગો સૂચવ્યાં હતાં. આપણે સૌએ ગામડાંનાં માર્કેટોમાં તથા કેટલાક નવી પ્રકારના આઇડીયાની સાથે ઈ-કૉમર્સ બિઝનેસ પોર્ટલમાં પ્રવેશવા અંગે વિચારવાની જરૂર છે. ગ્રાહકોને દૂધ અને દૂધના ઉત્પાદનોની નિર્બાધ ડીલિવરી માટે કેટલાક મિલ્ક ફેડરેશનોએ તેમના વિતરકોની વિવિધ ઈ-રીટેઇલર્સ સાથેના જોડાણની વ્યવસ્થા કરી છે. તેઓ નિશ્ચિત સમયગાળામાં પસંદગીના સ્થળોએ ઘરઆંગણે ડીલિવરી કરવાની તથા મિલ્ક વેન મારફતે પૅક કરેલા દૂધ અને દૂધના ઉત્પાદનોનું વિતરણ કરવાની પણ વ્યવસ્થા કરી રહ્યાં છે.
મિલ્ક ફેડરેશન/યુનિયનોને સોફ્ટ વર્કિંગ કેપિટલ લૉન પૂરી પાડી સહાયરૂપ થવા ભારત સરકાર દ્વારા ‘સપોર્ટિંગ ડેરી કૉઑપરેટિવ્સ એન્ડ ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન્સ એન્ગેજ્ડ ઇન ડેરી એક્ટિવિટીઝ’ નામની યોજના જાહેર કરવામાં આવી છે, જેથી કરીને તેઓ પશુપાલકોને નિયમિતપણે ચૂકવણી કરી શકે.
કોરોનાવાઇરસના પ્રસારને શક્ય એટલો ઘટાડવા માટે શ્રી દિલીપ રથએ મિલ્ક ફેડરેશન/યુનિયનોને ભારત સરકાર/એનડીડીબી દ્વારા જાહેર કરવામાં આવેલ સલાહસૂચનો/માર્ગદર્શિકાઓનું પાલન કરવાની અપીલ કરી છે. તેમણે જણાવ્યું છે કે, ડેરી કૉઑપરેટિવ્સ/દૂધ ઉત્પાદક કંપનીઓ અને દૂધ ઉત્પાદકો મુશ્કેલીભર્યા સમયનો સામનો કરી રહ્યાં હોવા છતાં અમને વિશ્વાસ છે કે, અમારી સંસ્થાઓ આ સંકટમાંથી ઉગરી જાય એટલી સ્થિતિસ્થાપક છે. કોવિડ-19 બાદ આપણે વધુ સક્ષમ બનીને ઉભરી આવીશું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર