ICICI બેન્કના પૂર્વ CEO ચંદા કોચર વિરુદ્ધ મોટી કાર્યવાહી, EDએ અટેચ કરી કરોડોની સંપત્તિ
બેન્કની દેવાદાર કંપની વીડિયોકોન ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કોચરના પતિની કંપનીમાં રોકાણને લઈને ગડબડના આરોપો બાદ ચંદા કોચરે ઓક્ટોબર 2018માં રાજીનામું આપી દીધું હતું.
મુંબઈઃ ICICI બેન્કના પૂર્વ સીઈઓ અને એમડી ચંદા કોચર અને તેમના પરિવાર પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મોટી કાર્યવાહી કરી છે. ઈડીએ ચંદા કોચરના મુંબઈ સ્થિત ફ્લેટ અને તેમના પતિ દીપક કોચરની કંપનીની કેટલિક સંપત્તિ અટેચ કરી છે. જપ્ત સંપત્તિઓનું મૂલ્ય 78 કરોડ રૂપિયા જણાવવામાં આવી રહ્યું છે. ચંદા કોચર વિરુદ્ધ આ કાર્યવાહી 2012માં આઈસીઆઈસીઆઈ બેન્કથી વીડિયોકોનને મળેલી 3250 કરોડ રૂપિયાની લોનના મામલાના સિલસિલામાં કરવામાં આવી છે.
બેન્કની દેવાદાર કંપની વીડિયોકોન ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કોચરના પતિની કંપનીમાં રોકાણને લઈને ગડબડના આરોપો બાદ ચંદા કોચરે ઓક્ટોબર 2018માં રાજીનામું આપી દીધું હતું. હાલમાં તેમણે પોતાની વિરુદ્ધ બેન્ક દ્વારા જારી બરતરફ પત્રને લઈને બોમ્બે હાઈકોર્ટમાં પડકાર આપ્યો છે. તેમણે કોર્ટમાં તે લેટરને કાયદેસર જાહેર કરવાની માગ કરી છે, જેમાં તેમણે ઓક્ટોબર 2018માં જલદી નિવૃતીની જાહેરાત કરી હતી અને બેન્કે સ્વીકાર કરી લીધો હતો.
શું છે મામલો?
વીડિયોકોન ગ્રુપને 2012માં આઈસીઆઈસીઆઈ બેન્કમાંથી 3250 કરોડ રૂપિયાની લોન મળી હતી. આ લોન કુલ 40 હજાર કરોડ રૂપિયાનો એક ભાગ હતો, જેને વીડિયોકોન ગ્રુપે એસબીઆઈના નેતૃત્વમાં 20 બેન્કોમાંથી લીધો હતો. આરોપ છે કે વીડિયોકોન ગ્રુપના ચેરમેન વેણુગોપાલ ધૂતે 2010માં 64 કરોડ રૂપિયા ન્યૂપાવર રીન્યૂએબલ્સ પ્રાઇવેટ લિમિટેડ (NRPL)ને આપ્યા હતા. આ કંપનીને ધૂતે દીપક કોચર અને બે અન્ય સંબંધીઓની સાથે મળીને બનાવી હતી. આરોપ છે કે ચંદા કોચરના પતિ દીપક કોચર સહિત તેના પરિવારના સભ્યોને લોન મેળવનાર તરફથી નાણાકીય ફાયદો પહોંચાડવામાં આવ્યો છે. આરોપ છે કે આઈસીઆઈસીઆઈ બેન્કમાંથી લોન મળ્યાના 6 મહિના બાદ ધૂતે કંપનીના ભાગીદાર દીપક કોચરના એક ટ્રસ્ટને 9 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube