Budget 2022: કોણે રજૂ કર્યું હતું આઝાદ ભારતનું સૌથી પહેલું બજેટ? જાણો બજેટ સાથે જોડાયેલી રોચક વાતો
નવી દિલ્લીઃ સામાન્ય રીતે આપણી બોલ ચાલની ભાષામાં આપણે કહેતા હોઈએ છીએ કે, આ વખતે તો ખર્ચો વધી ગયો એના કારણે આખું બજેટ ખોરવાઈ ગયું. એ બજેટ હોય છે આપણાં ઘરનું જે મહિનાનું બજેટ હોય છે. બજેટનો અર્થ છેકે, કેટલાં પૈસા આપણાં હાથમાં છે અને તેની સામે સંભવિત ખર્ચ કેટલો છે? તેમાંથી સૌથી વિશેષ જીવન જરૂરિયાતનો ખર્ચ કઈ-કઈ વસ્તુઓ પાછળ થવાનો છે. આ દરેક બાબતોની હિસાબવહી એટલે બજેટ.
એ જ પ્રકારે જ્યારે આપણાં દેશની અથવા કોઈપણ દેશ કે રાજ્યની સરકારો આખા વર્ષમાં દેશભરમાં કઈ-કઈ બાબતો પાછળ કેટલો ખર્ચ થઈ શકે છે તેના સંભવિત આંકડાઓ કાઢીને તેના માટે નાણાંકિય ફાળવણી કરે તેને જ બજેટ કહેતા હોય છે. અને તેનું સમજવું ખુબ જ જરૂરી છે. ત્યારે જાણીએ બજેટ વિશેની કેટલીક રોચક વાતો. શું તમે જાણો છો આઝાદ ભારતનું પહેલું બજેટ કોણે રજૂ કર્યું હતું. જાણો બજેટ વિશેની જાણી અજાણી વાતો.
આઝાદ ભારતના બજેટ સાથે જોડાયેલી રસપ્રદ વાતોઃ
અર્થશાસ્ત્રીઓ, નાણાકીય વિશ્લેષકો અને સામાન્ય લોકો કોરોના (COVID-19) ના વધતા જતા કેસો વચ્ચે નીતિગત બદલાવના કોઈપણ સંકેત માટે આ વર્ષની બજેટ જાહેરાતો પર નજીકથી નજર રાખી રહ્યા છે. બજેટ એ સરકારનો વાર્ષિક નાણાકીય અહેવાલ છે જેમાં આવક, ખર્ચ, વૃદ્ધિ અંદાજ તેમજ તેની નાણાકીય સ્થિતિ જેવી વિગતો શામેલ છે. સામાન્ય બજેટમાં સરકારની આવક અને ખર્ચનો હિસ્સો હોય છે. કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી, 2022 ના રોજ ‘બજેટ 2022-23’ રજૂ કરશે. સ્વતંત્ર ભારતનું પ્રથમ બજેટ 26 નવેમ્બર 1947 ના રોજ રજૂ થયું હતું. ફરી એકવાર અર્થશાસ્ત્રીઓ, નાણાકીય વિશ્લેષકો અને સામાન્ય લોકો કોરોના (COVID-19) ના વધતા જતા કેસો વચ્ચે નીતિગત બદલાવનના કોઈપણ સંકેત માટે આ વર્ષની બજેટ જાહેરાતો પર નજીકથી નજર રાખી રહ્યા છે.
- સ્વતંત્ર ભારતનું પ્રથમ બજેટ 26 નવેમ્બર 1947 ના રોજ નાણામંત્રી આર.કે. સન્મુખમ ચેટ્ટી દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. ભારતીય પ્રજાસત્તાકનું પ્રથમ બજેટ 28 ફેબ્રુઆરી, 1950 ના રોજ જોન મથાઈ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું.
- આર્થિક બાબતોના વિભાગની વેબસાઇટ dea.gov.in પર ઉપલબ્ધ માહિતી અનુસાર સ્વતંત્ર ભારતનું પ્રથમ બજેટ 15 ઓગસ્ટ 1947 થી 31 માર્ચ 1948 સુધીના સાડા સાત મહિનાના સમયગાળા માટે હતું.
-ચેટ્ટીએ પ્રથમ વખત 1948-49ના બજેટમાં વચગાળા(Interim)નો શબ્દ વાપર્યો હતો. ત્યારથી ટૂંકા ગાળાના બજેટ માટે ‘વચગાળાના’ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે.
- વર્ષ 2000 સુધી અંગ્રેજી પરંપરા મુજબ બજેટ સાંજે 5 વાગ્યે રજૂ કરવામાં આવતું હતું. અટલ બિહારી વાજપેયીની આગેવાની હેઠળની NDA સરકારે 2001માં આ પરંપરા તોડી હતી. હવે સંસદમાં બજેટ રજૂ કરવાની પરંપરા સવારે 11 વાગ્યે શરૂ થઈ છે.
- ભારતમાં 1લી એપ્રિલથી 31મી માર્ચ સુધી ચાલતું નાણાકીય વર્ષ 1867 માં શરૂ થયું હતું. આ પહેલા નાણાકીય વર્ષ 1 મે થી 30 એપ્રિલ સુધી હતું.
- ભારતના પ્રથમ મહિલા નાણામંત્રી તરીકે ઈન્દિરા ગાંધીએ 1970માં કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું. તે સમયે તેઓ દેશના વડાપ્રધાન હતા. તેઓ નાણા મંત્રાલયનો હવાલો પણ સંભાળતા હતા.
- સ્વતંત્ર ભારતના પ્રથમ બજેટમાં બજેટની આવકનું લક્ષ્ય રૂ. 171.15 કરોડ અને ખર્ચ રૂ. 197.29 કરોડ હતું.
- દેશના પૂર્વ પ્રધાનમંત્રી મોરારજી દેસાઈ અત્યાર સુધીમાં સૌથી વધુ 10 વખત બજેટ રજૂ કરી ચૂક્યા છે. તેઓ 6 વખત નાણામંત્રી અને 4 વખત નાયબ વડાપ્રધાન રહી ચૂક્યા છે.
- વર્ષ 2017 પહેલા બજેટ ફેબ્રુઆરી મહિનાના છેલ્લા કામકાજના દિવસે રજૂ કરવામાં આવતું હતું. વર્ષ 2017 થી તે 1લી ફેબ્રુઆરી અથવા ફેબ્રુઆરીના પ્રથમ કાર્યકારી દિવસથી શરૂ કરવામાં આવે છે. અગાઉ રેલવે અને યુનિયન બજેટ અલગ-અલગ રજૂ કરવામાં આવતા હતા. 2017ના બજેટથી જ કેન્દ્રની મોદી સરકારે રેલવે બજેટને સામાન્ય બજેટમાં સમાયોજિત કરીને વધુ એક પ્રયોગ કર્યો હતો. બંનેને સાથે રજૂ કરવાની પરંપરા 2017માં શરૂ થઈ હતી.