ઓ બાપરે! આમ તે કઈ હોય? 530000000 તોલા સોનું ગિરવે મૂકી પૈસા ઉપાડ્યા લોકોએ, જાણીને ચક્કર ખાઈ જશો
એવું કહેવાય છે કે ઘરમાં જો સોનું પડ્યું હોય તો પછી શું રડવાનું. આજકાલ એવું જોવા મળી રહ્યું છે. કારણ કે હાલના સમયમાં લગભગ 53 કરોડ તોલું સોનું ગિરવે મૂકીને લોકોએ લોન લીધેલી છે. જાણો રિઝર્વ બેંકનો આ રિપોર્ટ શું સંકેત આપે છે.
માર્ચ મહિનાનો ત્રીજો સપ્તાહ ચાલુ છે. નીમ્ન મધ્યમવર્ગ પરિવારમાં મોટાભાગે પગાર તો પહેલા 15 દિવસમાં જ પૂરો થઈ જતો હોય છે, ત્યારે ઘર ચલાવવું કઈ રીતે. એમા પણ જ્યારે તહેવારો આવે તો પછી તો પૂછવું જ શું. ત્યારે આવી પરિસ્થિતિમાં લોકો માટે એક આશાનું કિરણ સોનું બની જાય છે. કારણ કે ઘરમાં પડેલું સોનું બેંકમાં કોઈ નાણાકીય સંસ્થામાં ગિરવે મૂકીને પછી તેના પર ઉછીના પૈસા મેળવીને ખર્ચા કાઢવામાં આવે છે.
આજકાલ એવા અનેક ઉદાહરણ જોવા મળી રહ્યા છે કે તહેવારો હોય, ઘરમાં પ્રસંગ નજીક હોય, બાળકોના અભ્યાસનો ખર્ચો હોય...પૈસા મેળવવા માટે સોનું ગિરવે મૂકીને પૈસા લેવા એ સરળ રીત બની રહી છે. ગ્રામીણ અને અર્ધ ગ્રામીણ વિસ્તારોમાં આ પ્રકારના વલણમાં તેજી જોવા મળી છે. નાના કારોબારી અને વ્યક્તિગત રીતે લોકો સોનું ગિરવે મૂકીને પૈસા મેળવી રહ્યા છે.
53 કરોડ સોનું ગિરવે
રિઝર્વ બેંકનો હાલમાં જ સોના પર એક રિપોર્ટ આવ્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે હાલ 53 કરોડ તોલું (એક તોલો એટલે 10 ગ્રામ) કે પછી 53,00,000 કિલો સોનું ગિરવે મૂકીને લોન લેવાઈ છે. રિપોર્ટ મુજબ હાલ દેશમાં ગોલ્ડ લોનનું માર્કેટ લગભગ 15 લાખ કરોડ રૂપિયાનું છે. જે છેલ્લા એક વર્ષમાં 17 ટકા વધ્યું છે. એવો અંદાજો છે કે વર્ષ 2029 સુધીમાં તે વાર્ષિક 12.22 ટકાના દરથી વધશે.
સંગઠિત ક્ષેત્ર હજુ પણ અડધાથી ઓછા
હાલ ગોલ્ડ લોનના ક્ષેત્રમાં ઘણી એનબીએફસી આવી ગઈ છે. અનેક બેંકો પણ ગોલ્ડ લોન આપે છે. આમ છતાં ગોલ્ડ લોનના માર્કેટમાં સંગઠિત ક્ષેત્રની ભાગીદારી 50 ટકાથી પણ ઓછી છે. રિપોર્ટ મુજબ હાલ ગોલ્ડ લોનના માર્કેટમાં સંગઠિત ક્ષેત્રે 40 ટકા બજાર પર કબજો જમાવેલો છે. તેનો અર્થ એ થયો કે લગભગ 15 લાખ કરોડ રૂપિયાના ગોલ્ડ લોનના બજારમાં તેમની ભાગીદારી છ લાખ કરોડની છે. હજુ પણ શાહૂકારો અને મહાજનોનો કબજો 60 ટકા કે નવ લાખ કરોડ રૂપિયાના બજાર પર છે.
સોનાના ભાવ આસમાને
હાલમાં સોનાનો ભાવ રેકોર્ડ હાઈ પર જોવા મળ્યો. ગઈ કાલે દિલ્હીમાં 10 ગ્રામ સોનાનો ભાવ 66,914 રૂપિયા હતો. એક જ દિવસમાં સોનું 1225 રૂપિયા ચડ્યું. જોવા જઈએ તો છેલ્લા એક વર્ષમાં સોનાનો ભાવ 16.6 ટકા વધ્યો છે. સોનાના ભાવ વધવાથી ગોલ્ડ લોનનું બજાર પણ વધ્યું છે. છેલ્લા એક વર્ષમાં ગોલ્ડ લોનમાં 17 ટકાનો વધારો થયો છે.
દેશમાં કેટલું છે સોનું
એક અંદાજા મુજબ હાલ ભારતીય પરિવારો પાસે કુલ 27000 ટન સોનું છે. જે દુનિયાના કુલ સોનાનો 14 ટકા ભાગ છે. તેમાંથી 5300 ટન સોનું ગિરવે મૂકાયું છે. આમ પણ ભારતીયોને સોના પર ખુબ પ્રેમ છે. દરેક શુભ મુહૂર્ત પર સોનાની ભેટ આપવાનું ચલણ છે.
ગોલ્ડ લોન કેમ
સામાન્ય રીતે લોકો પર્સનલ લોન લઈને પોતાની જરૂરિયાતો પૂરી કરે છે. પરંતુ પર્સનલ લોન પર વ્યાજદર વધુ હોય છે. જો તમારો સિબિલ સ્કોર સારો હોય તો તમને ઓછા રેટ ઉપર પણ લોન મળી શકે છે. પરંતુ ક્રેડિટ સ્કોર ખરાબ હોય તો તમારે ભારે વ્યાજ ચૂકવવું પડે છે. તેનો સરળ વિકલ્પ ગોલ્ડ લોન તરીકે સામે આવે છે. ગોલ્ડ લોનનો વ્યાજ દર પર્સનલ લોન કરતા ઓછો હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube