ગુજરાતની ગાંઠિયા અને સેવમમરા બનાવતી કંપની લાવી રહી છે 650 કરોડનો IPO, 6 માર્ચે થશે ઓપન
Gopal Snacks Limited IPO: નમકીન ક્ષેત્રમાં મોટું નામ ધરાવતી ગુજરાતની કંપની ગોપાલ નમકીન હવે શેર બજારમાં પર્દાપણ કરવાની છે. કંપની આ માટે આઈપીઓ લાવી રહી છે. કંપનીનો આઈપીઓ 6 માર્ચે ઓપન થવાનો છે.
અમદાવાદઃ ગુજરાતની નમકીન ક્ષેત્રની અગ્રણી કંપનીઓમાં સામેલ ગોપાલ નમકીન પોતાનો આઈપીઓ લાવી રહી છે. કંપનીનો 650 કરોડ રૂપિયાનો આઈપીઓ 6 માર્ચે ઓપન થઈ રહ્યો છે. જ્યારે આઈપીઓ 11 માર્ચે બંધ થશે. કંપનીએ આઈપીઓ માટે હજુ પ્રાઇઝ બેન્ડની જાહેરાત કરી નથી. ટૂંક સમયમાં કંપની પ્રાઇઝ બેન્ડ પણ જાહેર કરી દેશે. ગોપાલ નમકીન એફએમસીજી ક્ષેત્રમાં એક મોટી કંપની છે, જેનું વડુમથક રાજકોટમાં આવેલું છે.
ગોપાલ નમકીનનો 650 કરોડ રૂપિયાનો આઈપીઓ
પ્રાપ્ત વિગત અનુસાર ગોપાલ નમકીનના આઈપીઓના ઈશ્યૂની સાઇઝ 650 કરોડ રૂપિયા છે. કંપનીનો આઈપીઓ 6 માર્ચે ઓપન થશે અને ઈન્વેસ્ટરો તેમાં 11 માર્ચ સુધી દાવ લગાવી શકશે. સફળ ઈન્વેસ્ટરોને 12 માર્ચે એલોટમેન્ટ કરવામાં આવશે. જ્યારે 13 માર્ચે રિફંડની પ્રક્રિયા હાથ ધરાશે. જ્યારે કંપની શેર બજારમાં 14 માર્ચે લિસ્ટ થશે. આ આઈપીઓમાં તમામ શેર ઓફર ફોર સેલ છે.
આ પણ વાંચોઃ ₹2700 થી તૂટી ₹11 પર આવ્યો આ દિગ્ગજ શેર, હવે સ્ટોક માર્કેટમાંથી બહાર થશે કંપની
આઈપીઓમાં 50 ટકા ક્વોટા QIB માટે રિઝર્વ રાખવામાં આવ્યો છે. જ્યારે રિટેલ ઈન્વેસ્ટરો માટે 35 ટકા ક્વોટા રાખવામાં આવ્યો છે. જ્યારે હાઈ નેટવર્થ ઈન્ડિવિઝ્યુલ માટે 15 ટકા ક્વોટા રાખવામાં આવ્યો છે. કંપનીના શેર બીએસઈ અને એનએસઈ પર લિસ્ટ થશે. કંપનીના શેરની ફેસ વેલ્યૂ 1 રૂપિયો છે. નોંધનીય છે કે ગોપાલ સ્નેક્સ લિમિટેડ એક એફએમસીજી કંપની છે, જેની સ્થાપના 1999માં કરવામાં આવી હતી.
કોણ છે ગોપાલ નમકીનના પ્રમોટર
ગોપાલ નમકીનના પ્રમોટર બિપિનભાઈ વિઠલભાઈ હદવાણી, દક્ષાબેન બિપિનભાઈ હદવાણી અને ગોપાલ એગ્રિપ્રોડક્ટ્સ છે. પ્રમોટર પાસે હાલ કંપનીમાં 93.50 ટકા માલિકી છે. આઈપીઓ બાદ કંપનીમાં પ્રમોટરોની ભાગીદારી ઘટી જશે. ગોપાલ નમકીન પોતાની પ્રોડક્ટનું વેચાણ 10 રાજ્યો, બે કેન્દ્રશાસિત પ્રદેશોના કુલ 523 સ્થળો પર કરી રહી છે. કંપની પાસે અલગ-અલગ કેટેગરીની કુલ 84 પ્રોડક્ટ્સ છે.