નવી દિલ્હી: સરકારી કંપની એલઆઈસીના આઈપીઓના રસ્તામાં હવે એક નવી મુશ્કેલી ઊભી થઈ છે. BSE અને NSE પર શેરનું લિસ્ટિંગ થાય તે પહેલા મોરચો ખોલીને બેસી ગયેલા પોલીસી હોલ્ડર્સ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા. આ પોલીસી હોલ્ડર્સની માંગણી હતી કે એલઆઈસીના આઈપીઓ પર રોક લગાવવામાં આવે. સુપ્રીમ કોર્ટમાં તેમની અરજી સુનાવણી માટે તો સ્વીકારી લેવાઈ પરંતુ કોર્ટે આઈપીઓ મામલે હસ્તક્ષેપ કરી રોક લગાવવાની ના પાડી દીધી. આથી હવે આઈપીઓની નિર્ધારિત પ્રક્રિયા પહેલાની જેમ ચાલુ રહેશે. કોર્ટે કહ્યું કે આ રોકાણનો મામલો છે. પહેલેથી જ 73 લાખ સબ્સ્ક્રિપ્શન થઈ ગયા છે. આવામાં અમે કોઈ વચગાળાની રાહત આપી શકીએ નહીં. જો કે કોર્ટ આઈપીઓની બંધારણીય માન્યતાનું પરીક્ષણ કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે જણાવવાનું કે પીપલ્સ ફર્સ્ટ નામની એનજીઓએ પોલીસી હોલ્ડર્સ તરફથી સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી હતી. આ અરજીને સુનાવણી માટે સ્વીકારી લેવાઈ હતી. સુનાવણી માટે આજની તારીખ લિસ્ટ કરી હતી. સુનાવણી દરમિયાન પોલીસી હોલ્ડર્સ તરફથી સીનિયર એડવોકેટ શ્યામ દીવાને દલીલ કરીને કહ્યું કે સરકારે જે પ્રકારે મની બિલ લાવીને એલઆઈસી આઈપીઓ લાવવાનો રસ્તો તૈયાર કર્યો તેની ઉપર વિચારણા કરવી જરૂરી છે. એલઆઈસી સાથે લોકોના અધિકાર જોડાયેલા છે અને આવામાં આઈપીઓ લાવવા માટે મની બિલ દ્વારા રસ્તો તૈયાર થઈ શકે નહીં. 


આઈપીઓના વિરોધમાં સીનિયર વકીલ ઈન્દિરા જયસિંહે પણ કહ્યું કે પોલીસી હોલ્ડર્સ પાસેથી તથાકથિત નોન પાર્ટિસિપેટિંગ સરપ્લસના નામે 523 લાખ કરોડ રૂપિયા ડાયવર્ટ કરવામાં આવી રહ્યા છે. કંપનીનો માલિકી હક બદલાઈ રહ્યો છે અને તે નવા હાથમાં જઈ રહી છે. શેરહોલ્ડર્સને વેચાઈ રહી છે. જે પૈસા મળશે તે પોલીસહોલ્ડર્સને નહીં મળે. બધા પૈસા ભારત સરકારના  બજેટને બેલેન્સ કરવામાં વપરાશે. તેમણે એમ પણ કહ્યું કે જો સરકાર એલઆઈસીને વેચવા માંગતી હોય તો તે માટે ડી-મ્યુચ્યુઅલાઈઝેશનની પ્રક્રિયા અપનાવવી જોઈતી હતી. 


સરકાર તરફથી આ અરજીનો વિરોધ થયો. એડિશનલ સોલિસિટર જનરલે ભારત સરકારનો પક્ષ રજૂ કરતા કહ્યું કે એલઆઈસી આઈપીઓ પર રોક લગાવી શકાય નહીં. તેમણે કહ્યું કે આ મામલે કોઈ નોટિસ આપી શકાય નહીં. મહેરબાની કરીને નિયમો જુઓ. વીમા બિઝનેસના સરપ્લસને કયા પ્રકારે ઉપયોગમાં લેવાય છે તે જુઓ. 


અત્રે જણાવવાનું કે એલઆઈસીના આઈપીઓને તમામ કેટેગરીમાં જબરદસ્ત રિસ્પોન્સ મળેલો છે. આઈપીઓને સૌથી વધુ રિસ્પોન્સ સબ્સક્રિપ્શન પોલીસી હોલ્ડર્સવાળી કેટેગરીમાં જ મળ્યો છે. આ કેટેગરીમાં 6.05 ગણું સબસ્ક્રાઈબ કરાયું છે. એ જ રીતે એલઆઈસીના કર્મચારીઓ માટે રિઝર્વ રાખવામાંઆવેલા ભાગને 4.36 ગણું સબસ્ક્રાઈબ કરાયું. રિટેલ ઈન્વેસ્ટર્સનો ભાગ પણ 1.97 ગણો સબ્સ્ક્રાઈબ થયો. જ્યારે QIB માટે રાખવામાં આવેલા  ભાગને 2.83 ગણો અને NII ના ભાગને 2.91 ગણો સબ્સ્ક્રાઈબ કરાયો. બધુ મળીને આઈપીઓને 2.93 ગણું સબ્સ્ક્રિપ્શન મળ્યું. આઈપીઓ 9મી મેના રોજ ખુલ્યો. પહેલીવાર એવું બન્યું કે બિડિંગ રવિવારે પણ ખુલ્લી રહી. આઈપીઓના માધ્યમથી સરકારે એલઆઈસીની 3.5 ટકા ભાગીદારી વેચી છે અને તેનો આકાર લગભગ 21000 કરોડ રૂપિયાનો છે. આ આઈપીઓ દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો આઈપીઓ છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube