નવી દિલ્હી: દીવાળી પહેલા દેશવાસીઓને મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. ચોક્કસપણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ જવાનું છે. સબસિડીવાળા રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં 2.94 રૂપિયા પ્રતિ સિલિન્ડર ભાવવધારો થયો છે. સિલિન્ડરના આધાર મૂલ્ય અને ફેરફાર તથા તેના પર કરના પ્રભાવના કારણે ભાવમાં વધારો થયો છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (આઈઓસી)એ એક નિવેદનમાં જણાવ્યું છે કે 14.2 કિલોના સબસિડીવાળા એલપીજી સિલિન્ડરનો ભાવ બુધવાર મધરાતથી 502.40 પૈસાથી વધીને 505.34 રૂપિયા પ્રતિ સિલિન્ડર કરવામાં આવ્યો છે. સબસિડીવાળા રાંધણગેસ સિલિન્ડરના ભાવમાં જૂન મહિનાથી આ છઠ્ઠીવાર વધારો કરવામાં આવ્યો છે. જૂન મહિનાથી લઈને અત્યાર સુધીમાં 14.13 રૂપિયા ભાવવધારો કરવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એલપીજીના ગ્રાહકોએ બજારભાવે રાંધણગેસ સિલિન્ડર ખરીદવાનો હોય છે જો કે સરકાર વર્ષભરમાં 14.2 કિલોવાળા 12 સિલિન્ડરો પર સબસિડી સીધા ગ્રાહકોના ખાતામાં જમા કરે છે. 


આ બાજુ સબસિડી વગરના એલપીજી સિલિન્ડરની કિંમત 60 રૂપિયાથી વધીને 880 રૂપિયા પ્રતિ સિલિન્ડર કરવામાં આવી છે. આ સાથે જ ગ્રાહકોના  ખાતામાં જનારી સબસિડી નવેમ્બર 2018માં વધીને 433.66 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ, જે ઓક્ટોબર મહિનામાં 376.60 રૂપિયા પ્રતિ સિલિન્ડર હતી. ઉલ્લેખનીય છે કે સરેરાશ આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક દર અને વિદેશી મુદ્રા વિનિમય દર પ્રમાણે એલપીજી સિલિન્ડરના ભાવ નક્કી થતા હોય છે. જેના આધારે સબસિડીની રકમમાં ફેરફાર થતો હોય છે. 


જ્યારે આંતરરાષ્ટ્રીય દરોમાં વધારો થાય છે ત્યારે સરકાર વધુ સબસિડી આપે છે પરંતુ કર નિયમો મુજબ રાંધણ ગેસ પર જીએસટીની ગણતરી ફ્યુલના બજાર મુલ્યના આધારે નક્કી થાય છે. આવામાં સરકાર ઈંધણની કિંમતનો એક ભાગ તો સબસિડી તરીકે આપી શકે છે પરંતુ કરની ચૂકવણી બજાર દર પર કરવાની હોય છે. જેના પગલે ભાવમાં વધારો થાય છે. 


નિવેદનમાં કહેવાયું છે કે વૈશ્વિક કિંમતોમાં વધારો અને વિદેશી મુદ્રા વિનિમયમાં ઉતાર ચઢાવના કારણે સબસિડી વગરના રાંધણ ગેસ સિલિન્ડરમાં 60 રૂપિયાનો વધારો થયો છે. સબસિડીવાળા એલપીજી ગ્રાહકો પર જીએસટીના કારણે ફક્ત 2.94 રૂપિયાનો જ વધારાનો બોજો પડશે.