નવી દિલ્હી: મારુતિ સુઝુકીએ 15 જાન્યુઆરીથી તાત્કાલિક અસરથી તેની તમામ કારની કિંમતોમાં 4.3 ટકા સુધીનો વધારો કરવાની જાહેરાત કરી છે. કંપનીનું કહેવું છે કે કોસ્ટ પ્રાઇસમાં વધારાને કારણે વધેલી કિંમતોનો કેટલોક ભાગ ગ્રાહકોના પલડામાં નાખવામાં આવ્યો છે. ત્યારે કંપનીએ તેની તમામ કારની કિંમત 0.1 ટકાથી લઇને 4.3 ટકા વધારી છે. મારુતિ સુઝુકીએ રેગ્યુલેટરી ફાઈલિંગમાં જણાવ્યું હતું કે દિલ્હીમાં વાહનોની એક્સ-શોરૂમ કિંમતમાં સરેરાશ 1.7 ટકાનો વધારો થયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2021માં કારની કિંમતમાં ત્રણ વાર ભાવ વધ્યા
ગત વર્ષે મારુતિ સુઝુકીએ કારની કિંમતમાં ત્રણ વખત વધારો કર્યો હતો. જાન્યુઆરી 2021માં કારની કિંમતોમાં 1.4 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ એપ્રિલ 2021માં કંપનીએ કારની કિંમતોમાં 1.6 ટકાનો વધારો કર્યો હતો, ત્યારબાદ સપ્ટેમ્બર 2021માં પણ કારની કિંમતોમાં 1.9 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. કુલમળીને ગત વર્ષે કંપનીએ તેના વાહનોના ભાવમાં લગભગ 5 ટકાનો વધારો કર્યો હતો. ગત મહિને મારુતિ સુઝુકીએ માહિતી આપી હતી કે વિવિધ પ્રકારની કિંમતમાં વધારાને કારણે કંપનીને કારની કિંમતો વધારવાની ફરજ પડશે.


ડિસેમ્બર 2021માં કંપનીના ઉત્પાદનમાં 2 ટકાનો ઘટાડો
હાલમાં ઓટો ઉદ્યોગ મોટા પડકારોનો સામનો કરી રહ્યો છે જેમાં સેમિકન્ડક્ટર ચિપ્સ અને અન્ય ઘણા સ્પેરપાર્ટ્સની અછતનો સમાવેશ થાય છે. આ જ કારણ છે કે ડિસેમ્બર 2021માં કંપનીના ઉત્પાદનમાં 2 ટકાનો ઘટાડો નોંધાયો છે. કંપનીએ ગત મહિને કુલ 1,52,029 વાહનો બનાવ્યા જે ડિસેમ્બર 2020માં બન્યા 1,55,127 વાહનો કરતાં ઓછા છે અને ઉત્પાદનની સંખ્યામાં વાર્ષિક ધોરણે ઘટાડો દર્શાવે છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં, જ્યારે કોવિડ-19 મહામારી પછી બજારમાં વાહનોની માંગ ફરી વધી છે, ત્યારે કંપનીઓ હજી પણ સપ્લાય ચેઇનની સમસ્યા સામે ઝઝૂમી રહી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube