ટેલિકોમ મહામંદી: 6 મહિનામાં 6 કરોડથી વધારે SIM કાર્ડ થઇ જશે બંધ
એક અહેવાલ અનુસાર આગામી 6 મહિનામાં આશરે 6 કરોડ લોકો પોતાના મોબાઇલ SIMને બાય બાય કહી શકે છે
નવી દિલ્હી : આગામી 6 મહિનામાં ટેલિકોમ સેક્ટરમાં મહામંદી આવવાનાં એંધાણ જોવા મળી રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર આગામી 6 મહિનામાં લગભગ 6 કરોડથી વધારે લોકો પોતાનાં મોબાઇલ SIMને બાય બાય કરવાની તૈયારીમાં છે. અંગ્રેજી અખબાર ઇકોનોમિક ટાઇમ્સનાં રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી હતી. ગ્રાહકોનું વલણ હવે 2 સિમનાં બદલે એક સીમ તરફી વધી રહ્યું છે. રિપોર્ટમાં COAIના ડાયરેક્ટર જનરલ રાજન મૈથ્યૂના હવાલાથી કહેવાયું કે આગામી 6 મહિનામાં યુઝર્સની સંખ્યા 2.5થી 3 કરોડનો ઘટાડો આવી શકે છે. બીજી તરફ એક ટેલિકોમ નિષ્ણાંતનાં હવાલાથી જણાવાયું કે આગામી 2 ત્રિમાસિકમાં યુઝર્સની સંખ્યા 4.5થી 6 કરોડ સુધીનો ઘટાડો આવી શકે છે.
સિંગલ સિમ તરફ આ કારણથી વળી રહ્યા છે લોકો
રિપોર્ટમાં ટેલિકોમ સેક્ટરાં એનાલિસ્ટ્સ અને અધિકારીઓનાં હવાલાથી જણાવાઇ રહ્યું છે કે જિયો આવ્યા બાદ યુઝર્સ બે સિમકાર્ડનો ઉપયોગ કરવાને મહત્વ આપી રહ્યા હતા. પરંતુ હવે પરિસ્થિતી બદલી ચુકી છે. એરટેલ, વોડાફોન, આઇડિયા પણ હાલ મિનિમમ રિચાર્જ પ્લાન રજુ કરી ચુક્યા છે. જે રિલાયન્સ જિયોનાં પ્લાન જેવા જ છે. તેનું પરિણામ છે કે ગ્રાહકો 2 કે 3 ઓપરેટર્સમાંથી કોઇ એકની પસંદગી કરીને બીજુ સિમકાર્ડ બંધ કરવાને પ્રાધાન્ય આપે છે.
ઓગષ્ટમાં અંતમાં હતા 1.2 અબજ સબ્સ્ક્રાઇબર્સ
ઓગષ્ટના અંતમાં દેશમાં કુલ મળીને મોબાઇલ સબ્સ્ક્રાઇબર્સની સંખ્યા 1.2 અબજ હતી. દેશમાં જ સિંગલ સિંમ ઉપયોગ કરનારા સબ્સ્ક્રાઇબર્સની સંખ્યા આશરે 7.5 કરોડ છે. બાકી તમામ 2 અથવા તેનાથી વધારે સિમકાર્ડનો ઉપયોગ કરી રહ્યા છે.