તમને પણ મનમાં એમ થતું હશે કે આખરે ભારતનો મોંઘોદાટ શેર કયો છે? રિલાયન્સ, ટાટા, અદાણી....ના બિલકુલ નહીં. ભારતનો સૌથી મોંઘો શેર છે એમઆરએફનો શેર. તેનું ફૂલફોર્મ મદ્રાસ રબર ફેક્ટરી છે. જે ભારતની જાણીતી ટાયર કંપની છે. આ કંપનીના શેર એપ્રિલ 1993માં માત્ર 10  રૂપિયાના હતા. પરંતુ હવે આ કંપનીના એક શેરનો ભાવ 1.30 લાખ રૂપિયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

30 વર્ષ પહેલાના એક લાખ બન્યા હશે 130 કરોડ
અત્રે જણાવવાનું કે 30 વર્ષ પહેલા એટલે કે 1993માં જ્યારે આ કંપનીનો આઈપીઓ આવ્યો હતો ત્યારે તેના શેરનો ભાવ માત્ર 10 રૂપિયા હતો. લિસ્ટિંગ બાદ આ સ્ટોક 11 રૂપિયા પર બંધ થયો હતો. તે સમયે જો કોઈ વ્યક્તિએ આ શેરમાં એક લાખ રૂપિયા રોક્યા હશે અને હજુ સુધી તેના શેર સાચવી રાખ્યા હશેતો આજની તારીખમાં આ શેરમાં કરેલું એક લાખ રૂપિયાનું રોકાણ વધીને 130 કરોડ રૂપિયા થઈ ચૂક્યું હશે. એટલે કે 30 વર્ષમાં આ શેરે રોકાણકારોની રકમને 13,000 ગણી વધારી દીધી છે. 


1.5 લાખ રૂપિયા પાર શેરની કિંમત
MRF ના શેરની વાત કરીએ તો તેના એક શેરની કિંમત 1.5 લાખ રૂપિયા ઉપર પહોંચી છે. સ્ટોકનું 52 અઠવાડિયાનું હાઈએસ્ટ લેવલ 1,51,445 રૂપિયા છે. જ્યારે લોએસ્ટ લેવલ 1,07,008 રૂપિયા છે. સ્ટોકની ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. જ્યારે કંપનીની માર્કેટ કેપ 54,889 કરોડ રૂપિયા છે. 


દેશનો પહેલો શેર જેણે લાખનું લેવલ ક્રોસ કર્યું
અત્રે જણાવવાનું કે એમઆરએફનો સ્ટોક એક લાખ રૂપિયાના લેવલને પાર કરનારો ભારતનો પહેલો અને એકમાત્ર શેર છે. એપ્રિલ 1993 સુધી તેના એક શેરની કિંમત ફક્ત 11 રૂપિયા હતી. જો કે માર્ચ 2005 સુધીમાં તેના શેરનો ભાવ 3000 રૂપિયા સુધી પહોંચી ગયો. જ્યારે મે 2013 સુધીમાં એમઆરએફના સ્ટોકની કિંમત સીધી 15000 રૂપિયા થઈ ગઈ. એપ્રિલ 2018 સુધીમાં તો એક શેરનો ભાવ 80000 રૂપિયા થઈ ગયો. ફેબ્રુઆરી 2022 માં એમઆરએફના શેરની કિંમત એક લાખ પર પહોંચી ગઈ. એક સમયે આ સ્ટોક 1.5 લાખ રૂપિયાનું લેવલ પણ પાર કરી ચૂક્યો છે. 


કેમ આટલો મોંઘો છે શેર
રિપોર્ટ્સ મુજબ જ્યારે શેરનો ભાવ વધે છે તો કંપનીઓ તેને સ્પ્લિટ કરે છે. પરંતુ MRF કંપનીએ લિસ્ટિંગથી લઈને અત્યાર સુધી આ શેરને એકવાર પણ સ્પ્લિટ કર્યો નથી. જેના લીધે આ સ્ટોકની કિંમત સતત વધી રહી છે. હાલ તે 1.30 લાખ રૂપિયાની આસપાસ પહોંચી ગયો છે. સ્પ્લિટમાં શેરોનો તોડીને ડબલ શેર કરી દેવાય છે. 


ક્યારે થઈ કંપનીની શરૂઆત
એમઆરએફ કંપનીનો પાયો ભારતમાં આઝાદી પહેલા એટલે કે 1946માં પડ્યો હતો. શરૂઆતમાં આ કંપની રમકડાવાળા ફુગ્ગા બનાવતી હતી. પરંતુ 14 વર્ષ બાદ 1960માં કંપનીએ રબરના ટાયર બનાવવાનું શરૂ કર્યું. હાલમાં તે  ભારતની સૌથી મોટી ટાયર કંપની છે. MRF ના ટાયર 75 થી વધુ દેશોમાં નિકાસ થાય છે. મોટા મોટા ક્રિકેટરો આ કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર રહ્યા છે. જેમાં સચિન તેંડુલકરથી લઈને વિરાટ કોહલી, ગૌતમ ગંભીર, સંજૂ સેમસન, શિખર ધવન, બ્રાયન લારા, સ્ટીવ વોઘ અને એબી ડિવિલિયર્સના નામ સામેલ છે. 


 (Disclaimer: અહીં ફક્ત શેરના પરફોર્મન્સની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમને આધીન છે અને રોકાણ પહેલા તમારા એડવાઈઝરની સલાહ ચોક્કસપણે લેવી)