Railwayનો નવો નિર્ણય, જાણીને AC કોચના યાત્રીઓ થઈ જશે ખુશખુશાલ
સામાન્ય રીતે એસી કોચમાં પ્રવાસ કરતા પ્રવાસીઓની ફરિયાદ હોય છે કે વધારે પૈસા આપવા છતાં તેમને એ જ સુવિધા મળે છે જે બીજા કોચના પ્રવાસીઓને મળે છે
નવી દિલ્હી : જો તમે વારંવાર ભારતીય રેલના એસી કોચમાં પ્રવાસ કરતા હો તો તમારા માટે કામના સમાચાર છે. હવે રેલવે એસી કોચમાં પ્રવાસ કરતા પ્રવાસીઓને વિશેષ સુવિધા આપવાનું પ્લાનિંગ કરી રહી છે. સામાન્ય રીતે એસી કોચમાં પ્રવાસ કરતા પ્રવાસીઓની ફરિયાદ હોય છે કે વધારે પૈસા આપવા છતાં તેમને એ જ સુવિધા મળે છે જે બીજા કોચના પ્રવાસીઓને મળે છે. સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રવાસીઓએ આ વાતની ફરિયાદ રેલવે મંત્રીથી માંડીને રેલવે બોર્ડ સુધી કરી છે.
હવે સમાચાર મળ્યા છે કે રેલવે તરફથી એસી કોચના પ્રવાસીઓની સુવિધાઓ પર પહેલાં કરતા વધારે ધ્યાન આપવામાં આવશે. ઇકોનોમિક ટાઇમ્સમાં છપાયેલા સમાચાર પ્રમાણે ભારતીય રેલવેએ પોતાના તમામ એસી કોચ અપગ્રેડ કરવાનો નિર્ણય કર્યો છે. સમાચાર પ્રમાણે દરેક એસી કોચને છ વર્ષના સમયગાળા સુધી અપગ્રેડ કરવામાં આવશે. આ કોચના અપગ્રેડેશન માટે રેલવે તરફથી 10 લાખ રૂ. આપવામાં આવશે. આ પ્રોજેક્ટને હજી રેલવે તરફથી કોઈ નામ નથી આપવામાં આવ્યું. આ યોજના અંતર્ગત એસી-1, એસી-2 અને એસી-3ને અપગ્રેડ કરવામાં આવશે. એનો હેતુ પ્રવાસીઓને આરામદાયક મુસાફરીનો અહેસાસ કરાવવાનો છે. આ અપગ્રેડેશનમાં એસી કોચની સીટથી માંડીને શૌચાલયમાં બદલાવ કરવામાં આવશે.
હાલમાં રેલવેએ એસી કોચના યાત્રિઓની સુવિધાને ધ્યાનામાં રાખીને કામળાઓને મહિનામાં બે વાર ધોવાનો નિર્ણય લીધો હતો. રેલવે તરફથી નિર્ણય લેવામાં આવ્યો હતો કે હવે ટ્રેનમાં વોશેબલ ધાબળાં પુરા પાડવામાં આવશે. હાલમાં તમામ કામળાઓને બે મહિનામાં એકવાર ધોવાનો નિર્ણય છે. હવે નવા નિયમમાં આ ધાબળાંને એક મહિનામાં બે વાર ધોવાના નિર્દેશ કરવામાં આવ્યા છે.