અમદાવાદ: નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (નાઈપર), અમદાવાદે નેશનલ ઈન્સ્ટીટયુટ રેંકીંગ ફ્રેમવર્ક (NIRF)ના માનવ સંસાધન વિકાસ મંત્રાલય હેઠળની ટોચની 10 ફાર્મા શિક્ષણ સંસ્થાઓ અને યુનિવર્સિટીઓના રેંકીંગમાં સમાવેશ પામીને  એક ઐતિહાસિક સિમાચિન્હ હાંસલ કર્યું છે. નાઈપર, અમદાવાદનો દેશની ટોચની ફાર્મા ક્ષેત્રની 10 શૈક્ષણિક સંસ્થાઓમાં ૯ માં ક્રમાંકે સ્થાન હાંસલ કર્યું છે. નાઈપર, અમદાવાદ ટીચીંગ, લર્નિંગ અને રિસોર્સીસ (ટીએલઆર)માં ભારતની નંબર-1 ફાર્મા ઈન્સ્ટીટયુટ તરીકે ચાલુ રહી છે.એનઆઈઆરએફના રેંકીંગ 5 માપદંડ પર આધારિત હોય છે, જેમાં ટીચીંગ અને લર્નીંગ રિસોર્સીસ, સંશોધન અને પ્રોફેશનલ પ્રેક્ટીસ, ગ્રેજ્યુએશનના પરિણામો, પહોંચ અને સમાવેશિતા તથા દ્રષ્ટિકોણનો સમાવેશ થાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નાઈપર અમદાવાદના ડિરેક્ટર ડો. કિરણ કાલિયાએ માનવ સંસાધન અને વિકાસ મંત્રાલયના સચિવ આર. સુબ્રમણ્યમ અને યુજીસીના ચેરમેન ડી.પી સિંઘ ના હસ્તે આ ટ્રોફી સ્વિકારી હતી. ડો. કાલિયા જણાવે છે કે "નાઈપર અમદાવાદનો પ્રારંભ પર્ડના સિડલીંગ ઈન્સ્ટીટ્યુટ તરીકે થયો હતો. એ વખતે પર્ડ મેન્ટર ઈન્સ્ટીટ્યુટ હતી. આજે નાઈપર અમદાવાદ ખાતે અમે એનઆઈઆરએફના રેંકીંગમાં દેશની ટોચની 10 ફાર્મા શૈક્ષણિક સંસ્થાઓમાં સ્થાન પામવાની આ મોટી સિધ્ધિ હાંસલ કરવા બદલ ગૌરવ અનુભવીએ છીએ. ગયા વર્ષે અમે 14મા સ્થાને હતા અને 2019માં અમે 9મા સ્થાને પહોંચ્યા છીએ તે અમારા માટે ગૌરવની બાબત છે. અમે આગામી સમયમાં ઉત્તમ સ્થાન હાંસલ કરવા માટે પ્રયત્નશીલ રહીશું." નાઈપરની દેશની બે અન્ય ઉભરતી સંસ્થાઓ- મોહાલી અને હૈદ્રાબાદને પણ ટોચની 10 સંસ્થાઓમાં સ્થાન હાંસલ થયું છે અને તેમને અનુક્રમે ત્રીજુ અને છઠ્ઠુ સ્થાન હાંસલ કર્યું છે.


નાઈપર, અમદાવાદ આંતરરાષ્ટ્રિય સ્તરે ટીચીંગ, સંશોધન અને ઉદ્યોગસાહસિકતા તાલિમ ક્ષેત્રે ટોચની સેન્ટર ઓફ એક્સેલન્સ સંસ્થા તરીકે સ્થાન પામવાની મહેચ્છા ધરાવે છે. નાઈપર, અમદાવાદ ખાતે શિખવવામાં આવતા વિવિધ વિદ્યાશાખાઓના અભ્યાસક્રમો અને સાંસ્કૃતિક વૈવિધ્યને કારણે નવતર પ્રકારના સંશોધન અને વિદ્યાર્થીઓનો સર્વગ્રાહી વિકાસ શક્ય બને છે. નાઈપર, અમદાવાદની શરૂઆત ત્રણ સ્પેશ્યાલાઈઝેશન- બાયોટેકનોલોજી, નેચરલ પ્રોડક્ટસ અને ફાર્માસ્યુટિકલ્સ સાથે વર્ષ 2010માં કરવામાં આવી હતી. તે પછી વધુ ત્રણ સ્પેશ્યાલાઈઝેશન- ફાર્માસ્યુટિકલ એનાલિસીસ, મેડીસીનલ કેમિસ્ટ્રી અને ફાર્મોકોલોજી તથા ટોક્સીકોલોજીનો ઉમેરો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વર્ષ 2011માં ભારતના મેડિકલ ડિવાઈસ ઉદ્યોગની જરૂરિયાત સંતોષવા માટે નાઈપર,અમદાવાદની સિધ્ધિઓમાં વધુ એકનો ઉમેરો કરીને મેડિકલ ડિવાઈસીસનું સ્પેશ્યાલાઈઝેશન શરૂ કરવામાં આવ્યું હતું.