એકબીજાની જાની દુશ્મન કેમ બની પાટીદારોની બે મોટી સંસ્થા, માથાકૂટનું અસલી કારણ આવ્યું સામે

Khodaldham Vs Sardardham : સરદાર ધામના ઉપ પ્રમુખ જયંતી સરધારા પર જૂનાગઢના PIએ હથિયારથી હુમલો કર્યાનો આરોપ...સીસીટીવીમાં PIના હાથમાં હથિયાર ન હોવાનો ખુલાસો.... બે સામાજિક સંસ્થાના અગ્રણીઓ વચ્ચેની લડાઈમાં કોણ સાચુ કોણ ખોટું તે સવાલ...

એકબીજાની જાની દુશ્મન કેમ બની પાટીદારોની બે મોટી સંસ્થા, માથાકૂટનું અસલી કારણ આવ્યું સામે

Khodaldham and Sardardham Dispute ગૌરવ દવે/રાજકોટ : લેઉવા પાટીદાર આગેવાન અને સરદારધામના સૌરાષ્ટ્ર ઝોનના ઉપપ્રમુખ જયંતિ સરધારા પર હુમલાની ઘટના સામે આવી હતી. જૂનાગઢ SRPના પીઆઇ અને ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી સંજય પાદરીયા દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. જોકે આ હુમલાની ઘટનાએ સામાજિક રૂપ ધારણ કર્યું અને ખોડલધામ અને સરદારધામ વચ્ચેનું કોલડવોર સામે આવ્યું. ભોગ બનનાર જયંતિ સરધારાએ હોસ્પિટલના બિછાને થી ખોડલધામના ચેરમેન નરેશ પટેલનું નામ લેતા વિવાદ વકર્યો હતો.

  • પાટીદાર આગેવાન પર હુમલો
  • ખોડલધામ-સરદારધામ વચ્ચે સામાજિક ઘમાસાણ!
  • 25-50 લાખના દાન કરતા દાતાઓ લઈ જતા વિવાદ! 
  • ‘ખોડલધામ બોદું છે...’ નિવેદનથી શરૂ થઈ વર્ચસ્વની લડાઈ શરૂ !

ખોડલધામ ટ્રસ્ટના પ્રવક્તા હસમુખ લુણાગરિયાએ આ હુમલાની ઘટનાને વ્યક્તિગત ગણાવી હતી. ખોડલધામ ટ્રસ્ટને આ ઘટના સાથે કોઈ લેવા દેવા ન હોવાનું કહીને છેદ ઉડાવી દીધો હતો. ખોડલધામ ચેરમેન નરેશ પટેલ હાલ વિદેશમાં છે અને તેમને પણ આ ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ખોડલધામ અને સરદારધામ વચ્ચે કોઈ જ વિવાદ ચાલતો ન હોવાનું જણાવ્યું હતું. જોકે આ મામલે નરેશ પટેલ વિદેશથી રાજકોટ ફરીને પાટીદાર સમાજના આગેવાનો સાથે બેઠક કરશે.

સમગ્ર મામલે જયંતિ સરધારા દ્વારા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી હતી. જેમાં જૂનાગઢના પીઆઇ સંજય પાદરીયા દ્વારા હથિયાર બતાવી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે તાલુકા પોલીસે પણ હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કર્યો છે. આ ફરિયાદ નોંધાયા બાદ ખુલાસો એ થયો હતો કે, સંજય પાદરીયા તો ઓફિશિયલ રજા પર હતા અને તેને કારણે તેનું હથિયાર પોલીસમાં જમા હતું. સંજય પાદરીયા પાસે હથિયાર જ નહોતું તો પોલીસે હથિયારનો FIR માં કઈ રીતે ઉલ્લેખ કર્યો તેને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે

પાટીદારોની બે સંસ્થાઓ વચ્ચે વર્ચસ્વની લડાઈ
ખોડલધામ ટ્રસ્ટ વર્ષોથી લેઉવા પાટીદાર સમાજની માતૃ સંસ્થા છે. ખોડલધામ ટ્રસ્ટ સામાજિક પ્રવૃતિઓની સાથે સાથે શૈક્ષણિક પ્રવૃતિઓ પણ ચલાવે છે. જેમાં GPSC અને UPSC સહિત સ્પર્ધાત્મક કલાસ ચલાવે છે. જોકે બે વર્ષ થી સરદારધામ ટ્રસ્ટે સૌરાષ્ટ્ર ઝોનની સંસ્થા શરૂ કરી છે. સરદારધામ ટ્રસ્ટમાં લેઉવા અને કડવા બન્ને સમાજના આગેવાનો જોડાયા છે. ખોડલધામ ટ્રસ્ટના સોમનાથ લેઉવા પાટીદાર ભવનના ટ્રસ્ટી જયંતી સરધારા પણ સરદારધામ સાથે જોડાયા અને 8 મહિના પહેલા જ ઉપપ્રમુખ બન્યા હતા. જયંતિ સરધારા જ્યારથી સરદારધામના ઉપપ્રમુખ બન્યા ત્યારથી ખોડલધામના દાતાઓને સરદારધામ તરફ વાળી રહ્યા છે અને ટ્રસ્ટીઓ બનાવી રહ્યા છે. જેને કારણે ખોડલધામ ટ્રસ્ટ સાથેના સંબંધો વણસી રહ્યા હતા. ખોડલધામ અને સરદારધામ વચ્ચે હવે આ લડાઈ વર્ચસ્વની લડાઈ બની છે.

25-50 લાખ આપો અને ટ્રસ્ટી બનો! આર્થિક નુકસાન જવાબદાર?
પાટીદાર અગ્રણીઓ પાસેથી માહિતી મુજબ, સામાજિક સંસ્થાઓમાં ટ્રસ્ટીઓ બનવા માટે 25 લાખથી 50 લાખ સુધીના દાન આપવામાં આવે છે. જે જાહેર કાર્યક્રમોમાં સ્ટેજ પરથી દાનની રકમો બોલવામાં આવે છે. ટ્રસ્ટીઓ બનાવવા આર્થિક લાભ દરેક સામાજિક સંસ્થાઓ લેતી હોય છે. સરદારધામ ટ્રસ્ટે સૌરાષ્ટ્ર ઝોનની સંસ્થા શરૂ કરતાં ટ્રસ્ટીઓ બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી. સરદારધામ સાથે જે લોકો જોડાય છે તેઓ ક્યાંક ખોડલધામથી નારાજગી ધરાવતા હતા. એટલું જ નહીં ખોડલધામ ટ્રસ્ટમાં નવા ટ્રસ્ટીઓ જોડાવાને બદલે જે ટ્રસ્ટીઓ છે તેમાં પણ ભાગ પડી રહ્યો છે. સરદારધામના ટ્રસ્ટીઓ દાતાઓને ખોડલધામને બદલે સરદારધામ તરફ વાળી રહ્યા છે, તેને કારણે ખોડલધામને આર્થિક નુકસાની સહન કરવી પડી રહી છે. જોકે સામાજિક સંસ્થાઓ ભલેને સામાજિક કાર્યના દાવાઓ કરતી હોય પરંતુ આર્થિક નુકસાન કોઈને થાય તે પોસાય નહિ.

સરદારધામના ટ્રસ્ટી ખુલીને ખોડલધામ નરેશ પટેલ પર લગાવે છે આરોપ
સરદારધામના ટ્રસ્ટી શર્મિલા બાંભણીયા આ હુમલાની ઘટનામાં ખુલીને ખોડલધામ ચેરમેન નરેશ પટેલને ટાર્ગેટ કરી રહ્યા છે. શર્મિલા બાંભણીયાએ કહ્યું હતું કે, આ ઘટના નિંદનીય છે. પીઆઇ સંજય પાદરિયા નરેશ પટેલ કહે એટલું જ પાણી પીવે છે. રાજ્યના ગૃહમંત્રીએ આ બાબતે ધ્યાન દેવું જોઈએ. કોઈ એક જ વ્યક્તિનું સમાજમાં વર્ચસ્વ હોઈ તેવું ન ચાલે. સરદારધામ અનેક સેવાકીય કાર્ય સાથે આગળ વધી રહ્યું છે

ખોડલધામ બોદુ છે! હોદ્દેદારોથી કાંઈ ઉકળતું નથી : જયંતિ સરધારા પર આરોપ
રાજકોટ ભાજપના પૂર્વ કોર્પોરેટર અને સરદારધામ સૌરાષ્ટ્રના ઉપપ્રમુખ જયંતિ સરધારા પર હુમલા મામલે નવો વળંક આવ્યો છે. 8 મહિના પૂર્વે સરદારધામ સૌરાષ્ટ્રના ઉપપ્રમુખ જયંતિ સરધારા બન્યા છે. પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગ દરમિયાન આઈસ્ક્રીમ કાઉન્ટર પાસે જયંતિ સરધારા દ્વારા ખોડલધામને લઈને ટિપ્પણી કરવામાં આવી હતી. જેમાં ‘ખોડલધામ બોદુ છે! હોદ્દેદારોથી કઈ ઉકળતું નથી’ સહિતના વિધાનો કહેવામાં આવ્યા હોવાની ચર્ચા છે. જે ટિપ્પણી બાદ પી.આઈ સંજય પાદરીયા અને જયંતિ સરધારા વચ્ચે બોલાચાલી થઈ હતી.જે પાર્ટી પ્લોટની બહાર નીકળ્યા બાદ બોલાચાલી મારામારીમાં પરિવર્તિત થઈ હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news