અચાનક કેમ કપલ્સને લઈને પોલીસી બદલી રહ્યું છે OYO? થાઈલેન્ડ અને અમેરિકાના રસ્તે ચાલ્યું કે શું
જે ઓયો પોતાની પોલીસીના કારણે જાણીતું થઈ ગયું હતું તેણે અચાનક કેમ કપલ્સ પોલીસીમાં ફેરફાર લાવવાનું કામ કરવા માંડ્યુ? તેની પાછળનું કારણ ક્યાંક અમેરિકા અને થાઈલેન્ડ જેવા તો નથી.....
ટ્રાવેલ બુકિંગ કરનારી કંપની OYO એ રવિવારે પોતાની ચેક ઈન પોલીસીમાં એક મોટો ફેરફાર કર્યો. નવા નિયમો મુજબ હવે કપલ્સે હોટલમાં ચેકઈન કરવા માટે પોતાના સંબંધોનું પ્રુફ આપવું પડશે. ઓનલાઈન કે ઓફલાઈન બંને પ્રકારના બુકિંગ કરવા માટે આ દસ્તાવેજ જરૂરી હશે. હાલ કંપનીનો આ નિયમ મેરઠમાં ટ્રાયલ તરીકે શરૂ કરાયો છે. પરંતુ હવે સવાલ એ ઉઠે છે કે ઓયો પોતાની જે ખાસિયતના કારણે આટલું જાણીતું થયું અને એક મોટી બ્રાન્ડ બન્યું તે હવે તેની ઈમેજ બદલવાની તૈયારીઓ કેમ કરે છે. શું આ કંપનીની રણનીતિનો એક ભાગ છે. એવા અનેક ઉદાહરણ છે કે જ્યારે કોઈ દેશ કે કંપનીએ પોતાની ઈમેજ બદલીને બ્રાન્ડ વધુ મજબૂત કરી હોય...
જ્યારે થાઈલેન્ડે બદલી રણનીતિ
એક સમય હતો જ્યારે થાઈલેન્ડની ઈમેજ સેક્સ ટુરિઝમ અંગે પ્રચલિત હતી. પરંતુ 2000 આવતા સુધીમાં થાઈલેન્ડની રેસ્ટોરન્ટની માંગણી દુનિયાભરમાં અચાનક વધી. થાઈ વાનગીઓ લોકપ્રિય થઈ. પેડ થાઈ નામની ડિશ મશહૂર થઈ. સ્થિતિ એવી થઈ કે 2001થી લઈને 2019 વચ્ચે થાઈલેન્ડમાં પર્યટકોની સંખ્યા 10 મિલિયનથી વધીને 39.8 મિલિયન પહોંચી ગઈ. કોરોના મહામારી પહેલા થાઈલેન્ડ દુનિયાનો આઠમું સૌથી વધુ વિઝિટ કરાયેલો દેશ બન્યો હતો.
વાત જાણે એમ હતી કે થાઈલેન્ડની પોતાની આ ઈમેજમાં ફેરફાર પાછળ સરકારની મોટી રણનીતિ હતી. લોકોને ટ્રેનિંગ અપાઈ હતી. વૈશ્વિક સ્તરે અનેક પહેલ કરાઈ હતી. વાનગીઓનો ખુબ પ્રચાર કરાયો હતો. લોકોને ઓફરો અપાઈ હતી.
અમેરિકામાં પણ ઉદાહરણ
અમેરિકા અંગે પણ એક સમયે દુનિયામાં એવી ધારણા બની ગઈ હતી કે ત્યાં ખાવામાં ફક્ત બર્ગર અને હોટ ડોગ સારા મળે છે. પરંતુ અમેરિકાએ આ ઈમેજ બદલવા માટે એક ખાસ રણનીતિ બનાવી. અમેરિકાએ વ્હાઈટ હાઉસના લગભગ 80 શેફની એક ટીમ તૈયાર કરી અને તેમને સ્થાનિક અને સાઉથ અમેરિકન ડીશ બનાવવાનું કહ્યું. આ શેફને દુનિયાભરમાં મોકલવામાં આવ્યા. ફૂડ રિલેટેડ ઈવેન્ટનું આયોજન થયું.
આવી જ રીતે અનેક દેશોએ અને કંપનીઓએ પોતાની ઈમેજ બદલીને બ્રાન્ડ વધુ મજબૂત કરી. હવે આવામાં સવાલ એ ઉઠે છે કે શું ઓયો પણ એ જ રસ્તે છે? તેને સમજવા માટે પહેલા આ કંપનીની જર્ની સમજવી પડશે.
2013માં શરૂ થઈ કંપની
ઓયોની શરૂઆત 2013માં રિતેશ અગ્રવાલે કરી હતી. ત્યારે કંપનીએ સસ્તી હોટલોને ટાર્ગેટ કરી હતી. કંપનીને ઓળખ મળવા પાછળ બે મોટા કારણ હતા. પહેલું તો એ કે કંપની ખુબ જ સસ્તા ભાવમાં હોટલ રૂમ ઉપલબ્ધ કરાવતી હતી. જેના કારણે નાના શહેરોમાં પણ સસ્તી હોટલો ખુલવા લાગી હતી. બીજુ એ કે હોટલ અનમેરિડ કપલ્સ માટે પણ કોઈ પણ મુશ્કેલીઓ વગર ઉપલબ્ધ હતી. આ ખાસિયતોના કારણે ઓયો દરેકના મોઢે ચડેલું હતું. સ્થિતિ એવી પેદા થઈ કે હોટલ બુક કરાવવાની જગ્યાએ લોકો ઓયો બુક કરાવી લઈએ...એવું બોલતા થઈ ગયા.
વિવાદનું કારણ પણ બની
ઓયોની આ ખાસિયત તેના વિવાદનું કારણ પણ બની. અનેકવાર તેની પોલીસીને લઈને વિવાદ થઈ ચૂક્યો છે. મેરઠમાં પણ અનમેરિડ કપલ્સવાળી પોલીસીને લઈને પ્રદર્શન થયું હતું. હોટલથી વીડિયો લીક થવા અને વેરિફિકેશન ન થવાના કારણે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંગે પણ ઓયો સવાલના ઘેરામાં રહ્યું. કેટલાક સામાજિક સંગઠનોએ પણ ઓયો વિરુદ્ધ અરજી નાખી હતી.
બદલી રહ્યું છે રણનીતિ?
મેરઠથી શરૂ થયેલી ઓયોની પહેલ તેની રણનીતિનો ભાગ હોઈ શકે છે. વાત જાણે એમ છે કે આ બધા વિવાદો વચ્ચે હવે ઓયો પોતાની જૂની ઈમેજ બદલવાની કોશિશમાં છે. કંપની પોતાને ફેમિલી, સ્ટુડન્ટ્સ, બિઝનેસ ટ્રિપ્સ, ધાર્મિક મુસાફરીઓ અને સોલો ટ્રિપ માટે સેફ અને સહજ બનાવવાની કોશિશમાં છે. તે પોતાની બ્રાન્ડિંગને પણ હવે આ ફેરફાર સાથે આગળ વધારવા માંગે છે. કંપનીના આ ફેરફારનો હેતુ વિઝિટર્સ વચ્ચે વિશ્વસનીયતા મજબૂત કરવાનો છે.
ચેક ઈન પોલીસીમાં થયેલા ફેરફાર પહેલા ઓયો પોતાની રણનીતિઓમાં ફેરફારની શરૂઆત કરી ચૂક્યું છે. હકીકતમાં ઓયો સમગ્ર દેશમાં સેફ હોસ્પિટાલિટીને લઈને પોલીસ અને હોટલ ચેન્સ સાથે સંયુક્ત સેમિનાર આયોજિત કરી રહ્યું છે. ઓયો સતત અનૈતિક ગતિવિધિઓમાં સામેલ હોટલોને બ્લેકલિસ્ટ કરવા અને કંપનીના નામ પર ચાલતી ફેક હોટલો ઉપર પણ એક્શન લઈ રહ્યું છે.
80થી વધુ દેશોમાં વેપાર
ઓયોના બિઝનેસ મોડલનો અંદાજો એ વાત પરથી પણ લગાવી શકાય કે 2020ના આંકડા મુજબ આ કંપનીનું નેટવર્ક એશિયા, યુરોપ, અને અમેરિકા સહિત 80 દેશોના 800 શહેરોમાં ફેલાયેલું છે. 43 હજારથી વધુ હોટલ ઓયો બ્રાન્ડ હેઠળ સંચાલિત થાય છે. દેશની બહાર સૌથી પહેલા ઓયોએ મલેશિયામાં ડગ માંડ્યા હતા. જ્યારે 2016માં ત્યાં સંચાલન શરૂ થયું હતું. કંપનીના આંકડા મુજબ 2021 આવતા સુધીમાં વૈશ્વિક સ્તર પર 100 મિલિયનથી વધુ લોકો પાસે ઓયો એપ ડાઉનલોડ હતી. 2019માં આવેલા રિપોર્ટ મુજબ વૈશ્વિક સ્તર પર ઓયોએ 17 હજારી વધુ લોકોને રોજગારી આપી હતી. જેમાં 8 હજારથી વધુ લોકો ભારત અને સાઉથ એશિયાના છે.
રેવન્યૂની રીતે જોઈએ તો 2019ના નાણાકીય વર્ષમાં કંપનીની રેવન્યૂ 6329 કરોડ રૂપિયા હતી. જે 2020માં વધીને 13168 કરોડ રૂપિયા થઈ. 2022માં 4781 , 2023માં 5464 તો ફાઈનાન્શિયલ યર 2024માં 5388 કરોડ રૂપિયા હતી. રિપોર્ટ મુજબ વર્ષ 2024માં કંપનીને પહેલીવાર નફો થયો હતો. આ કંપનીમાં જાપાની મલ્ટીનેશનલ કંપની SoftBank ની લગભગ 47 ટકા ભાગીદારી છે. જ્યારે રિતેશ અગ્રવાલની આ કંપનીમાં 33 ટકાથી વધુની ભાગીદારી છે.