ઝી બ્યૂરો, અમદાવાદઃ નાગપુરની રહેવાસી પલ્લવી મોહાડીકર પુણેમાં હસ્તકલાની સાડીઓનું સ્ટાર્ટઅપ ચલાવે છે. તેમની પાસે ચંદેરી, બનારસી, ચિકનકારી, કોસા સિલ્ક સહિત વિવિધ પ્રકારની સાડીઓનું કલેક્શન છે. તેની સાથે દેશભરમાંથી 1800થી વધુ વણકરો જોડાયેલા છે. ભારત સિવાય, તે 17 અન્ય દેશોમાં પણ પોતાના ઉત્પાદનનું માર્કેટિંગ કરી રહી છે. અત્યારે તેને દર મહિને 10 હજારથી વધુ ઓર્ડર આવી રહ્યા છે અને તેનું વાર્ષિક ટર્નઓવર 60 કરોડ છે. વણકર પરિવાર સાથે સંકળાયેલી પલ્લવીએ કરોડોની કંપની કેવી રીતે સ્થાપી ચાલો જોઈએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાળપણમાં નક્કી કર્યુ હતું કે વણકરોનું જીવન બદલવું છે:
પલ્લવીના પરિવારની આર્થિક સ્થિતિ બહુ સારી નહોતી. તેથી તેને અભ્યાસ દરમિયાન ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. IIM લખનઉમાંથી MBA કરતી વખતે પોતાના અભ્યાસના ખર્ચને પહોંચી વળવા ચિકનકારી સાડીનું પાર્ટ-ટાઇમ માર્કેટિંગ કરવાનું શરૂ કર્યુ હતુ. પલ્લવીએ સ્થાનિક કારીગરો પાસેથી સાડીઓ ખરીદીને સોશિયલ મીડિયા દ્વારા ઓનલાઇન માર્કેટિંગ કરવાનું શરૂ કર્યુ. આમાંથી જે પણ પૈસા મળતા, તેનાથી તેની જરૂરિયાતો પૂરી થતી હતી.


32 વર્ષીય પલ્લવી કહે છે કે બાળપણથી મેં વણાટનું કામ નજીકથી જોયું છે. મારો પરિવાર વણાટકામ સાથે જોડાયેલો છે. દાદા કોસા સિલ્કમાંથી હસ્તકલાની સાડીઓ બનાવતા હતા. તેથી વણકરોને જે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તેનાથી હું સારી રીતે પરિચિત છું. કામ કરતા-કરતા વણકરોનું આખું જીવન પસાર થઈ જાય છે, પરંતુ તેમની હાલત એ જ રહે છે. મેં મારા અભ્યાસ દરમિયાન નક્કી કર્યું હતું કે મારે બદલાવ લાવો પડશે. વણકરોના જીવનને વધુ સારું બનાવવા માટે પ્રયાસ કરવો પડશે.


સ્ટાર્ટઅપ 5 વણકરો સાથે શરૂ થયું:
વર્ષ 2014માં, IIM લખનઉથી MBA કર્યા બાદ, પલ્લવીને નોકરી મળી. પગાર અને પદ બંને સારા હતા, તેમ છતા તેનુ મન લાગતુ નહતું. વણકરોની તકલીફ અંગેના વિચારો વારંવાર આવતા હતા. તેથી થોડા વર્ષો પછી તેણે નોકરી છોડી દીધી અને 2017માં પતિ સાથે મળીને 5 વણકરો સાથે પુણેમાં સ્ટાર્ટઅપ શરૂ કર્યું. સૌ પ્રથમ, પલ્લવીએ વણકરો સાથે વાત કરી, તેમને પોતાના સ્ટાર્ટઅપનો આઈડિયા સમજાવ્યો અને તેમની પાસેથી તેમની માંગ મુજબ ઉત્પાદનો બનાવવાનું શરૂ કર્યું.
ઓસડીયુ


પલ્લવી જણાવે છે કે, બિઝનેસ માટેનું અમારું બજેટ ખૂબ મર્યાદિત હતું. તેથી અમે ભાડાના ફ્લેટમાં એક રૂમ રાખ્યો.જેમાં અમે અમારા કામ માટે રહેતા હતા. પૈસા બચાવવા માટે અમે પેકેજિંગ, પ્રિન્ટિંગ અને પ્રોસેસિંગનું કામ જાતે કરતા હતા. આ પછી karagiri.com નામની પોતાની વેબસાઇટ બનાવી. વેબસાઈટ પર પોતાની પ્રોડક્ટના ફોટા અને વિગતો અપલોડ કરી અને સોશિયલ મીડિયા દ્વારા પ્રમોશન શરૂ કર્યું. આ રીતે, ધીરે ધીરે એકથી બે, બેથી ચાર ઓર્ડર અમારી પાસે આવવા લાગ્યા.


દેશના વિવિધ ભાગોમાં ગયા, વણકરોને મળ્યા:
પલ્લવી કહે છે કે જ્યારે અમને યોગ્ય ઓર્ડર મળવા લાગ્યા ત્યારે અમે નક્કી કર્યું કે દેશના બાકીના ભાગમાં રહેતા વણકરોને પણ અમારા કામમાં સામેલ કરવા જોઈએ. આ પછી મેં મારા પતિ સાથે દેશના વિવિધ રાજ્યોમાં જવાનું શરૂ કર્યું. અમે જ્યાં પણ ગયા, અમે કારીગરોને મળ્યા, તેમના ઉત્પાદનોનું વિશ્લેષણ કર્યું અને તેમની કિંમત અને બચત વિશેની જાણકારી મેળવી. આ સમય દરમિયાન અમે જોયું કે મોટાભાગના વણકરોની હાલત સારી નહોતી. તેઓ તમામ પ્રકારની પ્રોડક્ટ બનાવતા હતા, પરંતુ માર્કેટિંગ કરી શકતા ન હતા, તેમને યોગ્ય કિંમત પણ મળતી ન હતી. અમે તેમને ખાતરી આપી હતી કે અમે તેમના ઉત્પાદનોનું માર્કેટિંગ કરીશું અને તેમના કામની બ્રાન્ડિંગ કરીશું. જેથી તેમને નાણાંની સાથે પોતાની ઓળખ પણ મળી શકે. પલ્લવીએ ધીમે ઘીમે પોતાના કામનો વિસ્તાર વધાર્યો. વિવિધ સ્થળોએથી વણકરો પાસેથી તેમના ઉત્પાદનો મંગાવવાનું શરૂ કર્યું અને પછી તેનું માર્કેટિંગ કરવાનું શરૂ કર્યું. ધીરે ધીરે લોકો તેમના વિશે જાણતા થયા અને વણકર એક પછી એક તેમની સાથે જોડાયા. અત્યારે દેશભરમાંથી 1800થી વધુ વણકર પલ્લવી સાથે કામ કરે છે.


કેવી રીતે કરે છે કામ? બિઝનેસ મોડલ શું છે?
પલ્લવી અને તેના પતિ ડૉ. અમોલ પટવારી સાથે મળીને આ સ્ટાર્ટઅપનું સંચાલન કરે છે. તેની ટીમમાં 35 લોકો કામ કરે છે. કામના મોડેલ અંગે પલ્લવી કહે છે કે અમે દેશના વિવિધ રાજ્યોમાં કારીગરો સાથે જોડાણ કર્યું છે. અમે લોકોની ડિમાન્ડ મુજબ ડિઝાઈન, નમૂનાઓ અને કેટલોગ કારીગરોને મોકલીએ છીએ. આ પછી, તેઓ સમયસર ઉત્પાદન તૈયાર કરે છે અને તેને અમારી ઓફિસમાં મોકલાવે છે. તેમના કામના બદલામાં અમે તેમને સારી રકમ ચૂકવીએ છે.


શું તમે પણ આ પ્રકારના સ્ટાર્ટઅપનું આયોજન કરી રહ્યા છો?
ભારતમાં પરંપરાગત કલાના ક્ષેત્રમાં ઘણો અવકાશ છે. મોટા શહેરોમાં પણ સ્થાનિક કારીગરો દ્વારા બનાવવામાં આવતી પ્રોડક્ટ્સની મોટી માંગ છે. સૌ પ્રથમ વણકરોને મળો, તેમના કામને સમજો. પ્રોડક્ટની કિંમત સમજો અને એ પણ જાણો કે બજારમાં તે પ્રોડક્ટની કિંમત કેટલી છે. જો તમે ગ્રાહકોને ઓછી કિંમતે આ જ પ્રોડક્ટ આપો તો લોકો તમને સારો પ્રતિસાદ આપશે.


જો તમારું બજેટ ઓછું હોય તો તમે નાના સ્તરે બિઝનેસ શરૂ કરો. કેટલાક વણકરોને તમારી સાથે જોડો. સોશિયલ મીડિયા પર તેમના ઉત્પાદનોના વીડિયો અને ફોટા અપલોડ કરો. તમારા સંબંધીઓને મોકલો. તમને ચોક્કસ પ્રતિભાવ મળશે. ઓર્ડર મળ્યા પછી, તમે તે વણકર પાસેથી પ્રોડક્ટ કલેક્ટ કરો અને તમારા ગ્રાહકને મોકલો. જો તમે ઈચ્છો તો, તમે તમારા સંબંધીઓ કે મોટી હસ્તીઓને ભેટના રૂપમાં પણ પ્રોડક્ટ મોકલી શકો છો. આમ કરવાથી તમારુ મફતમાં બ્રાન્ડિંગ થશે. ઓર્ડર અને ડિમાન્ડ વધે એટલે તમે પોતાની પહોંચને વિસ્તૃત કરી શકો છો અને અન્ય વણકરોને પણ પોતાની સાથે જોડી શકો છો. સોશિયલ મીડિયા પર પેઈડ એડ રન કરો અને સતત પોસ્ટ કરતા રહો.