`એર ઈન્ડિયા`માં કરો છો મુસાફરી? આ અહેવાલ ખાસ વાંચો, નહીં તો ભરપેટ પસ્તાશો
એર ઈન્ડિયાના મુસાફરો માટે એક માઠા સમાચાર આવ્યાં છે. મુસાફરોએ હવે વિમાનના આગળ અને મધ્ય ભાગમાં વચ્ચેની સીટ મેળવવા માટે વધુ કિંમત ચૂકવવી પડશે.
નવી દિલ્હી: સરકાર હસ્તક એર ઈન્ડિયાના મુસાફરો માટે એક માઠા સમાચાર આવ્યાં છે. મુસાફરોએ હવે વિમાનના આગળ અને મધ્ય ભાગમાં વચ્ચેની સીટ મેળવવા માટે વધુ કિંમત ચૂકવવી પડશે. વિમાન કંપનીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આ પગલાંથી વધારાની આવક મેળવી શકાશે. જે હાલની કુલ આવકના એક ટકા ઓછી છે.
રોકાણની પ્રક્રિયામાંથી પસાર થઈ રહેલી એર ઈન્ડિયા હવે વિમાનના મધ્ય ભાગની મધ્ય બેઠકોના આગળના રિઝર્વેશન માટે મુસાફરો પાસેથી વધુ રૂપિયા વસૂલશે. હાલ વિમાનની આગળની લાઈન, બલ્ક હેડ (વિમાનના બે કક્ષોને અલગ કરનારો ભાગ) અને ઈમરજન્સી એક્ઝીટ પાસેની બેઠકો માટે લોકોએ વધુ કિંમત ચૂકવવી પડે છે. આ બેઠકો પર પગ રાખવાની જગ્યા વધુ હોય છે.
ટ્રાવેલ એજન્ટોને મોકલેલી સૂચનામાં એર ઈન્ડિયાએ કહ્યું કે આગળની લાઈનની મધ્ય બેઠકો અને વિમાનની મધ્ય લાઈનની વચ્ચેની બેઠકો માટે વધુ કિંમત લાગશે. જો કે વિમાનના પાછળના ભાગની બારી, પેસેજ અને મધ્ય સહિત કોઈ પણ બેઠક માટે કોઈ વધારાનું ભાડું લાગશે નહીં. નાના વિમાનોની છેલ્લેથી 7થી 8 લાઈનો અને મોટા વિમાનોની છેલ્લેથી 9થી 14 લાઈનો પર કોઈ વધારાનો બોજ આવશે નહીં.
ડોમેસ્ટિક ફ્લાઈટ અને કેટલીક ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ માટે મધ્ય સીટો માટે રિઝર્વેશનના 100 રૂપિયા લાગશે. આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ માટે કિંમત 200 રૂપિયા કે સ્થાનિક મુદ્રા મુજબ રહેશે.