ટૂંક સમયમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં થશે કમરતોડ વધારો, ખાસ જાણો કારણ
કોટક ઈન્સ્ટિટ્યૂશનલ ઈક્વિટિઝના રિપોર્ટમાં આ અંગે જણાવવામાં આવ્યું છે.
નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં જલદી 4 રૂપિયે લીટર સુધીનો વધારો થઈ શકે છે. કોટક ઈન્સ્ટિટ્યૂશનલ ઈક્વિટિઝના રિપોર્ટમાં કહેવાયું છે કે જો સાર્વજનિક ક્ષેત્રની પેટ્રોલિયમ કંપનીઓ કર્ણાટક ચૂંટણી પહેલાના માર્જિનમાં પાછી ફરવા માંગતી હોય તો તેમણે ભાવોમાં ચાર રૂપિયે લીટર સુધીનો વધારો કરવો પડશે. કર્ણાટક ચૂંટણી સમાપ્ત થયા બાદ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિ.એ સોમવારે 19 દિવસ બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં વધારો કર્યો હતો.
ચાર દિવસમાં 69 પૈસા મોંઘુ થયું પેટ્રોલ
ત્યારબાદથી પેટ્રોલના ભાવ 69 રૂપિયા પ્રતિ લીટર વધી ચૂક્યા છે. તેમાંથી 22 પૈસા પ્રતિ લીટરનો વધારો આજે કરાયો છે. જેનાથી દિલ્હીમાં પેટ્રોલ 75.32 રૂપિયા લીટર સુધી પહોંચી ગયું છે. જે છેલ્લા પાંચ વર્ષમાં સર્વોચ્ચ સ્તરે છે. જ્યારે ડીઝલના ભાવમાં 86 પૈસા લીટરનો વધારો કરવામાં આવ્યો છે. જેમાંથી 22 પૈસાનો વધારો આજે કરાયો છે. દિલ્હીમાં ડીઝલ 66.79 રૂપિયા પ્રતિ લીટરના પોતાના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યું છે.
આ રીતે માર્જિન સુધી પહોંચશે કંપનીઓ
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અમારી ગણતરી મુજબ કંપનીઓએ ડીઝલના ભાવોમાં સાડા ત્રણથી ચાર રૂપિયા પ્રતિ લીટર અને પેટ્રોલના ભાવોમાં 4 થી 4.55 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કરવો પડશે. ત્યારે તેઓ 2.7 રૂપિયા લીટરનો ગ્રોસ માર્કેટિંગનો માર્જિન મેળવી શકશે.
કેમ વધશે ભાવ?
કોટક ઈક્વિટિઝના રિપોર્ટમાં કહેવાયું છે કે આ વધારા પાછળનું અનુમાન રૂપિયો ડોલરના વિનિમય દર સ્થિર રહેવાના અનુમાન પર આધારિત છે. ગત સપ્તાહે આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝે કહ્યું હતું કે વાહન ઈંધણના શુદ્ધ ગ્રોસ માર્કેટિંગ માર્જિન 31 પૈસા પ્રતિ લીટરના નીચલા સ્તર પર છે કારણ કે 24 એપ્રિલ બાદ ભાવોમાં વધારો થયો નથી.
મોંઘવારી પણ વધશે
પેટ્રોલ અને ડીઝલ મોંઘા થવાથી મોંઘવારી વધવાનું પણ નક્કી માનવામાં આવી રહ્યું છે. હવે ક્રુડ મોંઘુ થવા પર પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં પણ વધારો થવાથી મોંઘવારી વધવાનો ખતરો છે. જાણકારનું માનવું છે કે મોંઘવારીમાં થોડી હદ સુધી વધારો થશે.
ગ્રોથ ઉપર પણ પડશે અસર
સીનિયર એનાલિસ્ટ અરુણ કેજરીવાલના જણાવ્યાં મુજબ પેટ્રોલ-ડીઝલ મોંઘુ થવાથી દેશના ગ્રોથ પર ખરાબ અસર પડશે. સરકારની નાણાકીય ખાદ્ય અને ચાલુ ખાતા ખાદ્ય બંને વધી શકે છે. ડોલરની સરખામણીમાં રૂપિયો વધુ નબળો થઈ શકે છે. જેની અસર ઈમ્પોર્ટ અને ઈમ્પોર્ટ થનારી વસ્તુઓ પર સ્પષ્ટ જોવા મળશે. બંને મોંઘી થશે.
કેમ વધી રહ્યા છે ક્રુડ ઓઈલના ભાવ?
ક્રુડ ઓઈલના ભાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ઈરાન પર અમેરિકાના પ્રતિબંધ બાદથી ક્રુડ ઓઈલનો ભાવ 75 ડોલર પ્રતિ બેલર બન્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે 2015ની ઈરાન પરમાણુ સંધિને ખતમ કરી નાખી છે. અમેરિકાએ ફરીથી ઈરાન પર આર્થિક પ્રતિબંધ લગાવ્યાં છે. અત્રે જણાવવાનું કે ઈરાન ઓપેકનો ત્રીજો સૌથી મોટો ક્રુડ ઓઈલ ઉત્પાદક દેશ છે. જ્યારે ક્રુડ ઉત્પાદક દેશોના સંગઠન ઓપેક અને રશિયાએ આગળ પણ તેલ ઉત્પાદનમાં કપાત જારી રાખવાનો નિર્ણય કર્યો છે. જેના કારણે ક્રુડ ઓઈલ મોંઘુ બન્યું છે.