Manmohan Singh Death: ભારતીય અર્થવ્યવસ્થાના 'ભીષ્મ પિતામહ' ડો. મનમોહન સિંહની પ્રોફેસરથી લઈને દેશના વડાપ્રધાન સુધીની સફર

Manmohan Singh Biography: 92 વર્ષની વયે ભારતના પૂર્વ વડાપ્રધાન અને અર્થશાસ્ત્રી ડો. મનમોહન સિંહનું નિધન થયું છે. ભારતીય રાજનીતિ અને આર્થિક સુધારામાં તેમનું યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે.
 

Manmohan Singh Death: ભારતીય અર્થવ્યવસ્થાના  'ભીષ્મ પિતામહ' ડો. મનમોહન સિંહની પ્રોફેસરથી લઈને દેશના વડાપ્રધાન સુધીની સફર

Manmohan Singh Biography: 92 વર્ષની વયે ભારતના પૂર્વ વડાપ્રધાન અને અર્થશાસ્ત્રી ડો. મનમોહન સિંહનું નિધન થયું છે. ભારતીય રાજનીતિ અને આર્થિક સુધારામાં તેમનું યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે. 1991માં ભારતીય અર્થવ્યવસ્થાને ઉદારીકરણના માર્ગ પર લઈ જનાર ડો. મનમોહન સિંહનું યોગદાન ક્યારેય ભૂલી શકાય તેમ નથી. તેમણે બે કાર્યકાળ (2004-2014) સુધી ભારતના વડાપ્રધાન તરીકે સેવા આપી અને દેશના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

ક્યાથી કર્યો અભ્યાસ, કેવુ રહ્યું હતું પ્રારંભિક જીવન
ડો. મનમોહન સિંહનો જન્મ 26 સપ્ટેમ્બર 1932ના રોજ અવિભાજિત ભારતના પંજાબ પ્રાંતમાં (હવે પાકિસ્તાનમાં) થયો હતો. 1947માં ભારત-પાકિસ્તાનના ભાગલા પછી 14 વર્ષની ઉંમરે તેમનો પરિવાર ભારત આવી ગયો હતો. તેઓ નાનપણથી જ શિક્ષણ પ્રત્યે ઝુકાવ ધરાવતા હતા. તેમણે પંજાબ યુનિવર્સિટીમાંથી પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યું. ત્યારબાદ તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં ડોક્ટરેટની પદવી મેળવી હતી.

શિક્ષણ અને વહીવટી કારકિર્દી
ડો. સિંહે પોતાની કારકિર્દીની શરૂઆત શિક્ષક તરીકે કરી હતી. તેમણે પંજાબ યુનિવર્સિટી, દિલ્હી સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ અને દિલ્હી યુનિવર્સિટીમાં ભણાવ્યું. શિક્ષણ પછી તેમણે વહીવટી સેવાઓમાં પ્રવેશ કર્યો. 1972 થી 1976 સુધી તેઓ ભારત સરકારના મુખ્ય આર્થિક સલાહકાર હતા. આ પછી તેમણે 1982 થી 1985 સુધી ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર તરીકે કાર્ય કર્યું. 1985 થી 1987 સુધી તેઓ આયોજન પંચના અધ્યક્ષ પણ રહ્યા હતા.

ભારતીય અર્થવ્યવસ્થાના આર્કિટેક્ટ
1991માં જ્યારે ભારત ગંભીર આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે ડો. મનમોહન સિંહે તત્કાલીન વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવની સરકારમાં નાણામંત્રીનું પદ સંભાળ્યું હતું. તેમણે ભારતીય અર્થતંત્રને ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ તરફ લઈ જનાર ઐતિહાસિક સુધારા કર્યા હતા. તેમની નીતિઓએ ભારતને આર્થિક સંકટમાંથી બહાર કાઢ્યું અને વૈશ્વિક મંચ પર એક મજબૂત અર્થતંત્ર તરીકે સ્થાપિત કર્યું. તેમની શ્રેષ્ઠ સેવાઓ માટે તેમને 1993 અને 1994માં 'ફાઇનાન્સ મિનિસ્ટર ઓફ ધ યર'નો ખિતાબ આપવામાં આવ્યો હતો.

વડાપ્રધાન તરીકે યોગદાન
2004માં ડો. મનમોહન સિંહ ભારતના 13મા વડાપ્રધાન બન્યા. તેઓ દેશના પ્રથમ શીખ વડાપ્રધાન હતા. તેમના નેતૃત્વમાં ભારતે આર્થિક વિકાસની સાથે-સાથે આંતરરાષ્ટ્રીય મંચ પર પણ પોતાની છબી મજબૂત કરી. તેમના કાર્યકાળ દરમિયાન ઈન્ફોર્મેશન ટેક્નોલોજી અને એજ્યુકેશન ક્ષેત્રમાં મોટા ફેરફારો થયા. 2010માં તેમને સાઉદી અરબના 'ઓર્ડર ઓફ કિંગ અબ્દુલ અઝીઝ' અને 2014માં જાપાનના 'ગ્રાન્ડ કોર્ડન ઓફ ધ ઓર્ડર ઓફ ધ પાઉલોનિયા ફ્લાવર્સ'થી નવાજવામાં આવ્યા હતા.

સન્માન અને સિદ્ધિઓ
1987માં તેમને ભારત સરકાર દ્વારા 'પદ્મ વિભૂષણ'થી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમના નામે અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારો નોંધાયેલા છે. ડો. મનમોહન સિંહ હંમેશા તેમના સાદા જીવન અને પ્રામાણિક છબી માટે જાણીતા રહેશે. તેમણે હંમેશા દેશની પ્રગતિ અને સામાન્ય જનતાના કલ્યાણને પ્રાથમિકતા આપી. તેમનું નિધન ભારત માટે મોટી ખોટ છે. તેઓ એવા નેતા હતા જેમણે ભારતને માત્ર આર્થિક સંકટમાંથી ઉગાર્યું જ નહીં પરંતુ એક સમૃદ્ધ અને સ્થિર દેશનો પાયો પણ નાખ્યો. તેમનું જીવન આવનારી પેઢીઓ માટે પ્રેરણા સ્ત્રોત બની રહેશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news