Petrol Price Today: હાય રે મોંઘવારી...પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરીથી આગ ઝરતો વધારો, જાણો નવા રેટ
મોંઘવારીનો માર ઝેલી રહેલી જનતાને હાલ રાહત મળવાની આશા ઓછી છે. સોમવારે ફરી એકવાર પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારાની જાહેરાત કરાઈ.
નવી દિલ્હી: મોંઘવારીનો માર ઝેલી રહેલી જનતાને હાલ રાહત મળવાની આશા ઓછી છે. સોમવારે ફરી એકવાર પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારાની જાહેરાત કરાઈ. આજથી પેટ્રોલ 80 પૈસા અને ડીઝલ 70 પૈસા પ્રતિ લીટર મોંઘુ થયું છે. નવા ભાવ આજે સવારે 6 વાગ્યાથી લાગૂ થઈ ગયા છે.
100 રૂપિયા પાર ગયું પેટ્રોલ
નવા ભાવ મુજબ જો રાજધાની દિલ્હીની વાત કરીએ તો મંગળવારે અહીં પેટ્રોલના ભાવ 100.21 રૂપિયા પ્રતિ લીટર થયું. જ્યારે ડીઝલનો ભાવ 91.47 રૂપિયા પ્રતિ લીટર થયો. આઠ દિવસમાં આ સાતમીવાર ભાવવધારો થયો છે. આ સાથે અત્યાર સુધીમાં પેટ્રોલના ભાવ લગભગ 4.90 રૂપિયા વધી ચૂક્યા છે. ગુજરાતમાં પણ પેટ્રોલના ભાવ 100 રૂપિયા નજીક પહોંચ્યો છે.
રવિવારે પણ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારાની જાહેરાત થઈ હતી. ત્યારબાદ નવા ભાવ સોમવારથી લાગૂ થયા હતા. ગત 22 માર્ચથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાનો દોર ચાલુ થયો છે. અત્યાર સુધીમાં 4.90 રૂપિયા ભાવ વધારો થઈ ચૂક્યો છે.
મોંઘવારીના મુદ્દે સંસદમાં હંગામો
કેન્દ્ર સરકારે રશિયા-યુક્રેન વચ્ચે છેડાયેલી જંગને આ ભાવવધારાનું કારણ ગણાવ્યું હતું. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઈલના ભાવમાં આવેલા વધારાના કારણે સતત ઓઈલના ભાવમાં વધારો થઈ રહ્યો છે.
ઓઈલના વધતા ભાવ મુદ્દે વિપક્ષ સતત સરકારને ઘેરવાની કોશિશ કરી રહ્યો છે. રાજ્યસભામાં સોમવારે કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષી દળોએ પેટ્રોલના વધતા ભાવના કારણે આકાશે આંબતી મોંઘવારી મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરી. વિપક્ષનો દાવો છે કે આજે દેશમાં જ નહીં પરંતુ દરેક ઘરમાં મોંઘવારીના કારણે બજેટ ખોરવાયેલું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube