Googleની નોકરી છોડી સમોસા વેચવાનું શરૂ કર્યું, આજે વાર્ષિક 50 લાખનું ટર્નઓવર
આ સાંભળીને થોડું વિચિત્ર લાગશે કે સમોસા વેચવા માટે કોઈ ગૂગલની નોકરી કેવી રીતે છોડી શકે છે, પરંતુ આ સત્ય ઘટના છે
મુંબઈઃ ગૂગલ જેવી કંપનીમાં નોકરી મળી ગઈ હોય અને આવી નોકરી કોઈ વ્યક્તિ સમોસા વેચવા માટે છોડી દે એવું ક્યારેય માનવામાં ન આવે. જોકે, મુંબઈની એક વ્યક્તિએ કંઈક આવી જ હિંમત દેખાડી અને ત્યાર બાદ આજે તે વાર્ષિક 50 લાખનું ટર્નઓવર પણ કરે છે અને આગામી વર્ષોમાં આ ટર્નઓવરને 3 થી 4 કરોડ સુધી પહોંચાડવાનો ઈરાદો ધરાવે છે. અમે વાત કરી રહ્યા છીએ મુંબઈમાં 'ધ બોહરી કિચન'ના માલિક મુનાફ કાપડિયાની.
એક જ ઝટકામાં છોડી નોકરી
મુનાફ કાપડિયાએ પોતાની ફેસબુક પ્રોફાઈલમાં લખ્યું છે કે, હું એ વ્યક્તિ છું જેણે સમોસા વેચવા માટે ગૂગલની નોકરી છોડી દીધી છે. જોકે, તે આજે મુંબઈની ફાઈવ સ્ટાર હોટલ અને બોલિવૂડમાં અત્યંત લોકપ્રિય છે. મુનાફે એમબીએનો અભ્યાસ કર્યા બાદ ભારતમાં કેટલીક કંપનીઓમાં નોકરી કરી અને પછી વિદેશ જતો રહ્યો. વિદેશમાં કેટલીક કંપનીઓમાં ઈન્ટરવ્યુ આપ્યા બાદ ગુગલમાં નોકરી મળી ગઈ. ગુગલમાં નોકરી કરતાં-કરતાં મુનાફને લાગ્યું કે તે આના કરતાં પણ વધુ સારું કામ કરી શકે છે. બસ, પછી તેણે એક જ ઝટકામાં છોડી નોકરી અને આવી ગયો પાછો ઘરે.
મમ્મીનો ટીવી શોખ ખેંચી લાવ્યો હોટલ વ્યવસાયમાં
મુનાફ ભારતમાં 'ધ બોહરી કિચન' નામની રેસ્ટોરન્ટ ચલાવે છે. મુનાફે જણાવ્યું કે, તેની માતા ટીવી જોવાની શોખીન હતી અને તેને ફૂડ શો જોવાનું ગમતું હતું. તે સારું ભોજન પણ બનાવતી હતી. મુનાફને લાગ્યું કે તે પોતાની માતા પાસેથી ટિપ્સ લઈને પૂડ ચેઈન ખોલશે. તેણે રેસ્ટોરન્ટ ખોલવાનો પ્લાન બનાવ્યો અને મમ્મીના હાથની રસોઈ લોકોને ચખાડી. લોકોએ પ્રશંસા કરી અને મુનાફ પોતાનું સપનું પુરું કરવા આગળ વધ્યો.
સમોસા છે ટ્રેડમાર્ક
મુનાફ ધ બોહરી કિચન માત્ર મુંબઈ જ નહીં પરંતુ દેશભરમાં પ્રખ્યાત છે. મુનાફની રેસ્ટોરન્ટમાં માત્ર સમોસા જ મળતા નથી, અન્ય ડિશ પણ ઉપલબ્ધ છે. જોકે, સમોસા તેનો ટ્રેડમાર્ક જરૂર છે. મુનાફ વોહરા સમુદાયનો છે એટલે તેણે પોતાના સમુદાયની ડિશિઝ રેસ્ટોરન્ટમાં રજુ કરી છે. તેની રેસ્ટોરન્ટ શરૂ થયે હજુ માત્ર એક વર્ષ જ થયો છે અને તેનું ટર્નઓવર રૂ.50 લાખ સુધી પહોંચી ગયું છે. જેને તે હવે આગામી કેટલાક વર્ષમાં 3 થી 5 કરોડ કરવા માગે છે.
દર મહિને લાખોની કમાણી
મુનાફના 'ધ બોહરી કિચન' રેસ્ટોરન્ટને શરૂ થયે હજુ બે વર્ષ જ થયા છે ત્યાં તે સમગ્ર શહેરમાં પ્રખ્યાત થઈ ગયો છે. બોલિવૂડની સેલિબ્રિટીઝથી માંડીને શહેરની અનેક જાણીતી હસ્તીઓ તેની ડિશિઝની પ્રશંસા કરતાં થાકતી નથી. આ કારણે જ સોશિયલ મીડિયા પર પણ તે ખૂબ જ પ્રખ્યાત છે.