નવી દિલ્હી: દેશના દરેક રાજ્યની પોતાની જીડીપી હોય છે. પરંતુ શું તમે જાણો છો કે દેશના એવા કયા પાંચ રાજ્ય છે જેની જીડીપી સૌથી વધુ છે. ભારત દેશ જનસંખ્યાની રીતે ચીન બાદ બીજા નંબરે આવે છે. જ્યારે ભારત ક્ષેત્રફળના આધારે દુનિયાનો સાતમો સૌથી મોટો દેશ છે. ભારતમાં હાલ 28 રાજ્ય છે જ્યારે 8 કેન્દ્રશાસિત પ્રદેશ છે. જેમાં આ 5 રાજ્યો દેશના સૌથી અમીર રાજ્યો કહી શકાય. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નંબર વન પર છે મહારાષ્ટ્ર
મહારાષ્ટ્ર દેશનું સૌથી અમીર રાજ્ય છે.અહીંની રાજધાની મુંબઈને અનાધિકૃત રીતે દેશની આર્થિક રાજધાની પણ ગણવામાં આવે છે.  મહારાષ્ટ્રની હાલ GDP 32.42 ટ્રિલિયન રૂપિયા છે. અહીં અનેક મોટા બેંક, ઈન્શ્યોરન્સ કંપનીઓ અને શેરબજાર છે. આ રાજ્ય આમ તો ઈન્ડસ્ટ્રી પર નિર્ભર છે પરંતુ ખેતી પણ આવકનો મોટો સ્ત્રોત છે.


નંબર બે પર છે તમિલનાડુ
તમિલનાડુની જીડીપી હાલ 20.92 ટ્રિલિયન રૂપિયા છે. દક્ષિણ ભારતનું આ રાજ્ય ઉદ્યોગો ઉપરાંત ખેતી અને પર્યટનથી પણ ખુબ કમાણી કરે છે. અત્રે જણાવવાનું કે તમિલનાડુમાં દ્રવિડ શૈલીના લગભગ 33000 મંદિર છે. જેનો ઈતિહાસ ખુબ જૂનો છે. જેમાંથી અનેક મંદિર તો 1400 વર્ષ કરતા પણ પ્રાચીન છે. જેમ કે મદુરાઈનું મિનાક્ષી મંદિર, રામેશ્વરનું રામનાથસ્વામી મંદિર અને ચેન્નાઈનું કપલીશ્વરર મંદિર.


ત્રીજા નંબરે ગરવી ગુજરાત
આપણા ગુજરાત રાજ્યની GDP 18.85 ટ્રિલિયન રૂપિયા છે. ગુજરાતમાં ટેક્સટાઈલ, વેજિટેબલ ઓઈલ, કેમિકલ્સ અને સીમેન્ટ જેવી વસ્તુઓના ઉદ્યોગો ખુબ ફૂલી ફાલી રહ્યા છે. રાજ્યની પ્રમુખ કૃષિ ઉપજમાં કપાસ, મગફળી, ખજૂર, શેરડી, દૂધ અને દૂધની બનાવટો સામેલ છે. ગુજરાતમાં વર્ષ 2015માં દેશમાં સૌથી ઓછો બેરોજગારી દર નોંધાયો હતો. 


ચોથા નંબર પર કર્ણાટક
દક્ષિણ ભારતના આ રાજ્યની GDP હાલ 18.06 ટ્રિલિયન રૂપિયા છે. કૃષિ અહીંનો મુખ્ય વ્યવસાય છે. જે હેઠળ લગભગ 123,100 વર્ગ કિલોમીટરમાં ખેતી થાય છે. જે રાજ્યની કુલ જમીનનો લગભગ 64.60 ટકા ભાગ છે. આ ઉપરાંત હાયર એજ્યુકેશનના મામલે પણ આ રાજ્ય કમાલ કરી રહ્યું છે. હેલ્થ અને વિજ્ઞાન સંલગ્ન અનેક મોટા સંસ્થાન છે. સિલિકોન વેલી ઓફ ઈન્ડિયા પણ કહેવાય છે. 


પાંચમો નંબર ઉત્તર પ્રદેશનો
ઉત્તર પ્રદેશ અમીર રાજ્યોની યાદીમાં પાંચમા નંબરે આવે છે જેની GDP 17.91 ટ્રિલિયન રૂપિયા છે. ગત દાયકાભરમાં અહીં ઉદ્યોગો અને ખાસ કરીને આઈટી ઈન્ડસ્ટ્રીમાં બૂમ આવ્યો એટલે જ તો ઉત્તર ભારતનું આઈટી હબ પણ કહેવાય છે. દિલ્હી સાથે જોડાયેલું હોવાનો ફાયદો પણ આ રાજ્યને મળેલો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube