જો તમારા પાસે હોય ફાટેલી અને ક્યાંય ન ચાલે એવી નોટ તો અપનાવો `આ` કાનૂની રસ્તો
ભારતીય રિઝર્વ બેંકે આ નોટ બદલવા માટે ગાઇડલાઇન જાહેર કરી છે
નવી દિલ્હી : જો તમારી પાસે કે પછી તમારા પરિવારની કોઈ વ્યક્તિ પાસે ફાટેલી અને ગંદી તેમજ ક્યાંય ન ચાલે એવી ચલણ નોટ આવી ગઈ હોય તો તમારા માટે એક રાહતના સમાચાર છે. હવે આવી નોટ બદલાવી શકાશે. ભારતીય રિઝર્વ બેંકે આ નોટ બદલવા માટે ગાઇડલાઇન જાહેર કરી છે. આ અંતર્ગત જે નોટ બહુ ખરાબ હાલતમાં છે એને બદલાવી શકાય છે. આ સિવાય આ નોટથી સરકારી બિલની ચૂકવણી કરી શકાય છે.
ગાઇડલાઇનમાં રિઝર્વે બેંકે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જો કરન્સી નોટ પાણી, પરસેવો કે પછી બીજો કોઈ વસ્તુ લાગવાથી બહુ ખરાબ રીતે ગંદી થઈ હોય અથવા તો તેના ટુકડા થઈ ગયા હોય પણ મહત્વના ફિચર ગાયબ ન હોય તો એનો ઉપયોગ હાઉસ ટેક્સ, સીવર ટેક્સ, વોટર ટેક્સ અથવા તો વિજળીનું બિલ ભરવા માટે થઈ શકે છે. આ નોટોનો બેંક કાઉન્ટર પર પણ સ્વીકાર થઈ શકે છે. જોકે આ નોટ જનતાને પરત આપવામાં નથી આવતી અને એને નષ્ટ કરવા માટે મોકલી દેવામાં આવે છે. આ સિવાય જે નોટનો એક હિસ્સો ફાટીને ગાયબ થઈ ગયો હોય અથવા તો જેના બે ટુકડા જોડવામાં આ્વ્યા એને પણ બેંકની કોઈપણ બ્રાન્ચમાં આપી શકાય છે. આ નોટ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નિયમ 2009 અંતર્ગત બદલાવી શકાશે.
રિઝર્વ બેંકે પોતાની ગાઇડલાઇનમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે કોઈપણ પ્રકારના નારા કે સંદેશ લખેલી કરન્સી નોટ કાયદાકીય રીતે નકામી થઈ જાય છે. આ સિવાય સમજીવિચારીને કાપેલી નોટો પણ કામની નથી રહેતી. આ પ્રકારની નોટો બેંકોમાં બદલાવી શકાતી નથી.