• ભારત વિશ્વને 100માંથી 90 હીરા કટિંગ અને પોલિશ કરી આપે છે

  • આંતરાષ્ટ્રીય બજારમાં રંગબેરંગી હીરાઓની માગમાં ધરખમ વધારો

  • રંગબેરંગી જેમસ્ટોન્સની નિકાસમાં 372 ટકાનો વધારો નોંધાયો


ચેતન પટેલ/સુરત :ભારતમાંથી હવે માત્ર સફેદ હીરા જ નહીં, પરંતુ રંગબેરંગી જેમસ્ટોન્સ (Colorful Gemstones) ની માંગ વિશ્વભરમાં વધી છે. યુરોપિયન દેશો અને અમેરિકામાં ભારે માંગ હોવાથી એક વર્ષમાં રંગબેરંગી જેમસ્ટોન્સ (Colorful Gemstones)ના એક્સપોર્ટમાં ભારે ઉછાળો નોંધાયો છે. ભારતમાંથી છેલ્લા એક વર્ષ દરમિયાન અને તે પણ ખાસ કરીને કોરોના જેવી વિકટ પરિસ્થિતિમાં રંગબેરંગી જેમસ્ટોન્સની નિકાસમાં 372 ટકાનો વધારો નોંધાતા જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ માટે નવી આશા ઉદ્ભવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમગ્ર વિશ્વમાં ભારતને ડાયમંડના હબ તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વમાં સૌથી વધુ હીરાનું કટિંગ અને પોલિશિંગનું કામ ભારતમાં અને તેમાં પણ ખાસ કરીને ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરતમાં કરવામાં આવે છે. જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલ (Gems and jewelry promotion council of India) ના આંકડા મુજબ હવે માત્ર સફેદ રંગના હીરા જ નહીં, પરંતુ અનેક રંગોના હીરાની આંતરાષ્ટ્રીય બજારમાં માગ વધી છે. છેલ્લા એક વર્ષમાં ભારતમાંથી રંગબેરંગી જેમસ્ટોન્સ (Colorful Gemstones) ના એક્સપોર્ટમાં 372 ટકાનો વધારો નોંધાયો છે. 2021માં નિકાસ 280.22 કરોડ રૂપિયા નોંધાઈ.


જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના વેસ્ટ ઝોનના ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું કે, છેલ્લા એક વર્ષમાં વિશ્વમાં અચાનક જ રંગબેરંગી જેમસ્ટોન્સની માંગ વધી છે. વર્ષ 2019-20 દરમિયાન ભારતથી 28.98 કરોડ રૂપિયાના કલરફૂલ હીરાની આયાત વિવિધ દેશોએ કરી હતી, પરંતુ વર્ષ 2020-2021 માં રંગબેરંગી હીરાની નિકાસમાં અચાનક જ ભારે ઉછાળો જોવા મળ્યો છે. 2021માં નિકાસનો આંકડો 280.22 કરોડ રૂપિયા સુધી પહોંચ્યો છે. જે 372 ટકાનો વધારો દર્શાવે છે. ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી ટ્રેડવોરના કારણે આ ઉછાળો જોવા મળી રહ્યો હોવાનું વેપારીઓ માની રહ્યા છે.


રંગબેરંગી હીરા પ્રાકૃતિક હોય છે


સુરતના જ્વેલર્સ દિપક ચોક્સીએ જણાવ્યું હતું કે, જ્વેલરીમાં હાલ રંગબેરંગી ડાયમંડ (Colorful Diamond) ની માંગ વધી છે. લોકો સફેદ હીરાની જગ્યાએ હવે રંગબેરંગી હીરાની માંગ કરતા થયા છે. રંગબેરંગી હીરા પ્રાકૃતિક હોય છે અથવા તો સફેદ હીરાને હીટ ટ્રીટમેન્ટથી કલર આપવામાં આવતો હોય છે. સફેદ બાદ હવે ગુલાબી, લાલ, લીલા અને પીળા રંગના હીરા લોકો વધારે પસંદ કરી રહ્યા છે. હીરાનો કલર પ્રમાણે તેની કિંમત નક્કી થાય છે. સર્ટિફાઇડ હીરાની કિંમત વધારે હોય છે. હાલમાં સૌથી વધુ માગ ગુલાબી રંગના હીરાની છે.