દેશની HIV પોઝિટિવ મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની કવાયત સુરતથી શરૂ થઇ
ચેતન પટેલ/સુરત :દેશની એચઆઇવી પોઝિટિવ મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની કવાયત સુરતથી શરૂ થઇ છે. ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પિપલ લિવિંગ એચઆઇવી એઇડ્ઝ સંસ્થા દ્વારા સ્કોપ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યા છે. HIV પોઝિટિવ મહિલાઓમાં જે પણ કળા કે આવડત છે, તેને વધુ ટ્રેનિંગ આપી તેમને આવકનો સ્ત્રોત ઉભો કરી આપવામાં આવે છે. આ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ શરૂ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : ગુજરાતની વધુ એક કંપની કોરોનાની દવા લાવવાની તૈયારીમાં, ટ્રાયલને મંજૂરી મળી
HIV પોઝિટિવ મહિલા માટે જીવનનિર્વાહ કરવું ખૂબ જ અઘરું હોય છે તે પણ ત્યારે જ્યારે પરિવારના સભ્યોમાં પણ પોઝિટિવ લોકોની સંખ્યા હોય. મહિલાઓ આત્મનિર્ભર બની શકે આ હેતુથી આ ખાસ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યા છે. કારણ કે આ બીમારીમાં વ્યક્તિની માનસિક અને શારીરિક સ્થિતિ સામાન્ય વ્યક્તિઓ કરતાં સારી નથી હોતી અને ખાસ કરીને મહિલાઓ સમાજમાં પગભર બની રહે અને આવકનું સાધન મળી રહે આ હેતુથી ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પિપલ લિવિંગ એચઆઇવી એઇડ્ઝ સંસ્થા દ્વારા સ્કોપ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યા છે. એચઆઇવી પોઝિટિવ મહિલાઓ આ સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવેલા સ્કોપ કાર્યક્રમ હેઠળ માસ્ક બનાવવાનું સિવણનું અને અન્ય વસ્તુઓ બનાવવાની ટ્રેનિંગ મેળવી રહી છે. સંસ્થા દ્વારા તેમને બજાર પણ ઉપલબ્ધ કરાવવામાં આવતું હોય છે. જેથી તેમની આર્ટ માટે વધારે આવક મેળવી શકે. માત્ર ગુજરાત જ નહિ દેશની અન્ય રાજ્યોમાં એચઆઇવી પીડિત મહિલાઓ આત્મનિર્ભર બની શકે આ માટે સંસ્થા દ્વારા ૬ અન્ય રાજ્યોમાં આ ટ્રેનિંગ શરૂ કરવામાં આવી છે. જેમાં દિલ્હી, રાજસ્થાન, મહારાષ્ટ્ર, તમિલનાડુનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : કોરોના વેક્સીનને લઈને WHO એ આપી મોટી ચેતવણી
4 વર્ષ થી HIV પોઝિટિવ મીના (નામ બદલ્યું છે) એ જણાવ્યું હતું કે, મારા ઘરમાં ચાર સભ્યો એચઆઈવી પોઝિટિવ છે. થોડી ખરાબ તબિયતના હિસાબે નોકરી છોડી દીધી છે. હાલ ઘરે જ સિલાઈ કામ કરું છું. અહીંથી મને ઓર્ડર આવ્યો હતો અને હું ઘરેથી જ માસ્ક બનાવીને આપું છું. મને આશા છે કે અહીંથી મને બીજો પણ ઓર્ડર મળશે. તબિયત ખરાબ હોવાના કારણે બહાર નીકળી શક્તી નથી. મારા બાળકો પણ પોઝિટિવ છે. જેથી ઘરે રહીને હવે હું આત્મનિર્ભર બની છું અને બાળકોની પણ કાળજી લઈ શકું છું.
સંસ્થાના સંચાલક દક્ષાબેન પટેલે જણાવ્યું હતું કે, અમારી સંસ્થાએ સ્કોપ પ્રોગ્રામ શરૂ કર્યું છે. જે અંતર્ગત અમે એચઆઇવી પોઝિટિવ બહેનોને આત્મનિર્ભર બનાવવા માટે પ્રવૃત્તિઓ શરૂ કરી છે. ખાસ કરીને તેમની અંદર જે આવડત છે તે આવડતને ઉજાગર કરવા માટે અમે પ્રયત્નો કરી રહ્યા છે. બહેનો જે પણ વસ્તુઓ બનાવે તેને માર્કેટ સુધી પહોંચાડીને તેમને આવક થાય તે પ્રયત્ન કરી રહ્યા છે. રાજ્યમાં આવા છ ગ્રુપ બનાવવામાં આવ્યા છે અને અન્ય પાંચ રાજ્યોમાં આ ગ્રુપ બનાવવાની તજવીજ શરૂ છે.