Adani Group: તાજેતરમાં ગૌતમ અદાણી અને અદાણી ગ્રૂપની ઘણી ચર્ચા થઈ રહી છે. ખરેખર, એક રિપોર્ટના કારણે ગૌતમ અદાણીના શેરમાં ભારે ઘટાડો થયો છે અને તેમની નેટવર્થમાં પણ ઘટાડો થયો છે. ન્યૂ યોર્કની એક નાનકડી ફર્મ હિંડનબર્ગ રિસર્ચ, જે શોર્ટ વેચાણમાં નિષ્ણાત છે તેના અહેવાલને કારણે અદાણી ગ્રૂપનું માર્કેટ વેલ્યુએશન માત્ર બે ટ્રેડિંગ સેશનમાં 50 અરબ ડોલરથી વધારે ઘટી ગયું હતું. આ સાથે અદાણીને 20 અબજ ડોલરનું નુકસાન થયું છે. આ તેમની કુલ સંપત્તિનો પાંચમો ભાગ છે. આ સાથે તે વિશ્વના ત્રીજા સૌથી અમીર વ્યક્તિમાંથી સાતમા સ્થાને પહોંચી ગયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હિન્ડેનબર્ગ રિપોર્ટ
હિંડનબર્ગ રિસર્ચનો રિપોર્ટ એવા સમયે આવ્યો છે જ્યારે અદાણી ગ્રુપ રૂ. 20,000 કરોડ રૂપિયાનો એફપીઓ લાવ્યું છે. અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ માટે આવેલા આ FPOને પ્રથમ દિવસે માત્ર એક ટકા સબસ્ક્રિપ્શન મળ્યું હતું. જ્યારે, ગૌતમ અદાણી સામે કદાચ વ્યવસાયિક જીવનનો સૌથી મોટો પડકાર છે. આ અહેવાલ સામે આવ્યા બાદ વેપાર જગતમાં પણ ખળભળાટ મચી ગયો છે અને વિવિધ પ્રકારની વાતો પણ સામે આવી રહી છે. જોકે, ગૌતમ અદાણીના જીવનમાં આ પહેલા પણ ઘણી વખત પડકારો જોવા મળ્યા છે.


હિન્ડેનબર્ગનું રિસર્ચ
હિંડનબર્ગ રિપોર્ટમાં અદાણી ગ્રુપની કંપનીઓના શેરના ભાવમાં ખોટી રીતે વધારો કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ત્યારબાદ અદાણીના શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. જો કે, આ પહેલીવાર નથી જ્યારે અદાણીએ પડકારોનો સામનો કર્યો હોય. આ પહેલા પણ અદાણીની સામે જીવનમાં અનેક પડકારો આવ્યા છે. અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણીનું 1998માં ખંડણી માટે ડાકુઓએ અપહરણ કર્યું હતું અને 11 વર્ષ પછી જ્યારે આતંકવાદીઓએ મુંબઈ પર હુમલો કર્યો ત્યારે તાજ હોટેલમાં બંધક બનાવવામાં આવેલા લોકોમાં તે પણ એક હતા. કોલેજનો અભ્યાસ વચ્ચે છોડનાર ગૌતમ અદાણીની સંકટો સામે બચી રહેવાની આદત અને બિઝનેસ કુશળતાએ તેમને ભારતના સૌથી ધનિક લોકોની શ્રેણીમાં લાવ્યા.


ગૌતમ અદાણી
ગુજરાતના અમદાવાદમાં જૈન પરિવારમાં જન્મેલા અદાણીએ કોલેજ અધવચ્ચે જ છોડી દીધી અને મુંબઈ ગયા અને થોડો સમય હીરાના વ્યવસાય ક્ષેત્રે કામ કર્યું. તેઓ તેમના મોટા ભાઈ મહાસુખભાઈને નાના પાયે પીવીસી ફિલ્મ ફેક્ટરી ચલાવવામાં મદદ કરવા માટે 1981માં ગુજરાત પાછા ફર્યા. તેમણે 1988માં અદાણી એક્સપોર્ટ્સ હેઠળ કોમોડિટી ટ્રેડિંગ વેન્ચરની સ્થાપના કરી અને તેને 1994માં સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ કરાવ્યું. આ પેઢીને હવે અદાણી એન્ટરપ્રાઈઝ કહેવામાં આવે છે.


અદાણી ગ્રુપ
કોમોડિટી બિઝનેસ શરૂ કર્યાના લગભગ એક દાયકા પછી તેમણે ગુજરાતના દરિયાકાંઠે મુંદ્રા ખાતે બંદરનું સંચાલન કરવાનું શરૂ કર્યું. તેઓએ ભારતના સૌથી મોટા ખાનગી પોર્ટ ઓપરેટર તરીકે વિશિષ્ટ સ્થાન બનાવ્યું. ત્યારબાદ તેમણે પાછું વળીને જોયું નથી અને વીજ ઉત્પાદન, ખાણકામ, ખાદ્ય તેલ, ગેસ વિતરણ અને પુનઃપ્રાપ્ય ઉર્જા જેવા ક્ષેત્રોમાં પોતાના બિઝનેસ સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. અદાણીના વ્યાપારી હિતો એરપોર્ટ, સિમેન્ટ અને તાજેતરમાં મીડિયા સુધી વિસ્તર્યા છે.