ગુજરાતમાં સફેદ એપ્રનમાં નકલી કારોબાર! એક સાથે આ 3 જિલ્લામાંથી ઝડપાયા બોગસ ડોક્ટર

Fake Docter in Gujarat: ગુજરાતમાં નકલી તબીબો પકડાવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. જેમાં મોરબીમાં 48 કલાકમાં ત્રીજો નકલી તબીબ પકડાયો છે. જ્યારે નવસારી જિલ્લામાં આયુર્વેદિક હોસ્પિટલની આડમાં એલોપેથિક દવા આપતો ડૉક્ટર પોલીસના સકંજામાં આવ્યો છે. તેવી જ રીતે અમરેલી જિલ્લામાં પણ નકલી ડોક્ટર ઝડપાયો છે.

ગુજરાતમાં સફેદ એપ્રનમાં નકલી કારોબાર! એક સાથે આ 3 જિલ્લામાંથી ઝડપાયા બોગસ ડોક્ટર

ઝી બ્યુરો/મોરબી: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી નકલીની બોલબાલા છે. નકલી વકિલ, નકલી જજ, નકલી પોલીસ, નકલી ધારાસભ્ય, નકલી સચિવ સાથે નકલી તબીબો મળી આવવાની ઘટનાનો પણ રાફડો ફાટ્યો છે. ત્યાં નકલી તબીબો પકડાવોનો રાજ્યમાં સિલસિલો યથાવત્ રહ્યો છે. મોરબીમાં 48 કલાકમાં ત્રીજો નકલી તબીબ પકડાયો છે, જ્યારે નવસારીમાં આયુર્વેદિક હોસ્પિટલની આડમાં એલોપેથિક દવા આપતો ડૉક્ટર ઝડપાયો છે. તો અમરેલીમાં પણ નકલી તબીબ પકડાયો છે.

48 કલાકમાં મોરબીમાં ત્રીજો નકલી તબીબ ઝડપાયો
મોરબીમાં 48 કલાકમાં ત્રણ બોગસ તબીબ ઝડપાયા છે. મોરબી શહેરી વિસ્તારમાંથી વધુ એક ડીગ્રી વગરનો બોગસ ડોક્ટર ઝડપાયો છે. છેલ્લી 48 કલાકમાં મોરબી શહેર અને તાલુકા વિસ્તારમાંથી ત્રીજો બોગસ ડોક્ટર ઝડપાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. મોરબીમાં નિત્યાનંદ સોસાયટી પાસે શ્રીજી ક્લિનિમાં બી ડિવિઝન પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી. જ્યાં કોઈપણ પ્રકારની ડીગ્રી કે લાયસન્સ વગર એલોપેથિક દવા આપીને સારવાર કરવામાં આવતી હતી. સ્થળ ઉપરથી પોલીસ દ્વારા દવાઓ સહિત 8941ની કિંમતનો મુદ્દામાલ કબજે કરાયો છે. બોગસ ડોક્ટર પ્રણવ કુમાર અશોકભાઈ ફળદુ 24 રહે. જનકલ્યાણેશ્વર મહાદેવ મંદિર પાસે મોરબી વાળાની ધરપકડ કરવામાં આવી છે.

નવસારીના સાતેમ ગામથી ઝોલાછાપ તબીબ ઝડપાયો
જ્યારે નવસારીના સાતેમ ગામેથી આયુર્વેદિક હોસ્પિટલની આડમાં એલોપેથીક હોસ્પિટલ ચલાવતો ઝોલાછાપ ડોકટર ઝડપાયો છે. નવસારી SOG પોલીસે બાતમીને આધારે સાતેમ ગામે શિવ આયુર્વેદિક હોસ્પિટલમાં છાપો મારી કાર્યવાહી કરી હતી. આયુર્વેદિક હોસ્પિટલ બનાવી વૈદ્ય નટવરગીરી ગોસ્વામી ડોકટર બની એલોપેથીક પ્રેક્ટિસ કરતો હતો. આરોપી વૈદ્ય નટવરગીરી પાસે એલોપેથીક ડિગ્રી ન હોવા છતાં દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરતો હતો. પોલીસે આરોપી ઝોલાછાપ ડોકટર નટવરગીરી ગોસ્વામીની ધરપકડ કરી છે. ઘટના સ્થળેથી દવા અને મેડિકલ સાધનો મળી 2.69 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો છે, સાથે જ હોસ્પિટલ સામે કાર્યવાહી કરવા માટે જિલ્લા આરોગ્ય વિભાગને પણ જાણ કરાઈ છે.

ધારીના ગોવિંદપુર ગામેથી ડિગ્રી વગરનો બોગસ તબીબ ઝડપાયો
તો અમરેલી જિલ્લાના ધારીમાં ગોવિદપુર ગામે ડિગ્રી વગરનો બોગસ તબીબ ઝડપાયો છે. અમરેલી SOGએ બોગસ ડોક્ટરને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. છેલ્લા ઘણા સમયથી ગીર ગ્રામ્ય વિસ્તાર ના લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો. બોગસ તબીબ ભાર્ગવ રાજુભાઇ ડાભી ઉર્ફે બાબરીયા સાહેબ નામ ધરાવતો હતો. એસ.ઓ.જી પોલીસે બોગસ તબીબને ધારી પોલીસને સોંપ્યો છે. વધુ તપાસ ધારી પોલીસ પી.આઇ દેસાઈ એ હાથ ધરી  છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news