TIPS FOR INVEST IN SHARE MARKET: શેરબજારમાં રોકાણ કરતા પહેલાં કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ
નોકરિયાત વર્ગ દર મહિને મર્યાદિત આવક મેળવતો હોય છે. મર્યાદિત આવકમાં અનેક એવા ખર્ચા હોય છે જે પૂર્ણ કરી શકતા નથી. આજે યુવાવર્ગ અને મધ્યમ વર્ગીય વ્યક્તિ શેરમાર્કેટ તરફ આકર્ષાયો છે. શેરમાર્કેટ તરફ આકર્ષવાનું સૌથી મોટું કારણ ઝડપથી અને ઊંચું મળતું રિટર્ન છે. જો શેરમાર્કેટમાં રોકાણમાં ગફલત થઈ જાય તો કમાવવું તો દૂર રહ્યુ પરતું ભારે નુકસાન વેઠવું પડે છે.
વિરલ પટેલ, અમદાવાદઃ શેરબજારનું ગણિત અનિશ્ચિત હોય છે. ઝડપથી કમાણી કરવાના આશયથી લોકો આકર્ષાતા હોય છે. માર્કેટમાં ઉથલપાથલ એવી રહેતી હોય છે કે મોટા નિષ્ણાતો પણ માત ખાઈ જતા હોય છે. તેનો મતલબ એ નથી કે મધ્યમ વર્ગીય કે નોકરિયાત માણસ શેરબજારમાં રોકાણ ન કરી શકે. શેરબજારમાં સમજીને થોડુ ઘણુ રોકાણ કરો તો સારી કમાણી કરી શકાય છે. ત્યારે જાણીએ કેટલાક એવા ઉપાયો વિશે જેનાથી તમે શેરબજારમાં ઓછુ નુકસાન વેઠી સારી કમાણી કરી શકો છો.
શેરબજારમાં રોકાણ કરતા સમયે આટલી બાબતોનું ધ્યાન રાખવું છે જરૂરી
1. સૌથી પહેલા શેરમાર્કેટનો અભ્યાસ કરો
જો તમને કાર ન આવડતી હોય અને તમે સીધી ચાવી લઈને કારમાં બેસી જાઓ અને વાહન હંકારવા લાગો તો અકસ્માત થાય તેવું જ શેરમાર્કેટનું ગણિત છે. કોઈ મિત્ર શેરબજારમાં રોકાણ કરવાની સલાહ આપે અને તમે વિચાર્યા સમજ્યા વિના રૂપિયા રોકી દો તો તમારે કમાવ્યા પહેલા ગુમાવવાનો વારો આવે છે. શેરબજારમાં રોકાણ માટે કઈ કંપનીમાં ડિમેટ એકાઉન્ટ ખોલાવવું તેના વિશે પણ થોડીક જાણકારી મેળવી લો. ઘણીવાર નવા રોકાણકારોને આવક તો ખાસ થતી નથી પરંતું જે તે કંપની બ્રોકરેજના નામે વધારે ચાર્જ વસૂલી લેતી હોય છે.
2.શેરમાર્કેટમાં રોકાણ માટે થોડું જાતે રિસર્ચ કરો
ક્રિકેટમેચ ચાલતી હોય ત્યારે ઘણા લોકો નિષ્ણાત બની જતા હોય છે જે તમે જોયું હશે. મતલબ કે આ ક્રિકેટરને આ રીતે બેટિંગ કરવી જોઈતી હતી, આ ક્રિકેટરને કેમ આ ક્રમ પર ઉતારવામાં આવ્યો.. આવી સલાહો બની બેસેલા નિષ્ણાત લોકો આપતા હોય છે પરંતું જો તેમને ફિલ્ડમાં ઉતારવામાં આવે તો તેમના પાણી મપાઈ જતા હોય છે. શેરબજારનું પણ એવું છે કે તમને સલાહ આપનારા ઘણા મળશે. બિઝનેસ ચેનલોમાં પણ માર્કેટ નિષ્ણાંતો કયા શેર ખરીદવા તેની સલાહ આપે છે. નિષ્ણાતોની વાત ઘણીવાર સાચી સાબિત પડે છે પરંતું જો બધુ નિષ્ણાતો કહેતા હોય તેવું સાચુ થતું હોય તો તે લોકો જ ઘરે બેસીને સારા રૂપિયા ન કમાય. મતલબ કે થોડું તમે પણ જે તે કંપની વિશે સર્ચ કરી શકો છો જેમાં રોકાણ કરવા માગો છો.
3. મોટી નામાંકિત કંપનીઓના શેરની કરો પસંદગી
જે કંપનીઓ ભારતમાં પહેલેથી સ્થાપિત થયેલી છે અને તેનું વિશ્વાસનીય નામ છે તેવી કંપનીઓના શેર તમે શરૂઆતના તબક્કામાં ખરીદી માટે પસંદગી કરી શકો છો. મોટી કંપનીઓમાં રોકાણનો સૌથી મોટો ફાયદો એ છે કે જો આ કંપનીના શેરના ભાવ ગગડે તો પણ આ કંપનીઓની સ્થિતિ સ્થિર રહે છે અને ટૂંકા ગાળામાં જ આ કંપનીઓના શેરની કિંમત વધે છે. આવી કંપનીઓના શેરમાં જો લાંબા સમય માટે રોકાણ કરો તો રિટર્ન પણ સારુ મળે છે.
4. એકસાથે કમાવી લેવાની લાલચ ન રાખો
શેરબજાર એક અનિશ્ચિત બજાર છે. શેરમાર્કેટમાં ઘણીવાર બહુ અભ્યાસી માણસ પણ માત ખાઈ જતા હોય છે. તો નવા રોકાણકારો માટે શેરમાર્કેટને સમજવું અશક્ય જ છે.સૌથી પહેલા નવા રોકાણકારોએ એક રકમ નક્કી કરી દેવી જોઈએ. નક્કી કરાયેલી રકમ જ તે શેરબજારમાં રોકશે. બીજી મહત્વની વાત છે કે કેટલી કિંમત સુધીના અને કેટલા શેર્સ ખરીદવા તે પણ નક્કી રાખો. ઘણીવાર એવું થાય છે કે રોકાણકારો કેટલાક શેર ખરીદેલા હોય છે અને જો તે શેરની કિંમતમાં વધારો જોવા મળે તો તે શેરની સંખ્યા વધારી દે છે અને વધુ ખરીદી કરી દેતા હોય છે. આ રીતની ટ્રેડિંગમાં તમને કમાણી તો થઈ જાય છે પરંતું ઘણીવાર માર્કેટમાં ઉથલપાથલ એવી થાય છે કે તમારા શેરની કિંમત પડી જાય છે અને વધુ કમાવવાની લાલચમાં રોકાણકારને ગુમાવવાનો વારો આવે છે.
5. શેરના વેચાણ માટેની કિંમત નક્કી કરો
શેરબજારમાં ખરીદી વેચાણમાં એક નિશ્ચિત કિંમત તમે નક્કી કરો તે પણ તેટલું જરૂરી છે. તમે શેરમાર્કેટમાં જુદી જુદી કંપનીઓ પર નજર રાખો. દરેક કંપનીના શેરમાં સતત વધઘટ થતી રહેતી હોય છે. તમે શેર ખરીદો ત્યારે ખરીદીના વિકલ્પમાં તમે જે તે શેર ખરીદવા માટેની કિંમત ઉમેરી દો. મતલબ કે ટાટા મોટર્સના શેરની કિંમત 331 હોય તો તમે ખરીદી વિકલ્પમાં 330 રૂપિયા લખી દો અને ડિલીવરી ઓપ્શન સિલેકટ કરો. આ પ્રોસેસ કરશો તો તમારા નક્કી કરેલા શેર 330 રૂપિયે ખરીદાઈ જશે. શેરનું વેચાણ કરવામાં પણ કઈ કિંમતે વેચવા તે નક્કી કરવા જરૂરી છે. જેમ કે તમે શેર 300 રૂપિયે ખરીદ્યા છે તો તમે નક્કી કરો કે મારા શેરની કિંમત 350 રૂપિયા થશે તો તેને હું વેચી નાખીશ. શેરના ભાવ 350 રૂપિયે પહોંચે તો તેને વેચી નાખો. જો તમે વધારે લાલચ રાખશો અને વિચારશો કે શેરને 400 રૂપિયે વેચીશ તો તમને ફાયદો ન પણ થાય અને શેરની કિંમત ક્યારેય 300 રૂપિયાની નીચે જતી રહી હેશે તેનો તમને અંદાજો પણ નહીં રહે.શેરમાર્કેટમાં શેર ખરીદ વેચાણ માટે કિંમત નક્કી કરવી ઘણી જરૂરી છે.
6. એકસાથે ઘણા બધા શેરની ખરીદી ન કરો
શેરમાર્કેટમાં એકસાથે એક જ કંપનીના ઘણા બધા શેરની ખરીદી ન કરો પરંતું જુદી જુદી કંપનીના થોડા થોડા શેરની ખરીદી કરો.આ રીતે ખરીદી કરશો તો નુકસાન થવાની શક્યતા ઘટી જશે. 15 દિવસ અને મહિના બાદ તમે તમારા શેરની માત્રા વધારી શકો છો.
7. શેરમાર્કેટમાં રિસ્ક પ્રોફાઈલ બનાવો
શેરમાર્કેટમાં રોકાણમાં કમાણીની સાથે જોખમ પણ તેટલું જ રહેતું હોય છે. એક રિસ્ક પ્રોફાઈલ બનાવી લો. પહેલેથી નક્કી કરી લો કે તમે કેટલા સુધી નુક્સાન સહન કરી શકો છો. તમને 'સ્ટોપલોસ ઓર્ડર' નો વિકલ્પ મળે છે. સ્ટોપલોસ ઓર્ડર વિકલ્પ પસંદ કરવાનો ફાયદો એ છે કે જો તમારા શેરની કિંમત ઘટવા લાગે તો તમારા શેર બ્રોકર જાતે જ નક્કી કરેલી કિંમતે વેચી દે છે. આ પદ્ધતિથી તમે નુકસાન સહન કરવાથી બચી શકો છો.
8. જુદા જુદા ક્ષેત્રની કંપનીઓમાં કરો રોકાણ
શેરમાર્કેટમાં ખરીદ-વેચાણ કરવા એક જ પ્રકારની કંપનીઓમાં રોકાણ ન કરો.થોડા થોડા કરીને જુદી જુદી કંપનીઓના શેરની ખરીદી કરવી જોઈએ. જો તમે એક જ કંપનીમાં રૂપિયા રોકશો તો ક્યારેક વધુ લાભ થશે પરંતું ક્યારેક મોટુ નુકસાન પણ થઈ શકે છે.
9. તમારા બચતના વધારાના રૂપિયા જ શેરમાર્કેટમાં રોકો
જો તમો નોકરિયાત વર્ગ છો કે પછી નાનો વ્યવસાય કરો છો અને શેરમાર્કેટમાં રોકાણ કરવા માગો છો તો તમારી બચતની વધારાની રકમ શેરબજારમાં રોકો તે હિતાવહ છે. એટલી રકમ નક્કી કરો કે જો તમને નુકસાન થાય તો તમારા ઘરના બજેટમાં કોઈ ફરક ન પડે.
10. લાગણીઓને કાબૂમાં રાખો
શેરમાર્કેટમાં જ્યારે રોકાણ કરો ત્યારે પ્રેક્ટિકલ બનો. શેરની કિંમતમાં ઘટાડો થતો જાય તો માનસિક રીતે સ્થિર થાઓ અને સમજી વિચારીને નક્કી કરો કે શેરને વેચી નાખવા છે કે રાહ જોવી છે. તેવી જ રીતે જો શેરની કિંમત વધતી હોય અને તમે ટાર્ગેટ પ્રાઈઝ નક્કી કરી હોય પણ તેમ છતાં શેરનું વેચાણ ન કરો તો વધુ કમાવવાની લાલચમાં નુકસાન વેઠવાનો વારો આવે છે.
11. શેરબજારમાં સમયનું મૂલ્ય સમજો
શેરમાર્કેટમાં ઘણીવાર વેઈટ એન્ડ વોચની પરિસ્થિતિ ચાલતી હોય છે. ઘણા નિષ્ણાતો એવી સલાહ આપે છે કે શેર માર્કેટના વ્યવહારમાં સમયનો વ્યય ન કરવો જોઈએ. જો તમારા શેરની કિંમત ટાર્ગેટ પ્રાઈસે પહોંચી જાય તો તેને ઝડપથી વેચી દેવો જોઈએ. તે જ રીતે શેરની કિંમતમાં અચાનક સતત ઘટાડો થવા લાગે ત્યારે તેવું ન વિચારો કે શેરની કિંમત વધશે.. વધારે કિંમત ઘટતી જાય તો શેરને વેચી દેવા જોઈએ. ક્યારેક એવી પરિસ્થિતિ હોય છે જેમાં તમે વેઈટ એન્ડ વોચ કરી શકો છો પણ આ ટેકનિક ત્યારે કામ આવે જ્યારે જે તે કંપનીઓ પર તમારુ રિસર્ચ હોય અને તમને વિશ્વાસ હોય કે કંપનીના શેર આ કિંમત સુધી પહોંચી શકે છે.
12. ઓછી કિંમતવાળા શેર ખરીદતા પણ રાખો ધ્યાન
ઓછી કિંમતવાળા શેર ખરીદવાનો ફાયદો એ છે કે તમે મોટી સંખ્યામાં શેર ખરીદી શકો છો. ઘણા લોકો એવું માનતા હોય છે કે જે શેરની કિંમત બહુ ઓછી હોય તેને ખરીદી લઈએ.આવા શેરમાં મોટા રોકાણમાં ફાયદો દેખાય છે. નવા રોકાણકારોએ સમજવાની જરૂર છે કે ઘણી કંપનીઓના શેરની કિંમત ખરાબ પ્રદર્શનના કારણે પણ ઓછી રહેતી હોય છે. આવા શેરમાં ઘણીવાર લોકો રૂપિયા રોકી દે છે પરંતું રોકાણકારે તેની કિંમત વધે તે માટે રાહ પણ ઘણી જોવી પડતી હોય છે. આ કેટલાક એવા ઉપાયો છે જે શેરબજારમાં નવા અને ઓછુ રોકાણ કરનારાઓ માટે ઉપયોગી સાબિત થાય છે. જે લોકો ઓછી રકમમાં આવક મેળવવા માગે છે તે લોકો આટલી વાતોનું ધ્યાન રાખે તો તેઓ સારુ કમાઈ શકે છે અને ઓછુ નુકસાન ભોગવવું પડે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube