સયાજી રત્ન એવોર્ડ સ્વીકારવા માટે અમિતાભ બચ્ચન મંગળવારે આવશે વડોદરા
એવોર્ડની પસંદગી માટે ખાસ નિયમો બનાવવામાં આવ્યા છે.
વડોદરાઃ બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનનું વડોદરા મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા સન્માન કરવામાં આવશે. મંગળવારે અમિતાભ બચ્ચન વડોદરા આવશે ત્યાં તેમનું સયાજી રત્ન એવોર્ડથી સન્માન કરવામાં આવશે. શહેરના નવલખી મેદાન ખાતે આ એવોર્ડ વિતરણ સમારોહ યોજાશે. મહત્વનું છે કે બરોડા મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા બે વર્ષથી આ એવોર્ડ આપવામાં કરવામાં આવે છે. જુદા જુદા ક્ષેત્રોમાં પ્રશંસનીય કામગીરી કરનારા લોકોની 6 જનની પેનલ દ્વારા એવોર્ડ માટે પસંદગી દ્વારા કરવામાં આવે છે. વડોદરાના રાજવી સર સયાજીરાવ ગાયકવાડના વ્યક્તિત્વને ધ્યાને રાખીને કોઈ એક વ્યક્તિની પસંદગી કરાય છે. આ અગાઉ પહેલા વર્ષે નારાયણ મૂર્તિ અને રતન ટાટાને આ એવોર્ડ એનાયત કરાઈ ચૂક્યા છે. હવે આ વખતે બિગ બીને આ એવોર્ડ આપવામાં આવશે..
પ્રાપ્ત વિગત અનુસાર, બરોડા મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા છેલ્લા બે વર્ષથી આ એવોર્ડ આપવામાં આવે છે. ત્રીજા વર્ષે આ એવોર્ડ માટે બિગ બીની પસંદગી કરવામાં આવી છે. અમિતાભ બચ્ચન આ એવોર્ડ સ્વિકારવા માટે આવતીકાલે વડોદરામાં આવશે. તેઓ પોતાના ખાનગી વિમાન દ્વારા અહીં પહોંચશે અને આશરે બે કલાક રોકાશે.
કોને અપાઇ છે એવોર્ડ
એવોર્ડની પસંદગી માટે ખાસ નિયમો બનાવવામાં આવ્યા છે. આ એવૉર્ડ એવા મહાનુભાવને આપવામાં આવે છે, જેમની સમાજ પ્રત્યેની ભાવના શ્રેષ્ઠ હોય સાથે રાજવી સયાજી રાવ ગાયકવાડ જેવા ગુણો હોય અને દેશ અને સમાજ માટે અમૂલ્ય યોગદાન ખાસ ફિલ્ડમાં આપ્યું હોય.
નોંધનીય છે કે, પહેલા વર્ષે આ એવોર્ડ ઈન્ફોસીસના નારાયણ મૂર્તિને આપવામાં આવ્યો હતો. જ્યારે બીજા વર્ષે ટાટા ગ્રુપના રતન ટાટાનું આ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું.