`સંજૂ` કરતા પણ `સ્ત્રી` વધારે સુપરહિટ ! આ રહી ગણતરી
બોલિવૂડ કલાકાર રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ `સ્ત્રી` બોક્સઓફિસ પર જબરદસ્ત કમાણી કરી રહી છે
મુંબઈ : બોલિવૂડ કલાકાર રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ 'સ્ત્રી' બોક્સઓફિસ પર જબરદસ્ત કમાણી કરી રહી છે. આ ફિલ્મની પહેલા 15 દિવસની કમાણીની વાત કરીએ તો એણે 97.67 કરોડ રૂ.ની કમાણી કરી છે. ટ્રેડ પંડિતોએ આપેલી માહિતી પ્રમાણે 'સ્ત્રી' બહુ જલ્દી 100 કરોડ રૂ.ની કમાણી કરનાર ફિલ્મ બની જશે. ફિલ્મ બનાવવવા ખર્ચ અને એણે કરેલી કમાણીના આંકડાનું વિશ્લેષણ કરીએ તો 'સ્ત્રી' તો 'સંજૂ' કરતા પણ વધારે સુપરહિટ ફિલ્મ છે.
હાલમાં 'સ્ત્રી'એ 15 દિવસમાં 2018ની સૌથી નફો મેળવનાર ફિલ્મનો ખિતાબ મેળવી લીધો છે. હકીકતમાં 'સ્ત્રી'ને લગભગ 20 કરોડ રૂ.ના બજેટમાં તૈયાર કરવામાં આવી હતી જેમાં એનો મેકિંગ અને માર્કેટિંગ ખર્ચ બંને શામેલ છે. આટલા ઓછા બજેટમાં બની હોવા છતાં 97 કરોડ રૂ.ની કમાણી કરીને સ્ત્રી 2018ની સૌથી નફાકારક ફિલ્મ બની છે. આ પહેલાં આ રેકોર્ડ 24 કરોડ રૂ.ના ખર્ચે બનેલી અને 108 કરોડ રૂ.ની કમાણી કરનાર 'સોની કે ટીટુ કી સ્વીટી'ના નામે હતો.
'સ્ત્રી' બોક્સઓફિસ પર 100 કરોડ રૂ.નો આંકડો પાર કરશે કે તરત રાજકુમાર રાવની કરિયરની પહેલી 100 કરોડ રૂ.ની કમાણી કરનાર ફિલ્મ બની જશે. આ પહેલાં તેની કોઈ ફિલ્મે બોક્સઓફિસ પર આટલી કમાણી નથી કરી.