દિલ્હીના પ્રદૂષણમાં રોક સ્ટાર બ્રાયન એડમ્સનો પડછાયો ખોવાયો, ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો ફોટો
કેનેડાના ગાયક બ્રાયન એડમ્સની દેશના પાંચ શહેરોમાં કન્સર્ટ યોજાવાની છે. 9 ઓક્ટોબરે અમદાવાદની કન્સર્ટ સાથે તેનો ભારત પ્રવાસ શરૂ થયો છે
નવી દિલ્હીઃ કેનેડાનો રોક સ્ટાર બ્રાયન એડમ્સ સાત સમુદ્ર પાર કરીને દિલ્હી આવ્યો છે અને એવું સંગીત પીરસ્યું કે દરેક જણ 'વન્સ મોર, વન્સ મોર' કહેતું રહી ગયું. જોકે, એડમ્સને સાંભળવા માટે દિલ્હીના લોકો ઉમટી પડ્યા હતા, પરંતુ સ્ટેજ પર ઊભેલા એડમ્સનું ધ્યાન દર્શકોએ નહીં પરંતુ દિલ્હીની હવામાં ફેલાયેલા પ્રદૂષણે ખેંચ્યું હતું.
બ્રાયન એડમ્સ ભારતનાં 5 શહેરોમાં કન્સર્ટના આયોજન માટે આવેલો છે. તેના આ ભારત પ્રવાસમાં દિલ્હી-એનસીઆર ટૂરનો પણ કાર્યક્રમ હતો અને ગુરૂગ્રામમાં તેના શોનું આયોજન કરાયું હતું.
બ્રાયને ઈન્સ્ટાગ્રામ પર દિલ્હીની કન્સર્ટનો ફોટો શેર કર્યો છે, જેમાં કન્સર્ટના સ્થાને ફેલાયેલો ધૂમાડો સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. જોકે, બ્રાયને પોતાના આ ફોટામાં દિલ્હી અને ભારતની પ્રશંસા કરી છે, પરંતુ સાથે એવું પણ લખ્યું છે કે, "તમે ધ્યાનથી જોશો તો ધૂળ અને ધૂમાડાની વચ્ચે દર્શકોના ઉપર મારો પડછાયો દેખાશે. મેજિકલ ઈન્ડિયા, નમસ્તે."
ઉલ્લેખનીય છે કે, કેનેડાના આ ગાયકના ભારતનાં પાંચ શહેરોનાં પ્રવાસની શરૂઆત 9 ઓક્ટોબર અમદાવાદથી શરૂ થઈ હતી.
અમેરિકાની વૈશ્વિક યાત્રા ટેક્નોલોજી કંપની 'એક્સપીડિયા'ના અધિકારી મનમીત અહલૂવાલિયાએ જણાવ્યું કે, બ્રાયન એડમ્સ ભારતમાં અમદાવાદ, હૈદરાબાદ, મુંબઈ, બેંગલુરુ અને દિલ્હીમાં કન્સર્ટ આયોજિત કરવાનો છે.
લોકોએ 'સમર ઓફ 69'ના ગાયકની કન્સર્ટમાં સંગીતનો આનંદ લેવા માટે એડવાન્સમાં ટિકિટ બૂક કરાવી રાખી છે.