ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટરઃ વિવાદોમાં ફિલ્મ, મુઝફ્ફરપુરમાં અનુપમ ખેર સહિત 13 પર ફરિયાદ દાખલ
બિહારની મુઝફ્ફરપુર કોર્ટે ફિલ્મ અભિનેતા અનુપમ ખેર સહિત 13 લોકો વિરુદ્ધ કેસ દાખલ કરવાનો આદેશ આપ્યો છે.
મુઝફ્ફરપુરઃ ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર રિલીઝ પહેલા મુશ્કેલીમાં ફસાતી જોવા મળી રહી છે. બિહારના મુઝફ્ફુરપુર કોર્ટે ફિલ્મના અભિનેતા અનુપમ ખેર સહિત 13 લોકો વિરુદ્ધ કેસ દાખલ કરવાનો આદેશ આપ્યો છે.
બધા વિરુદ્ધ કેસ કાંટી સ્ટેશનમાં નોંધવામાં આવશે. મહત્વનું છે કે, વકીલ સુધીર ઓઝાએ કોર્ટમાં આરોપપત્ર દાખલ કર્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે ફિલ્મમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સહિત અન્ય નેતાઓને અપમાનિત કરવામાં આવ્યા છે. એસડીજેએમે કોર્ટમાં સુનાવણી બાદ એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો છે.
આ આરોપપત્રમાં ફિલ્મના રિલીઝ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરવામાં આવી છે. આ સાથે તે પણ કહેવામાં આવ્યું છે કે, ફિલ્મમાં દેશની સુરક્ષા વ્યવસ્થા સાથે પણ ચેડા કરવામાં આવ્યા છે. ફિલ્મમાં અનુપમ ખેર પૂર્વ વડાપ્રધાનનું પાત્ર ભજવી રહ્યાં છે.
ફિલ્મ સંજય બારૂના પુસ્તક ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર પર બની છે અને આ પુસ્તક ગત લોકસભા ચૂંટણીના સમયે આવ્યું હતું અને 2019ની લોકસભા ચૂંટણી સમયે ફિલ્મ રિલીઝ કરવામાં આવી રહી છે. ફિલ્મને લઈને ઘણા દિવસોથી વિવાદ ચાલી રહ્યો છે. તો ફિલ્મથી ભાજપને જરૂર ચૂંટણી સમયે ફાયદો થઈ શકે છે.
હવે જોવાનું રહ્યું કે, આ મામલે આગળ શું કાર્યવાહી થાય છે. તો દરેક ફિલ્મ રિલીઝની રાહ જોઈ રહ્યાં છે કે આખરે ફિલ્મમાં શું દર્શાવવામાં આવ્યું છે અને કઈ રીતે ક્યા નેતાના પાત્રને દેખાડવામાં આવ્યું છે.