કોલ્ડપ્લે હવે અમદાવાદમાં મચાવશે ધમાલ, આ તારીખે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થશે કોન્સર્ટ, જાણો વિગતો
Coldplay Ahmedabad concert date: બેન્ડ કોલ્ડપ્લેએ પોતાના મ્યૂઝિક ઓફ ધ સ્ફીયર્સ વર્લ્ડ ટુરના ભાગ તરીકે ગુજરાતના અમદાવાદમાં પોતાના ચોથા કોન્સાર્ટની તારીખની જાહેરાત કરી છે.
બ્રિટિશ રોક બેન્ડ કોલ્ડપ્લેએ પોતાના મ્યૂઝિક ઓફ ધ સ્ફીયર્સ વર્લ્ડ ટુરના ભાગ તરીકે ગુજરાતના અમદાવાદમાં પોતાના ચોથા કોન્સાર્ટની તારીખની જાહેરાત કરી છે. બેન્ડમાં મુખ્ય ગાયક ક્રિસ માર્ટિન, ગિટારિસ્ટ જ્હોની બકલેન્ડ, બિસિસ્ટ ગાય બેરીમેન, અને ડ્રમર વિલ ચેમ્પિયન સામેલ છે. જે 25 જાન્યુઆરી 2025ના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રસ્તુતિ આપશે. શોની ટિકિટ 16 નવેમ્બર 2024ના રોજ BookMyShow પર લાઈવ થઈ જશે.
તારીખની જાહેરાત કરતા કોલ્ડપ્લેના અધિકૃત ઈન્ટાગ્રામ એકાઉન્ટે કેપ્શનની સાથે એક શાનદાર વીડિયો પણ શેર કર્યો. જેમાં લખ્યું હતું કે 2025 અમદાવાદની તારીખની જાહેરાત. બેન્ડ 25 જાન્યુઆરી 2025ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પોતાનો અત્યાર સુધીનો સૌથી મોટો શો કરશે. ટિકિટ 16 નવેમ્બરના રોજ બપોરે 12 વાગે વેચાણ માટે ઉપલબ્ધ થશે. DHL દ્વારા ડિલિવર કરવામાં આવશે.
ટિકિટના ભાવ
મીડિયા રિપોર્ટ મુજબ મોદી સ્ટેડિયમમાં યોજાનારા આ શોની ટિકિટ 2500 રૂપિયાથી શરૂ થશે. અત્રે જણાવવાનું કે આ એટલું લોકપ્રિય બેન્ડ છે કે તેની ટિકિટો ધડાધડ વેચાઈ જાય છે. અત્રે જણાવવાનું કે કોલ્ડપ્લેના ત્રણ શો 18, 19 અને 21 જાન્યુઆરીએ મુંબઈમાં યોજાવાના છે અને ચોથો કોન્સર્ટ અમદાવાદમાં યોજાશે. મુંબઈમાં કોન્સર્ટની જાહેરાત થતા જ ખુબ ધસારો જોવા મળ્યો હતો અને અનેક લોકો ટિકિટ વગરના રહી ગયા હતા. અનેક લોકો વેઈટિંગ લિસ્ટમાં જોવા મળ્યા હતા.
ધ્યાન રાખવા જેવી વાત
સોશિયલ મીડિયા પર મચેલા હંગામા બાદ BookMyShow અને BookMyShowLive ના અધિકૃત હેન્ડલે એક નિવેદન બહાર પાડીને કોન્સર્ટમાં આવનારા લોકોને ગેરકાયદેસર ટિકિટિંગ પ્લેટફોર્મ પર ઓનલાઈન ટિકિટ કૌભાંડ અંગે ચેતવણી આપી. પોસ્ટમાં લખ્યું છે કે 'ટિકિટ કૌભાંડથી પોતાને બચાવો. ભારતમાં કોલ્ડપ્લેના મ્યૂઝિક ઓફ ધ સ્ફીયર્સ વર્લ્ડ ટુર 2025 માટે નકલી ટિકિટ વેચનારા અનાધિકૃત પ્લેટફોર્મના ઝાંસામાં ન આવો. અમારા ધ્યાનમાં આવ્યું છે કે અનાધિકૃત પ્લેટફોર્મ ભારતમાં કોલ્ડપ્લેના મ્યૂઝિક ઓફ ધ સ્ફીયર્સ વર્લ્ડ ટુર 2025 માટે અધિકૃત વેચાણ પહેલા અને બાદમાં ટિકિટ સૂચિબદ્ધ કરી રહ્યા છે. આ ટિકિટ અમાન્ય છે.'
નિવેદનમાં લખ્યું છે કે 'ભારતમાં ટિકિટ સ્કેલિંગ ગેરકાયદેસર છે અને કાનૂન દ્વારા દંડનીય છે. કૃપા કરીને તેનો ભોગ ન બનો. કારણ કે તમે નકલી ટિકિટ ખરીદી રહ્યા હશો. કૌભાંડથી બચો. BookMyShow ટિકિટ વેચાણ માટે એકમાત્ર અધિકૃત પ્લેટફોર્મ છે.'