Gujarati Film: એક એવી ગુજરાતી ફિલ્મ...જેણે વર્ષો પહેલા તોડ્યા હતા તમામ રેકોર્ડ, વકરો જોઈ બોલીવુડ પણ થયું હતું આશ્ચર્યચકિત!
આ ફિલ્મ 1998માં રિલીઝ થઈ હતી અને તે વર્ષ સુધી રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મોમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ પણ બની હતી. તમને એક થશે કે આ વળી કઈ ફિલ્મ હશે. વિગતો જાણવા માટે વાંચો આ લેખ....
બોલીવુડ ફિલ્મોનો તો જબરદસ્ત ક્રેઝ હોય છે જ પરંતુ આપણે દક્ષિણ ભારતમાં જે રીતે જોઈએ છીએ કે ત્યાંની પ્રાદેશિક ભાષાઓ જેમ કે કન્નડ, તેલુગુ, મલિયાલમ, તમિલમાં બનેલી ફિલ્મોનો તો ત્યાં બોલીવુડ ફિલ્મો કરતા પણ ગજબનો ક્રેઝ જોવા મળે છે. એ રીતે આપણી ગુજરાતી ફિલ્મોનું જોઈએ તો શહેરોમાં લોકોમાં થોડું ઉદાસીન વલણ દેખાતું હોય છે. જો કે છેલ્લો દિવસ, ગુજ્જુભાઈ ધી ગ્રેટ જેવી અર્બન વિષયો રિલિટેડ ફિલ્મોથી થોડું વલણ ચેન્જ થયું છે. લોકો હવે ગુજરાતી ફિલ્મો જોવા માટે બોલીવુડ ફિલ્મોની જેમ થિયેટરોમાં તૂટી પડે છે. જો કે આ બધા વચ્ચે એક ફિલ્મ વર્ષો પહેલા એવી આવી જેણે ગામડા કહો કે શહેર...આ જ પ્રજાને થિયેટરો સુધી પહોંચવા માટે મજબૂર કરી દીધી હતી.
આ ફિલ્મ 1998માં રિલીઝ થઈ હતી અને તે વર્ષ સુધી રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મોમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ પણ બની હતી. તમને એક થશે કે આ વળી કઈ ફિલ્મ હશે. તો તમને જણાવી દઈએ કે આ ફિલ્મનું નામ છે 'દેશ રે જોયા દાદા પરદેશ જોયા'. આ ફિલ્મ ગોવિંદભાઈ પટેલે દિગ્દર્શિત કરી હતી અને ફિલ્મમાં હિતેનકુમાર, રોમા માણેક, પિંકી પરીખ, અરવિંદ ત્રિવેદી, સમીર રાજડા, રમેશ મહેતા જેવા કલાકારોએ કામ કર્યું છે.
શું હતી ફિલ્મની કહાની?
તમને સ્વાભાવિક પણે એવું મનમાં થાય કે આખરે ફિલ્મમાં એવું તે શું હતું કે લોકો થિયેટરમાં ઊભરાતા હતા. તો આ કહાની કઈક એવી હતી કે રામ (હિતેનકુમાર) અને હિરોઈન રાધા (રોમા માણેક) બાળપણના પ્રેમી પંખીડાઓ હોય છે પરંતુ જ્યારે રામ વિધવા માતા સાથે બીજા ગામે જાય છે તો તેઓ છૂટા પડે છે. આ બધામાં રાધાનો મોટો ભાઈ માતા પિતાની સંમતિ વગર અમેરિકાથી પાછી ફરેલી છોકરી રીટા (પિંકી પરીખ) સાથે લગ્ન કરે છે.
રાધા અને રામ એક લગ્નમાં મળે છે અને પાછા પ્રેમમાં પડે છે. સગાઈની વાતો ચાલે છે પણ રીટાને તે પસંદ નથી કારણ કે તે તેના ભાઈ સાથે રાધાના લગ્ન કરાવવા માંગે છે. ત્યાં તો વાર્તામાં વળાંક આવે છે કે લગ્નમાં જતી વખતે રામનું અકસ્માતે મૃત્યુ થયું અને રાધાનું હ્રદયભગ્ન થાય છે. પાછળથી એવું સામે આવે છે કે તેનું મોત થયું નથી પરંતુ તેનું અપહરણ કરી મોતનો દેખાવો કરાયો અને તેની જગ્યાએ કોઈ અન્યનો મૃતદેહ ધરી દેવાયો. રીટા દીપક સાથે રાધાને પરણાવવા માટે કાવાદાવા કરે છે. આખરે પરિવાર તેના કાવતરામાં ફસાઈને તૈયાર થાય છે. અનિચ્છાએ રાધા પરણવા માટે તૈયાર થાય છે.
બીજીબાજુ રામ અપહરણકારોના ચૂંગલમાંથી છૂટે છે પરંતુ તેની પ્રેમિકા રાધા કોઈ બીજાની થઈ ચૂકી છે અને અમેરિકા જતી રહે છે. અમેરિકા પહોંચતા જ રાધાના માથે દુખના ડુંગર તૂટી પડે છે. રીટામાં હ્રદય પરિવર્તન આવે છે અને પછી તે તેના માાત પિતાની મદદથી રીટા રાધાને ભારત પાછી લાવવા પ્રયત્નો કરે છે....રાધા પાછી તો ફરે છે પરંતુ તેમ છતાં અનેક મુશ્કેલીઓ સામે આવે છે. દીપકના કાકા અને અન્ય કાવતરાખોરો તેની પાછળ પડે છે પરંતુ રામ ત્યાં આવી પહોંચે છે. આ બધામાં દાદાજી ઘાયલ થાય છે અને છેલ્લા શ્વાસ લેતા લેતા બંને પ્રેમીઓ રામ અને રાધાને ભેગા કરવાનું કામ કરે છે.
આ ફિલ્મમાં સંગીત અરવિંદ બારોટનું હતું અને ફિલ્મે ગ્રોસ 22 કરોડ જેટલો વકરો તે સમયમાં કર્યો હતો જે એક જબરદસ્ત વકરો કહી શકાય. આ ફિલ્મને ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જો ઓલટાઈમ હિટ ફિલ્મોની યાદી બનાવવામાં આવે તો ટોચ પર મૂકી શકાય. આ ફિલ્મની વાર્તા મુકેશ માલવણકર અને દિગ્દર્શક ગોવિંદભાઈ પટેલે મળીને લખી હતી.
બીબીસી સાથે વાતચીતમાં માલવણકરે આ ફિલ્મના વિષય અંગે જણાવ્યું હતું કે તે સમય દરમિયાન દીકરીઓને વિદેશમાં પરણાવવાનો ખુબ ક્રેઝ હતો. જેમાં કેટલીક દીકરીઓ હેરાન પણ થઈ હતી. વિદેશમાં દીકરી દુખ ભોગવતી હોય અને માતા પિતા તેનું મોઢું પણ જોઈ શકે નહીં એ દુખ અકલ્પનીય હોય છે. આ વિષય ધ્યાનમાં રાખીને ફિલ્મની વાર્તા લખવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube