મુફદ્દલ કપાસી: વર્ષ 2005માં આવેલી બિગ બીની અક્ષય કુમાર સાથેની ફિલ્મ વક્તઃ રેસ અગેઇન્સ્ટ ટાઇમ આમ તો બોક્સઓફિસ પર ઠીકઠાક ચાલી હતી પણ બિગ બી અને અક્ષયનું ફાધર-સનનું બોન્ડિંગ એ મૂવીમાં ખુબ વખણાયેલું. એક બાપ પોતાના દિકરાને નિશ્ચિત સમયમાં તેની જવાબદારીઓનું ભાન કરાવવા આકરા પગલાં લે છે. તેવી જ કથાવાર્તા ધરાવતી એ ફિલ્મને ડિરેક્ટ કરી હતી ગુજરાતી થિયેટરથી કારકિર્દી શરૂ કરનારા વિપુલ અમૃતલાલ શાહે. હવે 13 વર્ષ બાદ એ જ કથાવાર્તાની યાદ અપાવી દે તેવી અને ગુજરાતી થિયેટર ક્ષેત્રે ડંકો વગાડનારા નાટક 102 નોટઆઉટ પરથી જ બનાવાયેલી સૌમ્ય જોષી લિખિત 102 નોટઆઉટને ઓહ માય ગોડના ડિરેક્ટર ઉમેશ શુક્લાએ ડિરેક્ટ કરી છે. સંગીન સંવાદો અને ભાવનાત્મક ઘટનાક્રમ જ જેનો આધાર છે તેવી આ મૂવીને અભિનયના બે સિતારાઓએ મજબૂતી બક્ષી છે. તો ગુજરાતી જિમિત ત્રિવેદી બે દિગ્ગજો સામે પણ સુપર કોન્ફિડેન્ટ લાગે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

102 Not Out: ફિલ્મનું ગીત 'બડુમ્બા' થયું રિલીઝ, જોવા મળી બિગ બી અને ઋૃષિ કપૂરની શાનદાર જુગલબંધી

જ્યારે તમે છેલ્લો શ્વાસ લો છો ત્યારે જ તમારું જીવન પૂર્ણ થાય છે. ત્યાં સુધી બખૂબી જીવતા રહો આ સેન્ટર પોઇન્ટ સાથેની આ કથાવાર્તામાં આમ તો ગણીને ત્રણ જ પાત્ર છે. પણ સાથે જ સૌથી મજબૂત પાસું છે સંવાદો. કેટલાંક સંવાદો જબરદસ્ત છે. ઔલાદ અગર નાલાયક નિકલે તો ઉસે ભૂલ જાના ચાહિયે, સિર્ફ ઉસકા બચપન યાદ રખના ચાહિયે જેવા સંવાદો તાળીઓ ઉઘરાવે તેવા છે. જો કે સૌમ્ય જોષી સ્ક્રીન પ્લેની બાબતમાં બહુ વેરિએશન નથી લાવી શક્યાં. 


ટૂંકમાં કેટલાંક ટર્ન એન્ડ ટ્વીસ્ટ પોસિબલ હતાં પણ તેમણે સ્ક્રીનપ્લે ફ્લેટ જ રાખ્યો છે. બોલિવૂડના લિજેન્ડ અમિતાભ ફરી એકવાર એમના કદ અનુસારનો અભિનય કરી ગયા છે. જો કે તેઓ કોઇપણ પાત્રમાં ઘૂસી જવા છતાંય જ્યારે કોઇ દમદાર ડાઇલોગ બોલે તો એ જ એંગ્રી યંગ મેન અંદાજમાં જ બોલે છે. બિગ બી અને ઋષિ કપૂર જેવા સમરકંદ બુખારા અભિનેતાની સામેય ગુજ્જુ જિમિત ત્રિવેદી પણ બકૂલ બુચ જેવા લહેકામાં મજા કરાવે છે. ખાસ તો જિમિતના એક્સપ્રેશન સુપર્બ છે. કમનસીબે 2007માં ભૂલભૂલૈયાથી ડેબ્યૂ કરનારા જિમિતને તેની ટેલેન્ટ અનુસાર ફિલ્મો મળી નથી. 
     
માત્ર 102 મિનિટની આ મૂવી એક 102 વર્ષના 'જવાન' બાપ અને 75 વર્ષના 'વૃદ્ધ' દિકરાની કહાની છે. 102 વર્ષના દત્તાત્રેય વખારિયાને જીવન પૂરુ કર્યાં પહેલાં જ મૃતપાય થઇ ગયેલાં 75 વર્ષીય દિકરાને ફરી એકવાર જિંદગી જીવતા શિખવવું છે. એ માટે એ એક ઉપાય શોધી કાઢે છે. વિચિત્ર લાગતા એ ઉપાયને કારણે ઉભી થતી પરિસ્થિતિઓમાં રમૂજ અને ભાવનાત્મકતા ઉપરાંત સંબંધોના દિલચશ્પ પહેલુઓ ઉજાગર થાય છે. 
     
પ્રથમ હાફમાં માત્ર રમૂજ વચ્ચે વાર્તા ધીમે ધીમે આગળ વધે છે પણ સેકન્ડ હાફમાં વાર્તામાં ધીમે ધીમે લેયર્સ ખૂલીને સામે આવતા જાય છે. એય બાબુડિયા કહીને પુત્રને સંબોધવાની બિગ બીના પાત્ર દત્તાત્રેયની રીત પિતા-પુત્ર વચ્ચે ન દેખાતી સંબંધોની મજબૂત કડીનો અરીસો બને છે. શો મેન રાજકપૂરના સંતાન ઋષિ પણ ખૂબ જ સહજતાથી તેમના પાત્રમાં આવતા પરિવર્તનને નિભાવી ગયા છે. સંગીત જરૂરિયાત મુજબનું હોવા છતાં એકંદરે યાદ રહી જાય તેવા કોઇ ગીત નથી. વાર્તા પામી શકાય તેવા જ અંત તરફ આગળ ધપતી રહે છે પણ તેમ છતાં છેલ્લી કેટલીક મિનિટ ખુબ જ સુંદર રહી છે.
         
ઓવરઓલ મસ્ત મજાના જિંદાદિલ સંદેશ સાથેની આ મૂવી વનટાઇમ વૉચ કેટેગરીમાં જઇને બેસે છે. ખાસ તો સહપરિવારને એમાંય માતા-પિતાને સાથે લઇ જઇને જોવા જેવી ખરી. 102 મિનિટમાં આ ત્રિપૂટી તમને સાવ નિરાશ તો નહીં જ કરે એ પાક્કું !