મુંબઈ : દિગ્ગજ એક્ટર, જાણીતી હસ્તી અને એડ ગુરુ તરીકે ફેમસ થયેલ અલીક પદમસીનું આજે 90 વર્ષની ઉમરે નિધન થયું છે. તેમણે એક પ્રાઈવેટ હોસ્પિટલમાં શનિવારે સવારે પાંચ વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના પરિવારમાં બે પૂર્વ પત્નીઓ, એક પૂર્વ પાર્ટનર અને ચાર સંતાનો છે. તેમની દીકરી શાહજહાન પદમસી બોલિવુડ એક્ટ્રેસ છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અલીકના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


લિરિલ અને ચેરી બ્લોસમ જેવી એડ
જાહેરાતની દુનિયામાં પોતાના કરિયર દરમિયાન ભારતની સૌથી મોટી જાહેરાત એજન્સી લિન્ટાસ ઈન્ડિયાના સીઈઓના રૂપમાં તેમણે 100થી વધુ પ્રોડક્સ-બ્રાન્ડસ માટે એડ બનાવી છે. તેઓ આ કંપનીમાં 14 વર્ષ સીઈઓ રહ્યા હતા. પદમસીના નામ પર લિરિલ ગર્લ, હમારા બજાજ, એમઆરએફ મસલ મેન, ચેરી બ્લોસમ અને કામસૂત્ર જેવી સફળ એડ બનાવવાના રેકોર્ડ છે. બાદમાં પદમસીએ 1994માં એપી એડવર્ટાઈઝિંગ પ્રાઈવેટ લિમિટેડની સ્થાપના કરી હતી.



જિન્ના રોલ કર્યો હતો
પદમસીએ કેટલાક યાદગાર રોલ પણ કર્યા છે. જેમાં 1982માં આવેલ રિચર્ડ એટનબરોની ફિલ્મ ગાંધી છે. જેમાં તેમણે મહંમદ અલી જિન્નાનો રોલ કર્યો હતો. આ ફિલ્મે અનેક પુરસ્કાર જીત્યા હતા.  


70 અંગ્રેજી નાટક બનાવ્યા
અંગ્રેજી રંગમંચ માટે ફેમસ પદમસીએ લગભગ 70 નાટકો કર્યા હતા. જેમાં એવિટા, તુગલક, જિસસ ક્રાઈસ્ટ સુપરસ્ટાર, ડેથ ઓફ અ સેલ્સમેન, અ સ્ટ્રીટકાર નેમ્ડ ડિઝાયર અને બ્રોકન ઈમેજિસ સામેલ છે.


ગુજરાતમાં થયો હતો જન્મ
અલીક ગુજરાતના એક કુલીન, પરંતુ અતિરુઢીવાદી ખોજા મુસ્લિમ પરિવારમાં પેદા થયા હતા. તેમના પિતાનું નામ જફરભાઈ પદમસી અને માતાનું નામ કુલસુમબાઈ પદમસી હતું. તેમના ભાઈ અકબર પદમસી આધુનિક ભારતના ફેમસ આર્ટિસ્ટ છે. પદમસીને તેમના જીવનમાં અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં પદ્મશ્રી, એડવર્ટાઈઝિંગ મેન ઓફ ધ સેન્ચ્યુરી અને સંગીત નાટક એકેડમીનું ટાગોર રત્ન પણ સામેલ છે.