જય કિશનથી જેકી શ્રોફ બનવા સુધીની સફર નથી રહી સરળ, જાણો તેમના જન્મદિવસ પર સુપર સ્ટારની કહાની
હિન્દી ફિલ્મોના સંખ્યાબંધ કલાકારો વચ્ચે આગવી શૈલીથી જે કલાકારે સિનેજગતમાં સફળતા મેળવી તે જેકી શ્રોફનો આજે જન્મદિવસ છે. જેકી શ્રોફ 64 વર્ષના થયા. જેકી શ્રોફે તેની 40 વર્ષ જેટલી લાંબી ફિલ્મી કારકિર્દીમાં 220થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.
વિરલ પટેલ, અમદાવાદઃ હિન્દી ફિલ્મોના સંખ્યાબંધ કલાકારો વચ્ચે આગવી શૈલીથી જે કલાકારે સિનેજગતમાં સફળતા મેળવી તે જેકી શ્રોફનો (happy birthday Jackie Shroff) આજે જન્મદિવસ છે. જેકી શ્રોફ 64 વર્ષના થયા. જેકી શ્રોફે તેની 40 વર્ષ જેટલી લાંબી ફિલ્મી કારકિર્દીમાં 220થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. જેકી શ્રોફ આ ઉમરમાં પણ એટલા જ ઊર્જાથી ભરપૂર છે. જયકિશનથી જેકી શ્રોફ બનવાની સફર સંઘર્ષમય તો રહી છે પરંતું ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કારકિર્દી ઘડવા માગતા યુવાઓ માટે પ્રેરણાદાયી પણ છે.
જેકી શ્રોફનો જન્મ 1 ફેબ્રુઆરી વર્ષ 1957ના દિવસે મુંબઈમાં થયો હતો. જેકી શ્રોફના (Jackie Shroff) પિતા ગુજરાતી તો માતા તુર્કીશ હતા. ફિલ્મ ઇન્ડસ્ટ્રીના આ સિતારાનું બાળપણ ખૂબ જ સંઘર્ષમાં પસાર થયું. હાલ તેઓ ભલે કરોડો રૂપિયાની સંપત્તિના માલિક હોય પણ તેમનું બાળપણ મુંબઈની ચાલીમાં ખુબ મુશ્કેલીમાં પસાર થયું. આજે જેકી શ્રોફના જન્મદિવસ પર તેમની સંઘર્ષમય જિંદગીથી સુપર સ્ટાર બનવા સુધીની સફર પર એક નજર નાખીએ.
જેકી નામ આ રીતે પડ્યું
જેકી શ્રોફ 64 વર્ષની ઉંમરે પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સક્રિય છે. તેમનો દેશી અંદાજ અને બમ્બૈયા સ્ટાઈલમાં બોલવાની રીત દર્શકોને ખૂબ જ ગમી. જેકીનું અસલી નામ જય કિશન કાકુભાઈ શ્રોફ છે. જય કિશનથી જેકી બનવાની શરૂઆત તેમની સ્કુલથી જ થઈ. તેમના મિત્રોને જય કિશન શ્રોફ બહુ લાંબુ નામ લાગતું હતું. જેથી સ્કુલના મિત્રો તેમને જેકી કહેતા હતા.
કઈ રીતે બન્યા જગ્ગુ દાદા
જેકી તેના પરિવાર સાથે માલાબાર હિલમાં આવેલી ચાલીમાં રહેતા હતા. જેકીએ તેમના મોટા ભાઈને ખરા અર્થમાં જગુદાદા ગણાવ્યા છે. જેકી શ્રોફના ભાઈ ચાલીમાં રહેતા લોકોની મદદ કરતા રહેતા હતા જેથી ચાલીના લોકો તેને જગ્ગુ દાદા કહેતા હતા. જેકી શ્રોફના મોટાભાઈએ એક દિવસ એક વ્યક્તિને દરિયામાં ડૂબતા જોયો. તરતા ન આવડતું હોવા છતાં જેકી શ્રોફના ભાઈએ દરિયામાં છલાંગ લગાવી દીધી જેના કારણે તેઓ ડૂબવા લાગ્યા. આ નજારો તે સમયે જેકી શ્રોફ જોઈ રહ્યા હતા. પોતાના ભાઇને બચાવવા જેકીએ કેબલ ફેંકી પરંતુ જેકીના ભાઈના હાથમાંથી કેબલ સરકી ગઈ અને તેમના ભાઈ ડૂબી ગયા. જેકી શ્રોફે પોતાની નજરો સામે જ મોટાભાઈને ગુમાવી દીધા. મોટાભાઈના મૃત્યુને કારણે જેકી શ્રોફ ઘણા સમય સુધી આઘાતમાં જ રહ્યા. ત્યારબાદ પોતાના ભાઈની લોકોની સેવા કરવાની ભાવના તેમણે સ્વીકારી લીધી. ત્યારબાદ ચાલીમાં લોકોની મદદ કરનારા જેકી શ્રોફ લોકોના પ્રિય જગ્ગુ દાદા બની ગયા.
હીરો ફિલ્મથી રાતોરાત જેકી બન્યા સ્ટાર
જેકી શ્રોફ તેની શરૂઆતની કારકિર્દીમાં નાની મોટી જાહેરાતો કરી. વર્ષ 1982માં આવેલી દેવ આનંદની ફિલ્મ 'સ્વામી દાદા'થી કરી હતી. ફિલ્મમાં તેમની નાની ભૂમિકા હતી. ફિલ્મ મેકર સુભાષ ઘાઈની નજર યુવા કલાકાર પર પડી. તે સમયે સુભાષ ઘાઈ 'હીરો' ફિલ્મ બનાવવાની તૈયારી કરી રહ્યા હતા. 'હીરો' માટે સુભાષ ઘાઈ રફ એન્ડ ટફ ઈમેજ વાળા કલાકારને લેવા માગતા હતા. જેકી શ્રોફ આ કિરદાર માટે સંપૂર્ણ રીતે ફિટ બેસતા હતા. જેકીને 'હીરો'માં મુખ્ય કલાકાર તરીકે લેવામા આવ્યા. ફિલ્મમાં જેકી શ્રોફે મવાલીનું પાત્ર ભજવ્યું હતું. મીનાક્ષી શેસાદ્રી ફિલ્મની અદાકારા હતી. 'હીરો'થી જેકી શ્રોફ સ્ટાર બની ગયા. ફિલ્મના ગીતોએ પણ લોકોને ઘેલા કર્યા. તેમને ખરી સફળતા તો સુભાષ ઘાઈની ફિલ્મ 'હીરો'એ અપાવી.
ફરી એકવાર સુભાષ ઘાઈ સાથે જોડી જમાવી
વર્ષ 1986માં જેકી શ્રોફને સુભાષ ઘાઈ સાથે કામ કરવાની તક મળી. સુભાષ ઘાઈની ફિલ્મ 'કર્મા' માં જેકી શ્રોફે કામ કર્યું. ફિલ્મમાં મુખ્ય પાત્રમાં દિલીપ કુમાર હતા પણ જેકી શ્રોફે પણ તેમના અભિનયથી દર્શકોને પ્રભાવિત કર્યા. ફિલ્મમાં અનિલ કપૂર પણ હતા અને તે ફિલ્મથી બંને નાયકની સુપરહિટ જોડી બની. વર્ષ 1987 માં તેમણે 'કાશ' ફિલ્મ કરી. આ ફિલ્મે જેકી શ્રોફની છબી મહદઅંશે બદલી. મારધાડ વાળી ફિલ્મો કરનાર જેકીએ આ ફિલ્મમાં ગંભીર અભિનય ભજવ્યો.
વર્ષ 1989 માં દર્શકોને મળ્યા તેમના 'રામ -લખન'
આ વર્ષ જેકી શ્રોફ માટે લકી સાબિત થયું. જેકીની 'ત્રિદેવ', 'પરિંદે' અને 'રામ - લખન' રિલીઝ થઈ. ત્રણેય ફિલ્મ સુપરહિટ નીવડી. ફરી એકવાર સુભાષ ઘાઈ જેકી શ્રોફ માટે હિટ લઈને આવ્યા. 'રામ લખન' તો સુપરહિટ નીવડી, દર્શકોને જેકી શ્રોફ અને અનિલ કપૂરની ભાઈ તરીકેની જોડી ખૂબ ગમી. આ ફિલ્મના ગીતો એકથી એક ચડિયાતા સાબિત થયા. ફિલ્મ 'પરિંદા' માટે જેકી શ્રોફને સર્વશ્રેષ્ઠ અભિનેતા તરીકેનો ફિલ્મફેર પુરસ્કાર મળ્યો.વર્ષ 1993માં '1942 સ્ટોરી' અને વર્ષ 1995માં રિલીઝ થયેલી 'રંગીલા' માટે જેકી શ્રોફને સહાયક અભિનેતા તરીકે ફિલ્મ ફેર પુરસ્કાર મળ્યો.
જેકી શ્રોફે ન માત્ર હિન્દી પરંતું ગુજરાતી, મરાઠી, તમિલ, તેલુગુ, મલયાલમ, પંજાબી સહિતની ભાષાઓની ફિલ્મોમાં કામ કર્યું છે. જેકી શ્રોફ ખૂબ જ સારી ગુજરાતી બોલી શકે છે.તેઓએ 'વેન્ટિલેટર' ગુજરાતી ફિલ્મમાં યાદગાર અભિનય કર્યો જેમાં તેમની સાથે ગુજ્જુ સ્ટાર પ્રતીક ગાંધી પણ હતા. જેકી શ્રોફની જોડી માધુરી દીક્ષિત, મીનાક્ષી સેસાદ્રી ,ડિમ્પલ કાપડિયા, જુહી ચાવલા સાથે વધુ જામી.
જ્યારે જેકી શ્રોફે અનિલ કપૂરને માર્યા 17 લાફા
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અનિલ કપૂર અને જેકી શ્રોફની મિત્રતાની મિસાલ આપવામાં આવે છે. પ્રોડ્યુસર વિધુ વિનોદ ચોપરાએ 'પરિંદા' ફિલ્મનો એક કિસ્સો શેર કર્યો. ફિલ્મના એક સીનમાં જેકી શ્રોફે અનિલ કપૂરને લાફો મારવાનું હતો. જેકી શ્રોફે અનિલ કપૂરને એક લાફો માર્યો. અનિલ કપૂરને લાગ્યું હજી રિયલ ફિલિંગ આવતી નથી અને અનિલે જેકી શ્રોફને ફરી લાફો મારવાનુ કીધું. એક બે લાફા મારતા સીનમાં કુલ 17 લાફા જેકી શ્રોફે અનિલ કપૂરને મારી દીધા. વાસ્તવિકતામાં જેકીએ અનિલને લાફા મારી દીધા હતા.
અનિલ કપૂર અને સલમાન ખાન જેકીના ખાસ મિત્ર
જેકી શ્રોફ ફિલ્મોમાં જ નહીં પરંતું રિયલ લાઇફમાં પણ અનિલ કપૂર માટે મોટા ભાઈ સમાન છે. સલમાન ખાને જ્યારે કારકિર્દીની નવી શરૂઆત કરી ત્યારે જેકી શ્રોફે એવું કીધું હતું કે ' યે લડકા એક દિન બહુત બડા સ્ટાર બનેગા ' .અને આ વાત સાચી સાબિત થઈ.
જેકી સલમાનની તસ્વીર જેબમાં લઈને ફરતા
જેકી શ્રોફ શરૂઆતમાં પોતાના ખિસ્સામાં સલમાન ખાનની તસવીર લઈને ફરતા હતા. તે સમયે જુદા જુદા પ્રોડ્યુસરને મળતા અને કહેતા કે આને સાઈન કરો ખૂબ જ સારો અભિનેતા છે. ઘણા ફિલ્મ મેકરોએ સલમાન ખાન માટે જેકી શ્રોફનો સંપર્ક પણ કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube