બર્થ-ડે સ્પેશિયલ : લતા મંગેશકર છે અડધા ગુજરાતણ ! જાણો ખાસ કનેક્શન વિશે
28 સપ્ટેમ્બર, 1929ના દિવસે જન્મેલા બોલિવૂડના ટોચના ગાયિકા લતા મંગેશકરનો આજે જન્મદિવસ છે
મુંબઇ : 28 સપ્ટેમ્બર, 1929ના દિવસે જન્મેલા બોલિવૂડના ટોચના ગાયિકા લતા મંગેશકરનો આજે જન્મદિવસ છે. પોતાની ગાયકીથી આખી દુનિયામાં લોકપ્રિયતા મેળવનાર લતા અડધા ગુજરાતણ છે એની બહુ ઓછા લોકોને ખબર છે. લતાએ પોતે આ વાત હરીશ ભીમાણીના પુસ્તક 'In Search of Lata Mangeshkar'માં કરી હતી.
લતા મંગેશકરના પિતા દીનાનાથ મંગેશકરે બે ગુજરાતી બહેનો સાથે લગ્નકર્યા હતા અને લતા પોતાની નાની પાસેથી માતાજીના ગરબા શીખ્યા હતા. લતા મંગેશકરે પણ સમક્ષ સ્વીકાર્યું છે કે તે અડધા ગુજરાતી છે. લતા મંગેશકરે બહુ મોટી સંખ્યામાં ગુજરાતી ફિલ્મી ગીતોને પણ પોતાનો અવાજ આપ્યો છે.
લતા મંગેશકરના પિતા દીનાનાથ મંગેશકરના લગ્ન નર્મદાબહેન લાડ સાથે થયા હતા. નર્મદાબેન થલનેરના શેઠ હરિદાસ રામદાસ લાડની મોટી દીકરી હતા. 1922માં દીનાનાથ અને નર્મદાના લગ્ન થયા. લગ્ન બાદ તેમનું નામ બદલીને શ્રીમતી કરી દેવામાં આવ્યું હતું. તેમને લતિકા નામની એક પુત્રી પણ હતી જે નાનપણમાં જ ગુજરી ગઇ હતી. નર્મદાબહેનનું અકાળે અવસાન થવાથી દીનાનાથે 1927માં નર્મદાની નાની બહેન શેવંતી સાથે બીજા લગ્ન કર્યા હતા. લતા મંગેશકર આ લગ્નથી થયેલું પહેલું સંતાન. શેવંતીબહેનનું નામ પાછળથી બદલીને શુદ્ધમતી રાખવામાં આવ્યું હતું. દીનાનાથ અને શેવંતીબહેનને કુલ પાંચ સંતાનો થયા. ચાર દીકરીઓ લતા, મીના, આશા, ઉશા અને એક દીકરો હ્રદયનાથ. આ તમામ ભાઈ-બહેનો સંગીતના ક્ષેત્રમાં આગળ પડતું નામ છે.