નરગિસ ક્યારેય નહોતી પહેરતી સુનીલ દત્તની લાવેલી સાડીઓ કારણ કે...
એક્ટર સુનીલ દત્તની આજે પુણ્યતિથી છે ત્યારે તેના જીવનની એક વિચિત્ર હકીકત જાણવા મળી છે. સુનીલ દત્ત અને નરગિસનું લગ્નજીવન બહુ સુખી હતું પણ એક ખાસ વાત એ છે કે નરગિસ ક્યારેય સુનીલ દત્તની લાવેલી સાડીઓ નહોતા પહેરતાં.
મુંબઈ : એક્ટર સુનીલ દત્તની આજે પુણ્યતિથી છે ત્યારે તેના જીવનની એક વિચિત્ર હકીકત જાણવા મળી છે. સુનીલ દત્ત અને નરગિસનું લગ્નજીવન બહુ સુખી હતું પણ એક ખાસ વાત એ છે કે નરગિસ ક્યારેય સુનીલ દત્તની લાવેલી સાડીઓ નહોતા પહેરતાં. નરગિસની વાત કરીએ તો નજર સામે એક જાજરમાન વ્યક્તિત્વ આવી જાય છે. નરગિસને ખરેખર શ્વેત સાડીઓનો શોખ હતો. એમને સૌ વુમન-ઇન-વ્હાઇટ કહેતાં. એ ઘણું કરીને કોટન અને ઓરગેન્ઝાની સાડી જ પહેરતાં. થોડુંક એમ્બ્રોઇડરી વર્ક થયેલું હોય. ઘરેણાંનો ખાસ શોખ નહોતો. બહુ બહુ તો કાનમાં બુટ્ટી હોય ને બંને હાથે સોનાની બબ્બે બંગડીઓ હોય. તેમણે પછી રુદ્રાક્ષની માળા પહેરવાનું શરૃ કર્યું હતું. જાપ કરતી વખતે પણ તેઓ આ જ માળાનો ઉપયોગ કરતાં.
સુનીલ દત્ત અને નરગિસ સાથે જોડાયેલો એક કિસ્સો એવો પણ છે કે, જ્યારે સુનીલ દત્ત બહાર જતાં ત્યારે નરગિસ માટે અચૂક સાડીઓ લાવતાં પરંતુ સુનીલે લાવેલી સાડીઓ નરગિસે ક્યારેય નહોતી પહેરી કારણકે આ સાડીઓ તેમને ગમતી નહોતી. સુનીલ દત્તનો જન્મ 6 જૂન, 1929માં પંજાબના જેલમ જિલ્લાના ખુર્દી નામના ગામમાં થયો હતો. તેમનું સાચું નામ બલરાજ દત્ત હતું. સુનીલે પોતાનું કરિયર રેડિયોથી શરૂ કર્યું હતું. તે Radio Ceylonમાં હિંદીના સુપ્રસિદ્ધ એનાઉન્સર હતા. એક શાનદાર અભિનેતા હોવાની સાથે સાથે તે સફળ રાજનેતા પણ હતા. 1955માં ફિલ્મ ‘રેલવે સ્ટેશન’થી તેમણે પોતાની ફિલ્મ કરિયર શરૂ કરી હતી.
1957માં મહબૂબ ખાનની ફિલ્મ ‘મધર ઈંડિયા’ના શૂટિંગ વખતે લાગેલી આગમાંથી નરગિસને બચાવતી વખતે સુનીલ દત્ત દાઝી ગયા હતા. જોકે પછી તેમની વચ્ચે પ્રેમ થઈ ગયો હતો અને તેમણે લગ્ન કરી લીધા હતા. તેમની આ ફિલ્મ ઓસ્કર માટે નોમિનેટ થઈ હતી. સુનીલ દત્તની શ્રેષ્ઠ ફિલ્મો જે આજે પણ દર્શકોના માનસપટ પર અકબંધ છે, તેમાં ‘સાધના’, ‘સુજાતા’, ‘મુજે જીને દો’, ‘ગુમરાહ’, ‘વક્ત’, ‘ખાનદાન’, ‘પડોસન’ અને ‘હમરાઝ’ વગેરે જેવી ફિલ્મો છે. તેમણે પત્ની નરગિસના મૃત્યુ બાદ ‘નરગિસ દત્ત મેમોરિયલ કેન્સર ફાઉંડેશન’ની સ્થાપના કરી હતી. સુનીલ દત્તે 40 વર્ષનું જીવન ફિલ્મોને સમર્પિત કર્યું. જેના માટે તેમને ‘ફિલ્મફેર લાઈફ ટાઈમ અચિવમેન્ટ અવોર્ડ’થી સમ્માનિત કરાયા હતા.