મુફ્ફદલ કપાસી: ગત વર્ષે 200 કરોડથી વધુ મૂવી ટિકિટ્સ ખરીદીને ભારતીયો વિશ્વભરમાં અવ્વલ રહ્યાં. વર્ષે દહાડે 2 હજારથી વધુ મૂવી રિલીઝ કરતું ભારતીય સિનેજગત મૂવી પ્રોડક્શનમાં પણ દૂનિયામાં નંબર વન પર છે. જો કે મૂવી જોવા માટે ઘેલી પ્રજા તો આશ્ચર્યજનક રીતે લેટિન અમેરિકન દેશ મેક્સિકોની છે. મેક્સિકન્સની છાતી ગજગજ ફૂલે એવી આંકડાકીય હકીકત એ છે કે મેક્સિકો વર્ષે દહાડે માંડ 150થી 200 મૂવીઝ બનાવતું હશે તેની સામે મેક્સિકોમાં ટિકિટ્સનું વેચાણ ગત વર્ષે 35 કરોડથી વધુનું રહ્યું ! 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મૂવી બનાવવાની બાબતમાં મેક્સિકો ભલે દૂનિયાના ટોપ ટેન રાષ્ટ્રોમાં પણ નથી પણ ટિકિટ્સ ખરીદીને મૂવી જોવામાં મેક્સિકો વિશ્વના ટોપ 5 રાષ્ટ્રોમાં વટભેર સ્થાન ધરાવે છે ! થોભો, મેક્સિકોનો એક આમ સિનેચાહક એથીય વધુ ગર્વ લઇ શકે એવી બાબત એ છે કે મેક્સિકન ફિલ્મ ઇન્ડસ્ટ્રી જ્યાં ભારત કરતાં 10માં ભાગથીય ઓછી મૂવીઝ બનાવે છે છતાં તેમની મૂવીઝને નામે એક-બે નહી પણ આઠ-આઠ ઓસ્કર એવૉર્ડ્ઝ બોલે છે ! બોલિવૂડ કોશિશો છતાંય ઓસ્કર એવોર્ડ્ઝથી દૂર છે.

પણ મેક્સિકન સિનેજગતની આખી પ્રસ્તાવનાનો ટૂંક સાર એટલો કે મૂવીનું કન્ટેન્ટ જેટલું મજબૂત, બોક્સઓફિસ પર્ફોર્મન્સ પણ એટલું જ મજબૂત. માત્ર સ્ટાર પાવરને બદલે કન્ટેન્ટ ડ્રિવન સિનેમાનો યુગ આપણે ત્યાં હજુ પૂરેપૂરો નથી આવ્યો. જેમ ચૂંટણી પહેલાં એક્ઝીટ અને ઓપિનિયન પોલની બોલબાલા હોય છે બસ કંઇક એ જ રીતે ભારતીય સિનેજગતના ટ્રેન્ડ્સ કહી રહ્યાં છે કે હવે સમય કન્ટેન્ટ ડ્રિવન સિનેમાનો છે. 


શાણા બનતા જઇ રહેલાં ભારતીય દર્શકો મજબૂત કન્ટેન્ટ ધરાવતી મૂવીઝને હાથ ફેલાવીને આવકારી રહ્યાં છે. સ્ટાર પાવર કે પછી લાર્જર ધેન લાઇફ પિક્ચરાઇઝેશનથી નાણાં કમાવાને બદલે વાર્તા અને પ્રસ્તુતિ પર ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. એટલે જ કદાચ હવે લો અને મિડિયમ બજેટ મૂવીઝ બોક્સઓફિસ પર ધૂમ મચાવી રહી છે. વર્ષ 2018ના પહેલાં 5 મહિના એ રીતે આકર્ષક રહ્યાં છે.
              
ઓછા રોકાણ અને લિમિટેડ પ્રમોશન છતાંય કમાણીમાં 'બાહુબલિ' સાબિત થતી મૂવીઝનો ટ્રેન્ડ 2017માં પણ સોલિડ રહ્યો અને હવે 2018માં પણ સારા સંકેત છે. ગત વર્ષે જ્યાં હિન્દી મિડિયમ, ફૂકરે રિટર્ન્સ, લિપસ્ટીક અંડર માય બુરખા, ન્યૂટન, તુમ્હારી સૂલુ, બરેલી કી બરફી, શુભ મંગલ સાવધાન, નામ શબાના, ફિલ્લૌરી અને ધ ગાઝી એટેક જેવી લો અને મિડિયમ બજેટ મૂવી માત્ર સારા મૌખિક પ્રચારને આધારે જ કમાલ કરી ગઇ. 


એ જ રીતે આ વર્ષના પહેલાં 5 મહિનામાં જ સોનુ કે ટીટુ કી સ્વીટી, હિચકી, પેડમેન, પરી, રેઇડ, ઓક્ટોબર હિટ કે સુપરહિટનું લેબલ મેળવી ચૂકી છે. સાવ તાજું ઉદાહરણ રાઝી અને 102 નોટ આઉટનું છે. જ્યાં રાઝીને સુપરહિટનું તો 102 નોટઆઉટને હિટનું ટેગ લગાવવામાં આવી રહ્યું છે. બીજીતરફ સ્ટારપાવર કે બ્રાન્ડપાવરનો ઉપયોગ કરીને પદ્માવત અને બાગી-2 સુપરહિટ થઇ ચૂકી છે.


પ્રમોશનના હાર્ડકોર એરામાં જ્યાં ફિલ્મ નિર્માણ કંપનીઓ પ્રમોશનલ એક્ટિવિટીઝ માટે જાત જાતના અને ભાત ભાતના નુસખાઓ અજમાવે છે ત્યારે word of mouth જેવા માહિતિના વ્યક્તિથી વ્યક્તિ સુધીના પ્રસારનો વર્ષો જૂનો ફૉર્મ્યૂલા જ આજે કન્ટેન્ટ ડ્રિવન સિનેમાનો આધારસ્તંભ બની ગયો છે. ગુજરાતી સિનેમાએ પણ હમણાં જ એનો તાજો દાખલો જોયો છે. જે રેવા મૂવી શરૂઆતના બે-ત્રણ દિવસમાં જ્યાં આખો સિનેમાહોલ ખાલી જોઇ ચૂક્યું હતું એને જ પાછળથી એના કન્ટેન્ટને લીધે word of mouthનો એવો સહારો મળ્યો કે પછીથી તેના અનેક શૉ હાઉસફૂલ ગયા. 


હજુ 2018માં જ એવી અનેક મૂવીઝ આવી રહી છે. જેના પર સિનેરસિકોની નજર મંડાયેલી છે. સૌથી લેટેસ્ટ આવી રહેલી સંજુ, મણિકર્ણિકા, ધડક, ઠગ્સ ઓફ હિન્દુસ્તાન, રેસ-3, પરમાણુ, ઝીરો, ગોલ્ડ, સૂઇ ધાગા સહિતનું આ લિસ્ટ જેટલું લાંબુલચ્ચક છે એટલું જ લ્યૂક્રેટિવ છે ! સિનેમાના એક દિલ સે ચાહક હોવાના નાતે 2018નું વર્ષ સફળતાની દ્રષ્ટિએ નવી ઉંચાઇઓ સિદ્ધ કરવાનું છે એ બાબતે લગભગ શ્યોરશોટ લાગી રહી છે. પણ આપણે પણ મેક્સિકન્સ જેવી દિવાનગી કેળવી શકીએ એ પણ સિનેમા માટે એટલું જ જરૂરી છે. સાથે જ જરૂરી છે દરેક મૂવી થિયેટરમાં જઇને જ જોવુ.