Movie review: સ્વભાવે સૌમ્ય, સરળ, અંતે આકરી પણ ખૂંપાવી દેતી અને શૂજિત દાના ટિપીકલ ક્લાસને વરેલી છે ઓક્ટોબર !
પ્રેમ એટલે શું ? પ્રેમની વ્યાખ્યા શું હોય શકે ? પ્રેમના પ્રકાર કેટલાં હોય શકે ? પ્રેમનું ઉદભવસ્થાન શું હોય શકે ? અને પ્રેમ પાંગરે તો કેવી રીતે અને કયા સંજોગોમાં પાંગરી શકે ? શું તમે પ્રેમના બધા સ્વરૂપ, પ્રકાર, અંદાજને જાણો છો ? જો ના, તો પ્રેમના એક અનોખા અસ્તિત્વનો અનુભવ કરાવતી મૂવી એટલે ઓક્ટોબર
મુફદ્દલ કપાસી/અમદાવાદ : પ્રેમ એટલે શું ? પ્રેમની વ્યાખ્યા શું હોય શકે ? પ્રેમના પ્રકાર કેટલાં હોય શકે ? પ્રેમનું ઉદભવસ્થાન શું હોય શકે ? અને પ્રેમ પાંગરે તો કેવી રીતે અને કયા સંજોગોમાં પાંગરી શકે ? શું તમે પ્રેમના બધા સ્વરૂપ, પ્રકાર, અંદાજને જાણો છો ? જો ના, તો પ્રેમના એક અનોખા અસ્તિત્વનો અનુભવ કરાવતી મૂવી એટલે ઓક્ટોબર.
સિનેમાના ઇતિહાસમાં આજે એક અનોખી ઘટના બની. બન્યું એવું કે એક જ દિવસે બે સાઇલન્ટ મૂવી રિલીઝ થઇ ! એક તો પ્રભુદેવા અભિનિત મર્ક્યુરી કે જેમાં લિટરલી કોઈ સંવાદ નથી ! અને બીજી આ ઓક્ટોબર જેમાં સંવાદ તો છે પણ તમે એની સાઇલેન્ટનેસ, ગહન શાંતિને કાનથી નહી આત્માથી અનુભવી શકશો. ઓક્ટોબર પહેલાં દ્રશ્યથી જ બધી જ રીતે ગહન શાતા ધરેાવે છે.
અડાબીડ જંગલમાં શાંત સરોવરના શીતળ જળમાં ઉંડે ડૂબકી લગાવીને મળતી શાતા કે શાંતિ તમે તમારા માનસ પર ધીમે ધીમે અનુભવતા જશો. વાર્તા શરૂ થયેથી આગળ ધપવામાં પણ શાંત છે ! એકદમ સ્લો પેસ વચ્ચેય એટલું ખરું કે શૂજિત દા તમને વાર્તામાં ડૂબકી લગાવવા મજબૂર કરી દેશે. તમે પ્રવાહમાં ભળતા નથી પણ ધીમેથી તમારો હાથ પકડીને તમને પ્રવાહમાં જોડી દેવામાં આવે છે. તમે ક્યારે જોડાવ છો એનું પણ તમને ધ્યાન નથી રહેતું. હા શરત એટલી કે શૂજિત દા જે ભાવવિશ્વમાં લઈ જવા માગે છે એ માટે તમારું માનસ તૈયાર હોવું જોઇએ.
એક ફાઇવસ્ટાર હોટલમાં ઇન્ટર્ન તરીકે સાથે કામ કરતાં વરૂણ ધવન અને શિઉલી બન્ને એકબીજાથી બિલકૂલ વિપરીત છે. બન્ને કલિગથી વધારે કંઇ નથી. ડિરેક્ટર શૂજિત તમને એમના ઋણાનુબંધનો ભાસ કરાવવા કોઇ વિશેષ ઘટનાક્રમ પણ બતાવતા નથી પણ એક દુર્ઘટના બધું જ બદલી નાખે છે. વરૂણે બદલાપુર બાદ વધુ એકવાર સાબિત કર્યું છે કે તે નાચવા-હસાવવા-ઠમઠોરવા સિવાય ઘણું બધુ કરી શકે છે. પણ મને ડર છે કે નો ફ્લોપનું ટેગ ધરાવતા વરૂણ ધવન માટે આ વખતે એ ટેગ સાચવવું અઘરું બની જશે !
શૂજિત દાની ઓક્ટોબરમાં શાલીનતા, શાંતિ, શીતળતા કે શાતા, શત પ્રતિશત ખુબ મોટા સમૂહને ગળે નહી જ ઉતરે. પણ ખુશી છે કે શૂજિત દા કે વરૂણ ધવનને ઓક્ટોબરના પોતાના પાત્રની જેમ જ એની કોઇ પરવા નથી ! નવોદિત શિઉલી અને ગીતાંજલિ રાવ પણ પોતપોતાના પાત્ર માટે પરફેક્ટ ચોઇસ છે. હાડોહાડ કમર્શિયલ ફિલ્મો પિરસવાની હોડ વચ્ચે ઓક્ટોબર એ સમયે આપણે ત્યાં જે વાતાવરણ હોય છે જે તેવી જ આહલાદક છે અને એને અનુરૂપ જ સંગીત આપ્યું છે શાંતનુ મોઇત્રાએ. સુખદ આશ્ચર્ય એ વાતનું કે વાર્તાની પ્રવાહિતા ગીતની સંભાવના ધરાવતી હોવા છતાં કોઇ ગીત ઘૂસાડાયું નથી.
વાર્તામાં સીધી રીતે કડીઓ જોડતા ત્રણ પાત્ર છે એક તો વરૂણ ધવનનું ડાનનું પાત્ર, બીજું બનિતા સંધુનું શિઉલીનું પાત્ર ત્રીજું શિઉલીની માતા તરીકે ગીતાંજલિ રાવનું પ્રોફેસર વિદ્યાનું પાત્ર પણ છતાં તમને વાર્તાની કડીને સપોર્ટ કરતાં અન્ય પાત્રોમાં પણ શૂજિત દાનું ઉંડાણ જોવા મળશે. આવું જ એક પાત્ર છે હોટલના એક મેનેજરનું જે ડાનની બાલિશ હરકતો પછી તેને ઠપકો આપ્યે રાખીને પણ એક સિનિયરને છાજે તેવો સપોર્ટ આપતા રહે છે. મૂળ તો, પાત્રોની સાથે કનેક્ટ કરવાની શૂજિત સરકારની આવડતનો આ એક પુરાવો છે.
વાર્તા ઘોર મૂંઝવી નાખતા સમયમાં પણ હિંમત ન હારવાનો સીધો મેસેજ તો આપે જ છે. સાથે જ મન જે કહેતું હોય તે કરવું, સમય પ્રમાણે વર્તવું, મિત્રતા અમૂલ્ય છે, દૂખ-ઉંડા ઘા સમયની સાથે રૂઝ જરૂર આપે છે. સ્વાર્થવિહોણા સંબંધો અમર હોય છે અને સાથે જ સફળતા તો મક્કમ મનના માણસની ગુલામ છે સહિતના મેસેજ સાવ નિશબ્દ ભાવમાં આપે છે. મસાલા એન્ટરટેઇનમેન્ટના જમાનામાં જ્યાં મબલખ ગાબડાવાળી બાગી-2 જેવી મૂવીઝ કરોડો કમાઇ શકે છે ત્યાં માત્ર સિનેમેટિક એક્સિલેન્સ અને સ્ટ્રેઇટ ફોરવર્ડનેસ વાળી મૂવી બનાવવા માટે આકરી મહેનત કરાય છે તેના સાક્ષી બનવું ચોક્કસથી ગુઝબમ્પ આપે છે. વિકી ડોનર અને પીકુ બાદ શૂજિત સરકારે વધુ એકવાર બોલિવૂડમાં પણ આ સ્તરના મૂવી બનાવવાની હિંમત દાખવી છે. શૂજિત પોતાના અંદાજને વફાદારીથી વળગી રહ્યાં છે. તેમણે પોતાના ક્લાસને જાળવી રાખ્યો છે. રાઇટર જૂહી ચતુર્વેદીએ પણ શૂજિત દાને અનુરૂપ વાર્તા લખી છે.
એટ ધ એન્ડ, એટલું ચોક્કસ કે જો ટ્વીસ્ટ એન્ડ ટર્ન, થ્રીલ અને એક્શનની બાદબાકી ધરાવતી અને બિલકૂલ સરળ રીતે ચૂપચાપ વહી જતી ફિલ્મને તમે માણી શકતા હોવ તો જ ઓક્ટોબર તમારા માટે છે. અન્યથા એન્ટરટેઇનમેન્ટની જોયરાઇડ ઇચ્છતા સહુકોઇને મારી સ્ટ્રીક્ટ નો-નો છે !