નવી દિલ્હી: ગત વર્ષે 'બાદશાહો' અને 'ગોલમાલ અગેન' જેવી ફિલ્મોથી બોક્સ ઓફિસ પર ધમાલ મચાવ્યા બાદ બોલિવૂડ અભિનેતા અજય દેવગણની આજે ફિલ્મ 'રેડ' થિયેટરોમાં રિલીઝ થઈ. ફિલ્મ સમીક્ષક તરણ આદર્શના જણાવ્યાં અનુસાર આ ફિલ્મ શાનદાર છે. તેમણે ટ્વિટર પર એક શબ્દમાં ફિલ્મનો રિવ્યુ કરતા શાનદાર લખ્યુ છે. ક્રિટિક્સનું માનીએ તો ઈન્કમ ટેક્સ અધિકારીની ભૂમિકામાં અજય દેવગણ ખુબ શાનદાર લાગે છે. (રેડનું Trailer જોવા ક્લિક કરો)


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ફિલ્મની ટેગલાઈન છે 'હીરો હંમેશા યુનિફોર્મમાં નથી આવતો'. જે સાચુ પણ છે. અજય દેવગણ આ અગાઉ 'સિંઘમ', 'ગંગાજળ' જેવી ફિલ્મોમાં પોલીસ યુનિફોર્મમાં જોવા મળ્યો હતો પરંતુ આ નવી ફિલ્મમાં યુનિફોર્મ વગર પણ અજય દમદાર અંદાઝમાં જોવા મળી રહ્યો છે.


કલાકારો: અજય દેવગણ, ઈલિયાના ડિક્રુઝ, સૌરભ શુક્લા, સાનંદ વર્મા
નિર્દેશક: રાજકુમાર ગુપ્તા


વાર્તા: હકીકતમાં આ ફિલ્મ 1981માં લખનઉમાં પડેલા હાઈપ્રોફાઈલ દરોડાની સાચી ઘટના પર આધારિત છે. ફિલ્મમાં એક નીડર ઈન્ડિયન રેવન્યુ સર્વિસ (આઈઆરએસ) ઓફિસર અમય પટનાયક(અજય દેવગણ) સાંસદ રામેશ્વર સિંહ ઉર્ફે રાજાજી સિંહ (સૌરભ શુક્લા)ના ત્યાં સમગ્ર ટીમ સાથે રેડ મારવા પહોંચે છે. રાજાજી બચવા માટે સમગ્ર જોર લગાવે છે પણ અમય પીછેહટ કરતો નથી. 2 કલાક અને ઉપર થોડી મિનિટની આ ફિલ્મ આ જ ખેંચતાણ પર આધારિત છે. છેલ્લે આ દબંગ સાંસદ પર શું સરકારી ઓફિસર ભારે પડે છે કે તેણે કોઈ અન્ય રસ્તો પસંદ કરવો પડે છે તે જાણવા માટે તો થિયેટરમાં જવું પડે.



આ ફિલ્મમાં અજય દેવગણ અને સૌરભ શુક્લા બંને પોતાની ભૂમિકામાં જબરદસ્ત ફિટ જોવા મળી રહ્યાં છે. બંને વચ્ચે દમદાર ટક્કર જોવા મળી રહી છે. પિંક અને એરલિફ્ટ જેવી ફિલ્મો લખી ચૂકેલા લેખક રિતેશ શાહે આ ફિલ્મમાં પણ દમદાર ડાઈલોગ લખ્યા છે. ફિલ્મમાં કેટલાક વનલાઈનર ખુબ સારા છે. સાચી ઘટનાઓ પર આધારિત ફિલ્મોમાં વધુ નાટકિય વળાંક આપી શકાતા નથી. પરંતુ આ ફિલ્મ આમ છતાં દર્શકોને જકડી રાખવામાં સફળ નિવડે છે.


અજય દેવગણની પત્નીની ભૂમિકામાં ઈલિયાના સારી લાગે છે. પરંતુ આ તમામ વચ્ચે દાદીની ભૂમિકામાં જોવા મળેલા અમ્માએ અલગ જ છાપ છોડી છે. મજેદાર, દમદાર થ્રિલર જવા માંગતા હોવ તો તમે 'રેડ'  જોવા થિયેટર સુધી ચોક્કસ જઈ શકો છો.