મુફદ્દલ કપાસી/અમદાવાદ : 'તુમ્બાડ' એક એવું છેવાડાનું ગામ જ્યાં સતત અવિરત વરસાદ વરસતો રહે છે.  દેવતાઓના શ્રાપને લીધે આવું બને છે અને દેવતાઓએ શા માટે આ જગ્યાને શ્રાપ આપ્યો છે એ પહેલાં જ દ્રશ્યમાં સમજાવી દેવાય છે. થિયેટરના વિશાળ પરદા પર પહેલાં દ્રશ્યથી જ એક એક ફ્રેમ તમને અંદર ખેંચતી જાય છે. કેમરામાં કેદ કરતાં પહેલાં એક એક ફ્રેમ માટે કરેલી મહેનત તમને મંત્રમુગ્ધ કરતી જાય છે. તમારે વાર્તા ન જાણવી હોય તો તમે આ મૂવીને મ્યૂટ કરીને પણ માણી શકો એ સ્તરની સ્ટન્નિંગ સિનેમેટોગ્રાફી માટે પંકજ કુમારને પહેલી સલામી. હોલિવૂડના ખેરખાઓ આ માણસને બહુ જલદી ખેંચી જાય તો નવાઇ નહીં. પંકજ કુમાર પોતાના કેમરામાં દરેક દ્રશ્યને અસાધારણ રીતે કેપ્ચર કરી શકે તે માટે પ્રોડક્શન ડીઝાઇન ટીમ અને ક્રિએટિવ ડિરેક્ટર પણ એટલાં જ હક્કદાર છે શાબાશીના.લગભગ દરેક દ્રશ્યમાં ક્રિએટીવ ડિરેક્ટર આનંદ ગાંધીની મહેનત પણ તમને દેખાય છે.અને બધાથી આગળ સેલ્યૂટ છે ડેબ્યુટન્ટ ડિરેક્ટર રાહી અનિલ બર્વેને !


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તુમ્બાડ એ હોરર મૂવી છે ? હા, તમે તેને હોરર કહી શકો પણ એના લેયર્સ એવાં છે કે એ એક હોરર કરતાંય સાયકોલોજીકલ થ્રીલર વધુ કહી શકાશે. સિને-મા! હા, અહી પણ પહેલું જ દ્રશ્ય એક માની વાતથી શરૂ થાય છે અને સ્ક્રીન પર અન્ય એક માને દર્શાવાય છે. વાર્તા આગળ વધતી રહે છે. તમારે સમજવા માટે કાનને બહુ કષ્ટ આપવું પડે એવું નથી. બધું જ દ્રશ્યો બોલતા જાય છે. રાઇટર્સે સ્ક્રીન પ્લે તો સરસ લખ્યો છે પણ સંવાદ લખવામાં એમને બહુ મહેનત કરવી પડી નથી. ખુબ ઓછા સંવાદો છે. લાંબોલચ્ચક કહી શકાય એવો કોઇ સંવાદ જ નથી! કદાચ પ્રારંભે
એક બેકગ્રાઉન્ડ નરેશન આવે છે એ જ પછી એનાથી મોટો કોઇ સંવાદ નથી. પણ કેટલાંક વનલાઇનર્સ કમાલના છે. ડર અહી પહેલાં દ્રશ્યથી ગોરંભાવા લાગે છે! હા કેમ કે ચીસો પાડી પાડીને કે ઘૂરકિયા કરી કરીને ડરાવનારું કોઇ શૈતાની પાત્ર અહી નથી. એની અદ્રશ્ય હયાતી અને 
એ માટે ઉભી કરાયેલી વિઝ્યુઅ્લ સિચુએશન જ રૂંવાડા ઉભા કરી દે તેવી છે. એનિમેશન કે વિઝ્યુઅ્લ ઇફેક્ટસ કરતાંય અહી મેકઅપ ઓવર ધ ટોપ છે. મેકઅપ ટીમને પણ ફૂલમાર્ક્સ.


1918થી શરૂ થતી આ મૂવી ત્રણ ચેપ્ટરમાં વહેંચી દેવામાં આવી છે. પહેલાં ચેપ્ટરથી લઇને છેક અંત સુધી દરેક દ્રશ્યમાં જે-તે સમયને આબેહૂબ પરદા પર જીવંત કરાયો છે. તમે ધ્યાનથી જોશો તો તમને સિને ઇતિહાસના કેટલાંક લાજવાબ ડિરેક્ટર-સિનેમેટોગ્રાફરની યાદ આવી જશે. એક જ વાક્ય એ માટે પૂરતું છે તમને લાગે કે આ લોકો ટાઇમમશીનનો ઉપયોગ કરી જે-તે સમયમાં જઇને શૂટ કરી આવ્યાં હોય એ હદે તમને બધું રિયલ લાગે. જેટલાં અસરકારક દ્રશ્યો છે એવો જ અસરકારક બેકગ્રાઉન્ડ સ્કોર છે જેસ્પર કીડનો. 


વાર્તાનો નાયક પ્રારંભે બાળવયનો દર્શાવાય છે ત્યારથી જ તેને લાલચુ બતાવાયો છે. રહસ્યમય ગામ તુમ્બાડને તેણે સમય અને સંજોગોને લીધે છોડવું પડે છે. પણ વયસ્ક થતાં તે બીજા ચેપ્ટરમાં ગામમાં એકલો પાછો ફરે છે. સોહમ શાહની એક્ટિંગ ટેલેન્ટ અહી બરાબરની ખિલી છે. જરાપણ લાઉડ એક્ટિંગ નહી. પોતાના પાત્રને સંપૂર્ણ અનુરૂપ. આમપણ અહીં કોઇની લાઉડ એક્ટિંગ નથી. બધાં જ વાર્તાની જરૂરિયાત અનુરૂપ અદ્દભૂત છે. તુમ્બાડમાં વિનાયકને પોતાની લાલચ પરત લઇ આવે છે. વાર્તા સતત આગળ ધપતી રહે છે. પણ નજરની સામે કરતાં નજરથી ઓજલ કંઇક બિહામણાંનો ડર સતત ઝળુંબતો રહે છે. પહેલાં ચેપ્ટરમાં કેટલાંક સવાલો તમને રહી જાય છે. પણ વાર્તા આગળ વધે એમ બીજા કે ફાઇનલ ચેપ્ટરમાં જવાબો મળતાં જાય છે. ના, કહીને સમજાવાતું નથી. શૉ, ડોન્ટ ટેલવાળા સિનેમાના મૂળ એથિકને મૂવી છેક સુધી વળગી રહે છે.


 લાલચ બૂરી બલા હૈ. તો અહી બલા કોણ છે ? જે શેતાન પાત્ર છે એ હસ્તર કે પછી નાયક વિનાયકની મહાલાલચ ? શું વિનાયક વાર્તાનો નાયક છે પણ ખરો ? બધું જ કદાચ લેયર્સમાં કહેવાયું છે. ડેમોનિક કિરદાર હસ્તર કરતાંય વધુ ઘાતક છે લાલચ અને લાલચ પણ પેઢીઓથી આગળ ધપતી રહે છે! કેટલી બધી બાબતો મુખ્ય પાત્રની વર્તણૂંકમાં કહી દેવાઇ છે. અને સાથે જ જાણે એ મેટાફર પણ છે. કેટલીક સિકવન્સમાં જે દ્રશ્યમાન છે એના કરતાં ગૂઢાર્થ વધુ છે. તો કેટલીક સિકવન્સ ખરેખર ચોંકાવનારી છે. રોજગારી મેળવવા બ્રાહ્મણ પત્ની પતિની ગેરહાજરીમાં ઘઉંનો લોટ વેચે છે એ પતિથી સહન નથી થતું. પત્નીને એ માત્ર ઘર ચલાવવા પૂરતી જ સમજે છે. અને પછીના વર્ષો પછીના એક દ્રશ્યમાં દીકરો પિતાના જ કાર્યની તાલીમ ઘરમાં લેતો હોય છે ત્યારે બે દિકરીઓ મૂક એક જગ્યાએ પાસે પાસે અદબની સાથે એને જોતી રહે છે. કેટલું કહેવાયું છે આ દ્રશ્યમાં કોઇપણ સંવાદ વિના. સ્ત્રીને તત્કાળસ્થિતિને પણ એ રીતે વર્ણવી દેવાઇ છે. આખીય મૂવી વિઝ્યુઅ્લી અને બાય સબ્જેક્ટ બન્ને રીતે ડાર્કર ટોન ધરાવે છે. અને એટલાં માટે જ કદાચ એ એવરેજ લાઇટર મૂવી પસંદ કરનારા વર્ગને ગળે ન પણ ઉતરે. ક્લાઇમેક્સ વધુ સ્પષ્ટ છે અને વાર્તાના સંદેશને પણ વધુ સ્પષ્ટ કરે છે. એટલો જ રોમાંચક પણ છે. લાસ્ટ મોમેન્ટમાં એક જોરદાર આશ્ચર્ય પણ ઉમેરાય છે જે લેખકની ચતૂરાઇ દર્શાવે છે. 


બહુ ચર્ચાયેલી અને વખણાયેલી મૂવી શિપ ઓફ થિસિયસની જ મોટાભાગની ટીમ અહી મોજૂદ હોવાથી મેકિંગ લેવલે મેજીક બરકરાર છે. ડિરેક્શનની ક્રેડિટ લેનારા રાહી અનિલ બર્વે, આદેશ પ્રસાદ અને આનંદ ગાંધી ઉપરાંત મિતેશ શાહે સાથે મળીને મૂવી લખી છે. વેનિસ ફિલ્મ ફેસ્ટિવલની ઓપનિંગ મૂવી તરીકે દર્શાવાયેલી તુમ્બાડ બેશક બોલિવૂડની એક લાજબાવ મૂડી સમાન છે. વધુ એક દ્રશ્યની વાત કરું. વાર્તામાં વિનાયકના પુત્રને પગે જરાક ખોડ છે એ દર્શાવવા એ જન્મે છે એ સમયે એના પગનો ક્લોઝ શોટ દેખાડાય છે પણ કશું કહેવાતું નથી. આગળ જતાં તમને સમજાય છે કે એ ક્લોઝ શોટ કેમ દર્શાવાયો હતો ! અમેઝિંગ.


ઓવરઓલ બોલિવૂડ પણ આ સ્તરની મૂવીઝ બનાવી શકે છે એ ઘટના તરીકે આ મૂવી લાંબો સમય યાદ રહેશે. બહુ હળવીફૂલ કે બહુ એન્ટરટેઇનિંગ મૂવીના ચાહકો આનાથી દૂર રહે પણ ડાર્કર ટોનમાં ટેક્નિકલી એક સુપર્બ મૂવી જોવી હોય તો ધીસ ઇઝ ડેફિનેટ્લી અ મસ્ટ વૉચ.


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...