ઉદયપુરઃ આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢા અને અભિનેત્રી પરિણીતી ચોપરા લગ્નના તાંતણે બંધાઈ ગયા છે. ઉદેપુરના લક્ઝરી રિસોર્ટમાં ભવ્ય લગ્ન સમારંભ યોજાયો. ફિલ્મ, રાજકારણ, સ્પોર્ટસ અને વેપાર જગતની આમંત્રિત હસ્તીઓએ લગ્નમાં હાજરી આપી. આ સમારંભ ઘણી રીતે ખાસ પણ રહ્યો છે. કેવો હતો આ દરમિયાનનો માહોલ, જોઈએ આ અહેવાલમાં..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકારણ અને ફિલ્મ જગતની હસ્તીઓના લગ્ન થયા હોય તેવા કિસ્સા ભાગ્યે જ સામે આવે છે. જો કે હવે આ શ્રેણીમાં એક હાઈ પ્રોફાઈલ જોડીનો ઉમેરો થઈ ચૂક્યો છે. રાઘવ ચઢ્ઢા અને પરિણિતી ચોપરા હવે એકબીજાનાં જીવનસાથી બન્યા છે. 


છેલ્લા ઘણા સમયથી જેની ચર્ચા ચાલતી હતી, તે ભવ્ય લગ્ન સમારંભ ઉદેપુરમાં સંપન્ન થયો છે. જોડી હાઈ પ્રોફાઈલ હોવાથી લગ્ન સમારંભની તૈયારીઓ પણ ઘણી ખાસ અને શાહી હતી. મર્યાદિત સંખ્યામાં આમંત્રિતોની હાજરીમાં ઉદેપુરની ફાઈવ સ્ટાર હોટેલ લીલા પેલેસ અને તાજ પેલેસમાં લગ્નની તમામ વિધિઓ યોજાઈ.


ક્રિકેટર હરભજનસિંહ, શિવસેનાના નેતા આદિત્ય ઠાકરે, દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માન સહિતની હસ્તીઓ લગ્ન સમારંભમાં હાજર રહી.. મહેમાનોને હોટેલ તાજ પેલેસ હોટલમાં ઉતારો અપાયો હતો, જ્યારે લગ્નની તમામ વિધિઓ નજીકની હોટેલ લીલા પેલેસમાં યોજાઈ. બંને હોટેલના પરિસરને પણ સજાવવામાં આવ્યા હતા. હોટેલની આસપાસ પોલીસનો ચાંપતો સુરક્ષા બંદોબસ્ત હતો.


આ લગ્ન સમારંભની સૌથી મોટી ખાસિયત જાન માટે પસંદ કરાયેલું માધ્યમ હતું. બપોરે અઢી વાગ્યાની આસપાસ રાઘવ ચઢ્ડાની જાન હોડીમાં હોટેલ તાજ પેલેસથી લીલા પેલેસ પહોંચી હતી. જાનૈયાઓ પણ વાહનની જગ્યાએ સજાવેલી ખાસ હોડીમાં સવાર હતા. વરરાજા રાઘવે સફેદ શેરવાની પહેરી હતી. 


આ લગ્નની ચર્ચા સમગ્ર ઉદેપુરમાં થઈ. ઉદેપુર ફરવા આવતા પર્યટકો પણ આ ભવ્યાતિભવ્ય લગ્નનો નજારો જોઈને ખુશ થયા...લગ્નના અગાઉના દિવસે યોજાયેલી સંગીત સેરેમનીમાં પણ માહોલ જામ્યો હતો. વરવધૂ, પોતાના પરિવારજનો અને મહેમનો સાથે મન મૂકીને નાચ્યા...આ દરમિયાન રાઘવ અને પરિણીતીએ પહેરેલા ડ્રેસ પણ ચર્ચામાં છે.. 


સંગીત સેરેમની નાઈન્ટીઝની થીમ પર યોજાઈ હતી. જમાં પંજાબી સિંગર નવરાજ હંસે પોતાના ગાયનથી માહોલ બનાવ્યો હતો. આ ફંકશનમાં પરિ સિલ્વર રંગના લહેંગામાં અને રાઘવ બ્લેક સૂટમાં સજ્જ હતા. લગ્ન સમારંભની ભવ્યતાનો અંદાજ આ દ્રશ્યો પરથી જ માંડી શકાય છે.


સાંજે રાઘવ અને પરિણિતી સાત ફેરા ફર્યા અને લગ્ન સમારંભ પૂરો થયો. આ સાથે જ ગ્લેમર અને રાજકારણ જગતની બે હસ્તીઓ જિંદગીભર માટે એક થઈ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube