ફિલ્મ અને ટીવીના લોકપ્રિય એક્ટ્રેસ રીટા ભાદુરીનું નિધન
રીટાએ અનેક ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે અને એક સમયે તેઓ ગુજરાતી ફિલ્મોના ટોચની હિરોઇન ગણાતા હતા
મુંબઈ : ટીવી શો ‘નિમકી મુખિયા’માં ઇમરતી દેવીનો રોલ ભજવનાર રીટા ભાદુરીના નિધનથી ઇન્ડસ્ટ્રીમાં શોકનું વાતાવરણ છે. રીટા ટીવી ઇન્ડસ્ટ્રી તેમજ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો છે. 62 વર્ષીય રીટાના નિધનની જાણકારી સિનિયર એક્ટર શિશિર શર્માએ સોશિયલ મીડિયા પર આપી છે. તેણે લખ્યું છે કે હું આ વાતની સુચના આપી રહ્યો છું કે રીટા ભાદુરી આપણી વચ્ચે નથી. તેમના અંતિમ સંસ્કાર 17 જુલાઈએ બપોરે 12 વાગ્યે અંધેરી ઇસ્ટ, મુંબઈ ખાતે થવાના છે. તે અમારા બધા માટે માં જેવી હતી, તેમની બહુ યાદ આવશે...
રિપોર્ટ પ્રમાણે છેલ્લા કેટલાક દિવસથી રીટા ભાદુરીની તબિયત બહુ ખરાબ હતી. તેમને કિડનીની લગતી સમસ્યા હતી જેના કારણે તેમને દર બીજા દિવસે ડાયાલિસિસ કરવું પડતું હતું. તબિયત ખરાબ હોવા છતાં રીટા પોતાનું શૂટિંગ નિયમિત રીતે કરતા હતા અને બ્રેક દરમિયાન સેટ પર જ આરામ કરતા હતા.
રીટાનું કામ પ્રત્યેનું સમર્પણ જોઈને નિમકી મુખિયાનું શૂટિંગ શેડ્યુલ તેમની અનુકૂળતા પ્રમાણે ગોઠવવામાં આવતું હતું. તેમના આ શોને લોકોએ બહુ પસંદ કર્યો છે. રીટાએ અનેક ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે અને એક સમયે તેઓ ગુજરાતી ફિલ્મોના ટોચની હિરોઇન ગણાતા હતા. તેમણે ટીવી શો સારાભાઈ વર્સેસ સારાભાઈ, અમાનત, એક નઈ પહેચાન અને બાઇબલ કી કહાનિયાં તેમજ અનેક હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે.