ધમકીવાળા પત્ર, લોરેન્સ બિશ્નોઈ વિશે સલમાન ખાને મુંબઈ પોલીસને શું કહ્યું? ખાસ જાણો
બોલીવુડ અભિનેતા સલમાન ખાનને તાજેતરમાં મારી નાખવાની ધમકી મળી હોવાની ચર્ચા હતી. આ મામલો સામે આવ્યા બાદ મુંબઈ પોલીસ એક્શનમાં આવી ગઈ. હવે આ મામલે સલમાન ખાનનું પણ નિવેદન સામે આવ્યું છે. મુંબઈ પોલીસે સલમાન ખાનનું નિવેદન નોંધ્યું છે. આ નિવેદનની વિગતો સામે આવી છે. અભિનેતાએ કહ્યું છે કે ધમકીવાળો પત્ર તેમને નહતો મળ્યો પરંતુ તેમના પિતાની ખુરશી પર કોઈ મૂકીને જતું રહ્યું હતું.
શું કહ્યું સલમાન ખાને?
અત્રે જણાવવાનું કે ધમકીના પગલે પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો તથા અભિનેતાના ઘરની બહાર ભારે સંખ્યામાં પોલીસકર્મીઓ પણ તૈનાત કર્યા હતા. ધમકીવાળા પત્ર મામલે સલમાન ખાને પોલીસમાં પોતાનું સ્ટેટમેન્ટ નોંધાવી દીધુ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ આ સ્ટેટમેન્ટમાં તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં તેમનો કોઈની સાથે વિવાદ થયો નથી કે કોઈ પણ ધમકીવાળો ફોન કે મેસેજ આવ્યો નથી. ધમકીવાળા ફોન વિશે વાત કરતા સલમાન ખાને કહ્યું કે આ પત્ર તેમને નહતો મળ્યો પણ તેમના પિતાની ખુરશી પર કોઈ મૂકીને જતું રહ્યું હતું.
સલમાન ખાને કહ્યું કે પિતા સલિમ ખાન મોર્નિંગ વોક દરમિયાન આ ખુરશી પર બેસે છે અને તે જગ્યા પર અનેક લોકો પોતાના પત્ર મૂકીને જતા રહે છે. તે જ જગ્યા પર મારા પિતા સલીમ ખાનને આ પત્ર મળ્યો હતો. જેથી ક રીને તેમને કોના પર શક છે તેવું તે કહી શકે નહીં.
આ ઉપરાંત સલમાન ખાને ગોલ્ડી બરાર અને લોરેન્સ બિશ્નોઈ વિશે સવાલ પૂછાતા કહ્યું કે તે ગોલ્ડીને જાણતો નથી પરંતુ લોરેન્સ બિશ્નોઈને થોડા વર્ષ પહેલા એક કેસ સંબંધે જાણે છે. સલમાન ખાને કહ્યું કે તેઓ લોરેન્સને એટલું જ જાણે છે જેટલું અન્ય લોકો જાણે છે.
ધમકીવાળા પત્રમાં શું હતું?
અત્રે જણાવવાનું કે સલમાન ખાનનું આ સ્ટેટમેન્ટ તેના હૈદરાબાદ ટુર પહેલા રેકોર્ડ કરાયું હતું. ધમકીઓ છતાં વર્ક કમિટમેન્ટ પૂરી કરવા માટે સલમાન પોતાની ફિલ્મ કભી ઈદ કભી દિવાલીના શુટિંગ માટે નીકળી ગયો છે. તાજેતરમાં સલમાન ખાનને એક ધમકીવાળો પત્ર મળ્યો હોવાનું કહેવાયું હતું. જેમાં સાથે સાથે પિતા સલીમ ખાનને પણ ધમકાવવામાં આવ્યા હતા.
મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો પત્રમાં લખ્યું હતું કે 'સલીમ ખાન, સલમાન ખાન બહુ જલદી તમારા હાલ મૂસેવાલા જેવા થશે.' આ પત્ર કોઈ અજાણ્યા વ્યક્તિએ સલીમ ખાન જ્યાં મોર્નિંગ વોક બાદ બેસવા જાય છે તે પાર્ક બેન્ચ પર રાખી દીધો હતો. મુંબઈ પોલીસના જણાવ્યાં મુજબ બાન્દ્રામાં સલમાન ખાનના ઘરની સામે સલીમ ખાન દરરોજ ઘૂમવા માટે જાય છે. તેઓ જે જગ્યાએ બેસે છે ત્યાં પોસ્ટ બોક્સ જેવી પથ્થરવાળી જગ્યા છે. અહીં અનેક સ્ટ્રગ્લર્સ સલીમ ખાનને તક આપવા માટે પત્રો લખતા હોય છે. દરરોજ સલીમ ખાન આ પત્રોને ત્યાંથી બહાર કાઢીને વાંચતા હોય છે. આ ધમકીવાળો પત્ર પણ તેમાંથી મળ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube