તિરુપતિ બાલાજી મંદિરની આ 7 રહસ્યમય વાત..સુપરસ્ટાર્સ તો શું સામાન્ય માણસોને પણ નહીં ખબર હોય!
Shah Rukh Khan Reached Tirupati Temple: બોલીવુડના બાદશાહ શાહરૂખ ખાન અપકમિંગ ફિલ્મ જવાનની રિલીઝ પહેલા તિરુપતિ બાલાજી મંદિર પહોંચ્યા. આ મંદિરના મહિમા વિશે કદાચ સુપરસ્ટાર્સ જ નહીં પરંતુ તમને પણ કદાચ નહીં ખબર હોય. તો ખાસ જાણો આ 7 વાતો....
ભારતને મંદિરનો દેશ કઈ અમથો નથી કહેવાતો. કઈંક તો છે અહીંના મંદિરોમાં જ્યાં લોકો હજારો કિલોમીટરની મુસાફરી કરીને પણ દર્શન માટે ઉમટી પડતા હોય છે. દેશના જ નહિં પરંતુ વિદેશમાંથી પણ પર્યટકો અહીં આવતા હોય છે. ભારતમાં એવા અનેક મંદિરો છે પરંતુ આંધ્ર પ્રદેશનું તિરુપતિ મંદિર સૌથી આગળ છે.
ચિત્તુર જિલ્લામાં તિરુમાલા પર્વત પર આવેલું આ મંદિર ભારતનું સૌથી પ્રમુખ અને પવિત્ર સ્થળોમાં આવે છે. આ ઉપરાંત આ મંદિર સૌથી અમીર મંદિરોમાં પણ સામેલ છે. ચમત્કાર અને રહસ્યોથી ભરેલા આ મંદિર વિશે એવું માનવામાં આવે છે કે અહીં દરેક ભક્તની મનોકામના પૂરી થાય છે. આજ કારણ છે કે શાહરૂખ ખાન પણ પોતાની અપકમિંગ ફિલ્મ જવાની રિલિઝ પહેલા પુત્રી અને અભિનેત્રી નયનતારા સાથે તિરુપતિ મંદિર દર્શન કરવા માટે પહોંચ્યા. અત્રે જણાવવાનું કે શાહરૂખ ખાન હાલમાં જ વૈષ્ણોદેવી મંદિરમાં પણ જોવા મળ્યા હતા. તો ચાલો આજે અમે તમને આ મંદિર વિશે કેટલીક અનોખી વાતો જણાવીશું.
પ્રતિમામાંથી આવે છે પરસેવો
મંદિરમાં બાલાજીની જીવંત પ્રતિમા એક ખાસ પથ્થરમાંથી બનાવેલી છે. એવું કહેવાય છે કે બાલાજીની પ્રતિમાને પરસેવો આવે છે અને તેમના પરસેવાના ટીપા સ્પષ્ટપણે જોવા મળે છે. બાલાજીની પીઠને તમે ગમે તેટલીવાર સાફ કરો પરંતુ તે ભીની જ રહે છે. આથી આ મંદિરમાં તાપમાન ઓછું રહે છે.
સ્ત્રી પુરુષ બનેના વસ્ત્ર પહેરે છે બાલાજી
એવું કહેવાય છે કે ભગવાનના આ રૂપમાં માતા લક્ષ્મી પણ સમાયેલા છે અને આ જ કારણ છે કે બાલાજીને સ્ત્રી અને પુરુષ બંનેના વસ્ત્રો પહેરાવવામાં આવે છે. બાલાજીને રોજ નીચે ધોતી અને ઉપર સાડીમાં સજાવવામાં આવે છે.
વાળનું રહસ્ય
એવું કહેવાય છે કે ભગવાન વેંકટેશ્વરના માથાના વાળ અસલી છે જે ક્યારેક ગૂંચવાતા નથી અને હંમેશા મુલાયમ રહે છે. આ વાળ આજ સુધી અસલ કેવી રીતે છે તે વાતનું પણ એક રહસ્ય છે.
છડીથી થઈ હતી બાલાજીની પીટાઈ
એવું કહેવાય છે કે મંદિરમાં જમણી બાજુ એક એવી છડી રાખી છે કે જેનાથી બાળપણમાં ક્યારેક બાલાજીની પિટાઈ થતી હતી. પીટાઈ કરવાથી આ છડીથી ભગવાનને દાઢીમાં ઈજા પણ થઈ હતી. આ કારણે તેમને દાઢી પર ચંદનનો લેપ પણ કરવામાં આવે છે.
મૂર્તિની અંદરથી આવે છે અવાજ
એવું કહેવાય છે કે ભગવાન વેંકટેશ્વરની પ્રતિમા પર જો તમે કાન સરવા કરીને સાંભળો તો અંદરથી સમુદ્રની લહેરો જેવો રહસ્યમય અવાજ આવે છે. આ અવાજ કેવી રીતે અને ક્યાંથી આવે છે તે વાતનું રહસ્ય હજુ પણ જળવાયેલું છે.
હ્રદયમાં છે લક્ષ્મીજીની આકૃતિ
દર ગુરુવારે બાલાજીના શ્રૃંગાર હટાવીને સ્નાન કરાવ્યા બાદ ચંદનનો લેપ કરવામાં આવે છે. જ્યારે આ લેપ હટાવવામાં આવે છે ત્યારે બાલાજીના હ્રદયમાં માતા લક્ષ્મીજીની આકૃતિ જોવા મળે છે.
ક્યારેય દીવો ઓલવાતો નથી
બાલાજીના મંદિરમાં એક દીવો હંમેશા પ્રગટેલો રહે છે. આશ્ચર્યની વાત એ છે કે આ દીવામાં ક્યારેય તેલ કે ઘી નાખવામાં આવતું નથી. પરંતુ હજુ સુધી એ નથી ખબર કે આ દીવો સૌથી પહેલા કોણે અને ક્યારે પ્રગટાવ્યો હતો.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)