શોકના વાતાવરણમાં પણ શ્રીદેવીની `આ` એક ઈચ્છાનું ધ્યાન રાખી રહ્યાં છે પતિ બોની કપૂર
શ્રીદેવી પોતાની છેલ્લી સફર પર રવાના થઈ ચૂકી છે. આજે તે પંચમહાભૂતમાં વિલિન થઈ જશે. માત્ર 54 વર્ષની વયે અચાનક શ્રીદેવીનું નિધન થવાથી સમગ્ર પરિવાર ઊંડા શોકમાં ગરકાવ છે.
નવી દિલ્હી: શ્રીદેવી પોતાની છેલ્લી સફર પર રવાના થઈ ચૂકી છે. આજે તે પંચમહાભૂતમાં વિલિન થઈ જશે. માત્ર 54 વર્ષની વયે અચાનક શ્રીદેવીનું નિધન થવાથી સમગ્ર પરિવાર ઊંડા શોકમાં ગરકાવ છે. ખાસ કરીને પતિ બોની કપૂરની હાલત તો ખુબ જ ખરાબ છે. પરિવારજનોના વિરોધ હોવા છતાં બોનીએ શ્રીદેવી સાથે લગ્ન કર્યા હતાં. દુનિયાની પરવા કર્યા વગર આ કપલ લગ્નના બંધનમાં બંધાયુ હતું. તેનાથી જ અંદાજો લગાવી શકાય કે તેઓ બંને એકબીજાને કેટલો પ્રેમ કરતા હશે. આ વાતના સાક્ષી તો તેમના મિત્રો પણ હંમેશા પૂરાવે છે.
આટલા શોકના માહોલમાં પણ બોની કપૂર શ્રીદેવીની ઈચ્છાઓને પૂરી કરવાનું ભૂલી રહ્યાં નથી. તેમણે દાહસંસ્કારની પ્રક્રિયામાં પણ પત્નીની ઈચ્છાઓનું ધ્યાન રાખ્યું છે. કહેવાય છે કે બોની કપૂરે દાહ સંસ્કારની પ્રક્રિયામાં શ્રીદેવીની પસંદ-નાપસંદનું ખુબ ધ્યાન રાખ્યુ છે. જેને જોઈને લાગે છે કે જાણે બોની કપૂર આ દ્વારા શ્રીદેવીને યાદ કરવાની એક પણ પળ ગુમાવવા માંગતા નથી.
શ્રીદેવીને સફેદ રંગ પ્રત્યે હતો ખાસ લગાવ
શ્રીદેવીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેને સફેદ રંગ ખુબ ગમે છે. તે પોતાની જીંદગીમાં દરેક જગ્યાએ સફેદ રંગ જોવા માંગે છે. શ્રીદેવીને પ્રિય સફેદ રંગ અને તે પ્રત્યેના લગાવને ધ્યાનમાં રાખતા બોની કપૂરે તેના દાહ સંસ્કારમાં સફેદ રંગનું ખાસ ધ્યાન રાખ્યું છે. એવી કોશિશ કરવામાં આવી રહી છે કે દાહ સંસ્કારમાં ઉપયોગમાં લેવાતો દરેક સામાન અને કપડું સફેદ હોય. કેટલાક નજીકના સંબંધીઓ અને મિત્રોને પણ તેમણે ખાસ સફેદ રંગના કપડાં પહેરીને આવવા જણાવ્યું હતું.
ફિલ્મ ચાંદનીમાં જોવા મળ્યો હતો સફેદ રંગ પ્રેમ
વર્ષ 1989માં આવેલી ફિલ્મ ચાંદનીના મોટાભાગના દ્રશ્યોમાં શ્રીદેવી સફેદ કપડાંમાં જોવા મળી હતી. ફિલ્મમાં અભિનેતા ઋષિ કપૂર એક દ્રશ્યમાં શ્રીદેવીના સફેદ રંગ પ્રત્યેના પ્રેમનો ઉલ્લેખ પણ કરે છે. આ ઉપરાંત શ્રીદેવી એક ચેનલને આપેલા ઈન્ટરવ્યુંમાં પણ કહી ચૂકી છે કે તેને સફેદ રંગ સાથે ખુબ લગાવ છે. હવે તેના પાર્થિવ દેહના અંતિમ સંસ્કારમાં પણ બોની કપૂર તેની આ ઈચ્છાનું ખુબ ધ્યાન રાખી રહ્યાં છે.