નવી દિલ્હી: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના દિગ્ગજ કલાકાર નટુકાકા એટલે કે ઘનશ્યામ નાયક હવે આ દુનિયામાં નથી. ઘનશ્યામ નાયક છેલ્લા કેટલાક મહિનાથી કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા. હવે આ દુનિયા છોડીને જતા રહ્યા. રવિવારે અભિનેતાએ છેલ્લા શ્વાસ લીધા. થોડા સમય અગાઉ તેમના બે ઓપરેશન પણ થયા હતા. 77 વર્ષની ઉંમરે તેમણે દુનિયાને અલવિદા કરી. આજે અભિનેતાના અંતિમ સંસ્કાર કરાયા. અંતિમ સંસ્કારની તસવીરો પણ સામે આવી છે. આ બધા વચ્ચે શોમાં 'બાઘા' ની ભૂમિકા ભજવતા તન્મય વકારિયાએ જે કહ્યું તે જાણીને તમે ખુબ ભાવુક થઈ જશો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તન્મયે જણાવ્યા છેલ્લા દિવસોના હાલ
ઘનશ્યામ નાયકની બીમારી બાદ તન્મય વકારિયા એટલે કે શોનો બાઘા તેમના પરિવાર સાથે સંપર્કમાં હતો. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપેલા એક ઈન્ટરવ્યુમાં તન્મયે કહ્યું કે 'તેઓ છેલ્લા 2-3 મહિનાથી ખુબ જ તકલીફમાં હતા અને મને લાગે છે કે હવે તેઓ એક સારી જગ્યાએ છે. હું સતત તેમના પુત્રના સંપર્કમાં હતો. તેમણે જણાવ્યું હતું કે તેઓ ખુબ દર્દમાં હતા અને તેના કારણે તેઓ અજીબ વર્તન પણ કરવા લાગ્યા હતા. ન તો ખાતા હતા કે ન તો પાણી પી શકતા હતા. તેઓ ખુબ જ મુશ્કેલીમાં સમય પસાર કરી રહ્યા હતા. એક રીતે હવે તેઓ ભગવાન પાસે સુરક્ષિત છે. તેમના આત્માને શાંતિ મળે.'


કામ માટે ઝનૂની હતા
તન્મયે આગળ કહ્યું કે 'હું હંમેશા ઘનશ્યામજીને એક સારા વ્યક્તિ તરીકે યાદ રાખીશ. મને નથી લાગતું કે હું તેમના જેવી કોઈ વ્યક્તિને ક્યારેય મળી પણ શકીશ. તેઓ ખુબ જ સીમ્પલ હતા. મે ક્યારેય તેમને કોઈ વિશે ખરાબ બોલતા નથી સાંભળ્યા. તેઓ હંમેશા સકારાત્મક વાતો કરતા હતા. પોતાના કામને લઈને તેઓ હંમેશા ઉત્સાહિત હતા. હું અને સમગ્ર તારક મહેતા...નો પરિવાર તેમને દરરોજ યાદ કરીશું.'


આ ફિલ્મોમાં જોવા મળ્યા
ઘનશ્યામ નાયકને ભલે નટુકાકાના પાત્રથી ઓળખ મળી પરંતુ તેમણે પોતાની 6 દાયકાની લાંબી કરિયરમાં અનેક યાદગાર ભૂમિકા ભજવી છે. તેમણે અનેક મોટી ફિલ્મોમાં કામ કર્યું. જેમાં બેટા, લાડલા, ક્રાંતિવીર, બરસાત, ઘાતક, ચાઈનાગેટ, હમ દિલ દે ચૂકી સનમ, લજ્જા, તેરે નામ, ખાકી, અને ચોરી ચોરી જેવી ફિલ્મો સામેલ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube